ગાંધીનગરમાં રાજભવનની અંદર પ્રવેશો ત્યારે કાનમાં નાની ઘંટડીનો મીઠો અવાજ સંભળાય છે, સાથે વાછરડાના ભાંભરવાનો સાદ પણ કાને પડે છે. અહીં આવનાર વ્યક્તિને એમ થાય કે તે રાજકીય પ્રોટોકોલ અનુસરતા સરકારી ભવનમાં નહીં પરંતુ ગામઠી પરંપરા પાળતા સ્થળે આવી ગઇ છે. પરંતુ વાત જરા જુદી છે.
વાછરડું સંપૂર્ણ ધરાય પછી જ ગાય દોહીને તેનું દૂધ રાજભવનમાં ઉપયોગમાં લેવાય છે
વૈદિક પરંપરાને અનુસરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં ગૌશાળા તૈયાર કરાવી ત્યાં ગીર ગાય અને તેના વાછરડાને પાળી રહ્યા છે. રાજ્યપાલ નિયમિત રીતે ગૌશાળાની મુલાકાત લે છે. તેમને ગૌપાલનમાં રસ અને જાણકારી હોવાથી ગાયના પાલકને સૂચન આપી ગાય અને તેના વાછરડાની માવજત અંગે માર્ગદર્શન કરતા રહે છે. આ ગાયનું વાછરડું સંપૂર્ણ ધરાય ત્યાં સુધી તેની માતાનું દૂધ પી રહે તે પછી જ તેને દોહીને તેનું દૂધ રાજભવનમાં ઉપયોગમાં લેવાય છે. આગામી સમયમાં ગાયોની સંખ્યા વધારવામાં આવશે. રાજભવનના ઉપયોગનું દૂધ કાઢી લીધાં બાદ જે વધશે તે બધું જ દૂધ કર્મચારીઓના બાળકોમાં વહેંચી દેવામાં આવશે. હજુ થોડા સમય પહેલાં જ રાજ્યપાલે આ ગાય ગીરમાંથી મંગાવી છે અને તેઓ સતત ગીર ગાયો અને દેશી ગાયોની ઓલાદ સુધારણા માટે સતત પ્રચાર પ્રસાર કરતા રહે છે. આ ગાયને દરરોજ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વાવેલા ઘાંસનું નીરણ કરવામાં આવે છે.
ક્યારેય દૂધ-દહીં બજારમાંથી નહોતું ખરીદ્યું, ગાયના આરામ માટે ગાદલાં પણ મૂક્યાં હતા
આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે ‘એક ઘર, એક ગાય’નો નારો આપ્યો હતો. તેમનું કહેવું છે કે, જ્યાં હોય, ત્યાં એક પીપડું રાખીને તેમાં ગૌમૂત્ર ભેગું કરવું જોઈએ. તેનો ઉપયોગ ખાતર બનાવવા કરવો જોઈએ. તેનાથી ખેડૂતોને પણ સારું ખાતર મળશે. ખેડૂતોને જંતુનાશક અને કિંમતી ખાતરથી મુક્તિ મળશે, જેનાથી બિમારીઓ પણ થાય છે. હું એક ખેડૂત પણ છું અને કુરુક્ષેત્રમાં મારું ગુરુકુળ છે, જ્યાં 300 ગાય છે. તેમના મૂત્રથી ખાતર તૈયાર કરાય છે. હિમાચલના રાજભવનમાં તેમની પાસે સિંધી ગાય હતી. ગાયના આરામ માટે તેમણે ગાદલાં પણ મૂકાવ્યા હતા. ઠંડીમાં તેમના માટે ગરમ કપડાં પણ હોય છે. હિમાચલ રાજભવને તેમના કાર્યકાળમાં દૂધ, દહીં, માખણ અને લસ્સી ક્યારેય બજારમાંથી નહોતા ખરીદ્યા. રાજભવનમાં ગાયની દેખભાળ માટે એક ખાસ વ્યક્તિની નિમણૂક પણ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..