ગૌશાળાનાં સંચાલિકાના મોતથી ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો ત્યાગ કર્યો

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામે છેલ્લા તેર વરસથી અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા ગૌશાળાની 37 વર્ષીય સંચાલિકાનું આકસ્મિક નિધન થતા એક બાજુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે તો બીજી બાજુ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ પણ દિવસભર ઘાસચારો અને પાણીનો ત્યાગ કરી શોક પ્રગટ કર્યો હતો.

આ બાબતે મૃતક કૈલાસબેનનાં પતિ રમણીકભાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું છેલ્લા સત્તર વરસથી ઉગામેડી ગામે ગૌશાળા ચલાવું છું અને સાઈડમાં હિરાનું કારખાનું ચલાવું છું. આ ગૌશાળામાં હાલમાં 250 થી 275 નાના મોટા અબોલ જીવો છે. મારા પત્ની કૈલાસબેન છેલ્લા તેર વરસથી આ અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા હતાં. 24 કલાકમાંથી 12 કલાક ગાયોની અબોલ પશુઓની સેવામાં સમય પસાર કરતા મારે સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે.

જેટલી લાગણી તે સંતાનો પ્રત્યે ધરાવતી એટલી જ લાગણી અને પ્રેમ આ અબોલ પશુ પ્રત્યે હતો. રાત્રિનાં ત્રણ વાગ્યે જાગીને પશુઓને ઘાસચારો, પાણી નિયમીતપણે આપી અથાગ સેવા કરતા જ્યારે મારા પત્નીને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ત્યારે પણ આ અબોલ જીવની ચિંતા કરતી અને કહેતી વાછરડાની મા મરી ગઈ છે, તો તેને દુધ પાજો. બે દિવસનાં તાવને કારણે 10મી જાન્યુઆરીનાં કૈલાસબેનનું મોત થતા ઉગામેડી ગામમાં શોકનો માહોલ ફેલાયેલો હતો.

પ્રભુ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો