પાંચ રાજ્યોમાં શરમજનક હાર અને નેતાઓના પલાયન સહિતના અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના સિનિયર નેતાઓ દુઃખી થઇ રહ્યા છે. કોંગ્રેસના લગભગ 130 વર્ષના ઇતિહાસમાં આટલું પતન ક્યારેય જોવા મળ્યું નથી. કોંગ્રેસના પતનથી જુના નેતાઓ ચિંતિત છે અને નેતૃત્વ પરિવર્તનની માગ કરી રહ્યા છે. કોંગ્રેસમાં સુધારાની માંગ કરનારા ગ્રુપ 23ના નેતાઓમાં કપિલ સિબ્બલ પહેલા એવા નેતા છે જેમણે ખુલીને સોનિયા ગાંધીને પદ છોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હવે ગાંધી પરિવારે કોંગ્રેસના નેતૃત્વનો ભાર છોડી દેવો જોઇએ અને બીજા કોઇ નેતાને જવાબદારી સોંપવી જોઇએ.
કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 8 વર્ષથી પાર્ટીનું સતત પતન થઇ રહ્યું છે છતા તેઓ ચેતી નથી જતા તે કોંગ્રેસ માટે દુર્ભાગ્યની વાત છે. વર્ષ 2020માં કોંગ્રેસના સુધારાની માગ સાથે નેતાઓનું એક ગ્રુપ 23 બનાવવામાં આવ્યું છે. કપિલ સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસનું જે રીતે પતન થઇ રહ્યું છે તે મારાથી જોવાતું નથી. તેમણે કહ્યું કે હું છેલ્લાં શ્વાસ સુધી કોંગ્રેસ માટે સંઘર્ષ કરતો રહીશ.
સિબ્બલે કહ્યું કે, કોંગ્રેસમાં એ બધાને સાથે લાવવાના છે જેઓ ભાજપને ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે મમતા બેનરજી, શરદ પવાર એ બધા કોંગ્રેસી જ હતા, પરંતુ એ બધા દૂર ચાલ્યા ગયા હતા હવે તેમને સાથે લાવવાના છે. તેમણે કહ્યું કે વર્તમાન પરિણામથી મને કોઇ આશ્ચર્ય થયું નથી કારણ કે વર્ષ 2014થી અમે સતત હારી રહ્યા છીએ. અમે એક પછી એક રાજ્ય હારી રહ્યા છીએ. જ્યાં સફળ થયા, ત્યાં પણ પોતાને જોડીને રાખી શક્યા નથી. સિબ્બલે કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી એવા લોકો પલાયન થઇ રહ્યા છે જેમને નેતૃત્વ પર ભરોસો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં 177 સાંસદ અને ધારાસભ્ય અને 222 ઉમેદવારો કોંગ્રેસને રામ રામ કરી ચૂક્યા છે. કોઇ પણ અન્ય પાર્ટીમાંથી આટલી મોટી સંખ્યામાં છોડીને ગયા નથી.
કપિલ સિબ્બલે કહ્યું કે, સોનિયા ગાંધીએ જાતે જ પોતાની નેતાગિરીની ભૂમિકામાંથી હટી જવું જોઇએ કારણકે જે સમિતિ આવું કહેવા માટે જવાબદાર છે તે ક્યારેય પણ સોનિયા ગાંધીને પદ પરથી હટી જવા માટે કહેશે નહીં. તેનું કારણ એવું છે કે આ સમિતિના લોકોની પસંદગી સોનિયાએ જ કરી છે. સિબ્બલે કહ્યું કે, આપણે એવું માનીને ચાલીએ છીએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ નથી બલ્કે સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે. પરંતુ રાહુલ ગાંધીએ પંજાબ જઇને ચરણજીત સિંહ ચન્નીની મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત કરી દીધી હતી. આ અધિકાર તેમને કોણે આપ્યો?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..