હૈદરાબાદના ગૌતમે એક જ દિવસમાં 1000 ગરીબોને ભોજન જમાડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશમાં રોજ ઘણી બધી રેસ્ટોરાંમાં જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે, તેવામાં હૈદરાબાદનો ગૌતમ ગરીબોને જમાડવાનો ઉદ્દેશ લઈને સારું કામ કરી રહ્યો છે.

તેલંગણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી પણ વધારે ગરીબોને જમાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગૌતમના આ પ્રેરણાત્મક કામને ‘યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ’માં સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક એનજીઓએ તેને સન્માનિત પણ કર્યો છે.

ગૌતમે વર્ષ 2014માં ‘સર્વ નીડી એનજીઓ’ સ્થાપના કરી હતી.

‘સર્વ નીડી(Serve Needy)’ એનજીઓ

હૈદરાબાદનો રહેવાસી ગૌતમ યુવાન વયે મોજશોખ કરવાને બદલે એનજીઓ ચલાવે છે. એનજીઓ સાથે સંકળાઈને તે અનેક વખત સારા કામ કરીને ચર્ચામાં આવી જાય છે. રેકોર્ડ મામલે ગૌતમે કહ્યું કે, મેં વર્ષ 2014માં ‘સર્વ નીડી(Serve Needy)’ એનજીઓની શરૂઆત કરી હતી. મારી સંસ્થાનો ઉદ્દેશ એક જ હતો કે, કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ. અમે વધારે લોકો સુધી જમવાનું પહોંચાડી શકીએ તે દિશામાં રોજ મહેનત કરીએ છીએ. આ કામને કરવામાં મને ઘણો આનંદ મળે છે. 6 વર્ષમાં મારી પાસે કુલ 140 સ્વયંસેવક છે, જે વારંવાર ગરીબોને જમાડવામાં મને સાથ આપતાં રહે છે.

હાલ આ એનજીઓમાં 140 સ્વયંસેવક છે

ત્રણ અલગજગ્યા પર લોકોને ભોજન કરાવ્યું

ગૌતમ કુમારે રવિવારે હૈદરાબાદની ત્રણ અલગ-અલગ જગ્યા પર લોકોને ભોજન કરાવ્યું હતું, જેમાં સૌપ્રથમ હૈદરાબાદની ગાંધી હોસ્પિટલના દર્દીઓને જમાડ્યા હતા. ત્યારબાદ રાજેન્દ્ર નગરમાં અને છેલ્લે અમ્મા નન્ના અનાથાશ્રમાં બાળકોને ભરપેટ જમવાનું આપ્યું હતું. વિશ્વ રેકોર્ડ બનાવ્યા બાદ ગૌતમને ‘ યુનિવર્સલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ના ભારતીય પ્રતિનિધિ કે.વી રમન્ના રાવ અને તેલંગણાના પ્રમુખ ટી.એમ શ્રીલતાએ સર્ટિફિકેટ આપ્યું હતું. ભવિષ્યમાં તે એનજીઓ દ્વારા વધારે ભૂખ્યાં લોકો સુધી પહોંચવા માગે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો