શહેરના વસ્ત્રાલ પાસેની માધવની પોળ નામની હોટલ પાસેથી એક્ટિવા પર જઇ રહેલી બી ફાર્મની એક વિદ્યાર્થિનીને કાચવાળી પ્રતિબંધિત ઘાતક દોરી મોંઢાના ભાગે વાગી હતી. દોરીની ઇજા એટલી ગંભીર હતી જેના કારણે તેણીને 28 ટાંકા આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ એક મહિલાનું ગળું દોરીના કારણે કપાઇ ગયું હતું. વસ્ત્રાલ ગિરિવર ગેલેક્સીમાં રહેતી બિનલ પટેલ નામની 22 વર્ષની એક યુવતી ગાંધીનગરમાં બીફાર્મમાંઅભ્યાસ કરે છે.
રવિવારે સાંજે પોતાના ઘર પાસેના શાક માર્કેટમાં એક્ટિવા પર શાક લેવા માટે જતી હતી ત્યારે અચાનક પતંગની દોરી તેના મોંઢાના ભાગે આવી હતી. જેના કારણે તેણીએ દોરી કાઢવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પતંગ ચગાવનારે દોરી જોરથી ખેંચી હતી.જેના કારણે ગાલની અંદરના ભાગે દોરી ઘૂસી ગઇ હતી.જેથી બિનલ લોહીલુહાણ થઇ ગઇ હતી. જેના કારણે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જો કે બિનલે પોતાના મોંઢે દુપટ્ટો બાંધી પોતાના ઘરે ગઇ હતી.
કોઈકે દોરી જોરથી ખેંચતાં મોટો ચીરો પડ્યો
બિનલના સંબંધી ધર્મેશ પટેલે કહ્યું, મારી બહેન એક્ટિવા પર વસ્ત્રાલ પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક દોરી તેના ગાલ પાસે આવીને ઘસાઇ ગઇ હતી અને સામે છેડેથી કોઈકે દોરી ખેંચી હતી. ઈજા પછી તે પોતે જ ઘરે પહોંચી હતી. ઘરની બાજુમાં જ ખાનગી હોસ્પિટલ હતી. જેથી તાત્કાલિક સારવાર કરાવી હતી.