ભાવનગરના ગોરખીનો 3 ફૂટની હાઈટ ધરાવતો ગણેશ બારૈયા બનશે ડોક્ટર, સુપ્રીમ કોર્ટ સુધી લડીને મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું

તળાજા તાલુકાના ગોરખીના 18 વર્ષીય ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર 3 ફૂટ જ છે અને વજન 14.5 કિલો. તે જ્યારે એડમિશન લેવા ગયો ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો હતો અને કહ્યું હતું કે, તું ડોક્ટર બનવા લાયક નથી. બસ આ વાતથી સમસમી ઊઠેલો ગણેશ સુપ્રિમના દ્વારે ગયો હતો અને ત્યાંથી લડાઈ લડીને છેવટે ગ્રીન સિગ્નલ મેળવીને ડોક્ટર બનશે. દુનિયાના સૌથી ઓછી ઊંચાઈ ધરાવતાં ડોક્ટરનો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવવાની દિશામાં તેણે પ્રથમ ડગ માંડ્યું છે. તેને તાજેતરમાં જ મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે. 72 ટકા શારીરિક ખામીને પગલે તેને દિવ્યાંગ ઉમેદવારના ક્વોટામાં એડમિશન મળ્યું છે. તેણે નીટની પરીક્ષામાં 223 માર્ક મળ્યા હતા.

ઓપરેશન કેમ કરીશ એમ કહીને એક સમયે કમિટીએ પ્રવેશ આપ્યો ન હતો

એક સમયે મેડિકલમાં એડમિશન લેવા ગયેલા ગણેશને ત્યારે તત્કાલિન સમયે તેને તેની ઊંચાઈ જોઈને કમિટીએ કહ્યું હતું કે, તારી હાઈટ આટલી છે તો ઓપરેશન કેવી રીતે કરી શકીશ. આમ કહીને તેને મેડિકલમાં પ્રવેશ આપવાનો કમિટીએ ઈન્કાર દીધો હતો. મેડિકલ ક્ષેત્રે અભ્યાસક્રમો અને પ્રવેશ સમિતિએ રોક લગાવતા ગણેશે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા સુપ્રીમ કોર્ટે પ્રવેશ સમિતિની પાયાવિહોણી બાબતને ફગાવી ગણેશને તબીબી ક્ષેત્રે હરણફાળ ભરવા લીલી ઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગણેશના પરિવારજનો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

ગણેશની ઉંમર વધી પણ ઊંચાઈ નહીં

દુનિયામાં જ્વલ્લે જોવા મળતો કિસ્સો ભાવનગરના તળાજા તાલુકાના ગોરખી ગામે જોવા મળ્યો હતો. સમય ક્યાં વીત્યો અને વર્ષોના વર્ષ થવા છતાં પણ શરીરનો વિકાસ અટકી જાય તેવા લોકો પણ દુનિયામાં જોવા મળે છે. ગોરખી ગામે પણ 18 વર્ષના ગણેશની સાથે આવું થયું હતું. ઉંમર વધી પણ ઊંચાઇ નહીં. 18 વર્ષનો થવા છતાં તે માત્ર 3 ફૂટનો છે અને વજન પણ માત્ર 15 કિલો છે. તેનું તબીબ બનવાનું સપનું હતું.

12 સાયન્સમાં B ગ્રુપ સાથે 87% જેવા માર્ક્સ લાવ્યો અને NEETમાં પણ 223 જેટલો સારો સ્કોર કર્યો

ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 18 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઇ માત્ર 3 ફૂટ રહી છે અને વજન માત્ર 15 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈ પણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઉંચાઈ વધારી શકાય એવું કોઈ સંશોધન કરવું છે. ગણેશે તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાંથી ગત માર્ચ-એપ્રિલ 2018 દરમિયાન લેવાયેલી બોર્ડ પરીક્ષાના પરિણામમાં B ગ્રૂપ સાથે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 12 સાયન્સમાં 87% જેવા માર્ક્સ લાવ્યો અને NEETમાં પણ 223 જેટલો સારો સ્કોર કર્યો હતો. ગણેશને એમ હતું કે ડોક્ટર બનવાનું એનું સપનું હવે પૂરું થશે પણ ભગવાન જાણે કે એની કસોટી કરતા હોય એમ પ્રવેશ સમિતિએ ગણેશને એડમિશન ના આપ્યું. કારણ એવું આપવામાં આવ્યું કે તમારી શારીરિક ઊંચાઇ ઓછી છે અને વજન માપસર ન હોવાથી તેને દિવ્યાંગતા ગણી હતી. એટલું જ નહીં આ દિવ્યાંગતા 72%થી વધુ છે એટલે ડોક્ટર તરીકે તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકે તેવી ધારણા માત્રથી ગણેશને તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ અપાયો નહીં.

માતા-પિતા ખેતી કરીને માંડ માંડ બે છેડા ભેગા કરી રહ્યા છે

ભૂખ્યા માણસના મોંઢા સુધી પહોંચેલો કોળિયો છીનવાઈ જાય એવું ગણેશ સાથે થયું હતું. માતા-પિતા તો ગામડામાં રહીને ખેતી કરનારા અને માંડ માંડ બે છેડા ભેગા કરતા હતા. એટલે એ તો બીજી કોઈ મદદ કરી શકે તેમ નહોતા. આવા સમયે નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના સંચાલકો દલપતભાઈ કાતરિયા અને રૈવતસિંહ સરવૈયા એના વિદ્યાર્થીની મદદે આવ્યા. ગણેશને આયુર્વેદમાં એડમિશન મળતું હતું પણ એ એડમિશનને ઠોકર મારીને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું.

હાઇકોર્ટના વકીલની ફી ભરી શકાય એવી ગણેશના પરિવારની સ્થિતિ નહોતી

ગણેશના પરિવારની સ્થિતિ નહોતી કે હાઇકોર્ટના વકીલની ફી ભરી શકે પણ દલપતભાઈ અને રૈવતસિંહે બધો ખર્ચો પોતે ઉપાડીને પણ ગણેશને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો હતો. ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો પણ એમાં સાથ મળ્યો હતો. MBBSમાં જ પ્રવેશ મેળવવા માટે હાઇકોર્ટમાં લડતના મંડાણ થયા હતા. ભગવાનને પણ જાણે હજુ કસોટી લેવી હોય તેમ હાઇકોર્ટમાં કેસનો ચુકાદો ગણેશની વિરુદ્ધમાં આવ્યો હતો. સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હથિયાર હેઠા મૂકી દે પરંતુ દલપતભાઈએ નક્કી જ કરેલું કે ગણેશને MBBSમાં એડમિશન અપાવવા માટે છેવટ સુધી લડી લેવું છે.

બીજા બે બાળકો પણ છે જે હાઇકોર્ટમાં કેસ હારી ગયા

દલપતભાઈએ તપાસ કરી તો ખબર પડી કે ગણેશ જેવા બીજા બે બાળકો પણ છે જે હાઇકોર્ટમાં કેસ હારી ગયા છે અને એડમિશનથી વંચિત રહી ગયા છે. હવેનો પડાવ નામદાર સુપ્રીમ કોર્ટ હતો. સુપ્રીમ કોર્ટના વકીલની ફી અને કોર્ટનો ખર્ચો શું થાય એ સૌ જાણે છે પણ ખર્ચાની ચિંતા કર્યા વગર ગણેશના કેસની અપીલ નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. દલપતભાઈ અન્ય બે વિદ્યાર્થી વડોદરાની શેખ મુસ્કાન અને રાજકોટના આટકોટની શ્રમિક પરિવારની ટૂંકા હાથ ધરાવતી હિના મગનભાઇ મેવાસીયા વાલીઓને પણ મળ્યા અને એમને પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તૈયાર કર્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલ્યો હતો અને છેવટે સત્યનો વિજય થયો હતો. ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમમાં ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની તરફેણમાં કેસ આવ્યો હતો અને મહિનામાં ચુકાદો આવ્યો હતો. ગઇકાલે ગણેશ સહિત બીજા વિદ્યાર્થીની તરફેણમાં પણ ચૂકાદો આપ્યો હતો. લાંબી લડતના અંતે ત્રણે વિદ્યાર્થીઓ જીતી ગયા હતા. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ખાસ કહ્યું હતું કે, કોઈ વિદ્યાર્થીની શારીરિક ઊંચાઇ ઓછી હોય કે વજન માપસર ન હોય તેના કારણે તેની કારકિર્દીમાં આગળ જતો અટકાવી શકાય નહીં.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો