ભારતમાં કેટલીક રેસ્ટોરન્ટ એવી પણ છે, જેમાં જમ્યા પછી તમારે પૈસા નહીં ચૂકવવા પડે. આ રેસ્ટોરન્ટમાં તમે લંચ કરો કે ડિનર, તમારે કોઈ બિલ નહીં ભરવું પડે. મજાની વાત એ છે કે આ તમામ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ અને સારી ક્વોલિટીનું ભોજન મળે છે. તો ચલો જાણીએ દેશની આવી ફ્રી રેસ્ટોરન્ટ વિશે…
સેવા કેફે
અમદાવાદમાં આવેલું છે સેવા કેફે. આ રેસ્ટોરન્ટમાં તમે પેટભરીને જમી શકો છો. સેવા કેફે ખૂબ જ સુંદર રીતે બનાવાયેલું છે. સાથે જ અહીં લોકોને ભોજન પણ સારી રીતે પીરસવામાં આવે છે.
12 વર્ષથી ફ્રી સેવા
અમદાવાદમાં આ સેવા કેફે 11-12 વર્ષથી સતત ચાલી રહ્યું છે. આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો ઈચ્છે તો ભોજન બાદ પૈસા આપી શકે છે. સામાન્ય રીતે ગ્રાહકો પોતાની ઈચ્છથી ચૂકવણી કરે છે, જેને સેવા કેફે દાન કે મદદ તરીકે સ્વીકારે છે.
સ્વેચ્છાએ કરી શકો ચૂકવણી
સેવા કેફેને ગ્રામ શ્રી અને સ્વચ્છ સેવા નામની બે એનજીઓ ચલાવે છે. આ કેફેમાં ભોજન ભેટ તરીકે અપાય છે, જેની કોઈ જ કિંમત નથી હોતી. સેવા કેફેમાં રસોઈયા અને કર્મચારીના વર્તનથી ખુશ થઈને પણ ગ્રાહકો પોતાની ઈચ્છાથી દાન તરીકે કેટલીક રકમ આપે છે.
ફક્ત ત્રણ કલાક માટે ચાલે છે સેવા કેફે
સેવા કેફે દર ગુરુવારથી રવિવાર સુધી સાંજે સાતથી લઈને 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્રણ કલાકમાં અહીં 50 લોકોને ભોજન કરાવવામાં આવે છે. સેવા કેફે પોતાના ગ્રાહકોને જુદી જુદી ગિફ્ટ પણ આપે છે.
કર્મ કાફે
અમદાવાદમાં જ બીજી એક રેસ્ટોરન્ટ છે, કર્મ કેફે. આ રેસ્ટોરન્ટ સંપૂર્ણ રીતે ગાંધીવાદી વિચારોને આધારે શરૂ કરાઈ છે. અહીં તમને ગાંધીજીના નવજીવન પ્રેસ સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જોવા મળશે. સાથે જ ગાંધીવાદી વિચારો ધરાવતા પુસ્તકો પણ તમે અહીં વાંચી શકો છો.
ગાંધીવાદી વિચારો પર આધારિત છે
રેસ્ટોરન્ટ કર્મ કાફે દર શનિવારે, રવિવારે સાંજે 7થી 9 સુધી ખુલ્લુ રહે છે. આ રેસ્ટોરન્ટમાં તમને દરેક શનિવારે ‘ગાંધી થાળી’ મળે છે. કર્મ કાફેનો કન્સેપ્ટ બુફે સિસ્ટમ પર આધારિત છે.
125 લોકો માટે ભોજનની વ્યવસ્થા
કર્મ કાફેમાં દરરોજ 125 લોકો માટે ભોજન તૈયાર કરાય છે. અહીં વહેલા તે પહેલાના ધોરણે કામ ચાલે છે. કર્મ કાફે પણ કોઈ પ્રકારનો ચાર્જ વસુલ નથી કરતું. સામાન્ય રીતે લોકો જાતે જ પૈસા ચૂકવે છે. અહીં કોઈ જાતનું મેનુ કાર્ડ નથી, તો રેટ લિસ્ટ પણ નથી રખાતું.
ભોજન, વિચાર અને પુસ્તકો
કર્મ કેફેમાં તમે ભોજન ઉપરાંત પુસ્તકો વાંચી શકો છો, ગાંધીજી સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જોઈ શકો છો, સાથે જ ગાંધીવાદી વિચારકો સાથે બેસીને જુદા જુદા વિષયો પર ચર્ચા પણ કરી શકો છો.
કેરળમાં પણ ફ્રી ભોજનની વ્યવસ્થા
ગુજરાતની જેમ જ દક્ષિણ ભારતના કેરળમાં પણ ફ્રી ભોજનની વ્યવસ્થા છે. કેરળ ભારતનું કિનારાનું રાજ્ય છે, અને અહીં 100 ટકા સાક્ષરતા છે. કેરળમાં સરકાર તરફથી રોજ 2 હજાર લોકોને ફ્રી ભોજનની વ્યવસ્થા કરાઈ છે.
ભોજન છે મફત
આ રેસ્ટોરન્ટ આવેલી છે કેરળના પથિરાપ્પલ્લીમાં. અહીં તમારે ભોજનનું કોઈ પ્રકારનું બિલ નહીં ચૂકવવું પડે. ખાસ વાત એ છે કે અહીં બિલ માટે કેશ કાઉન્ટર જ નથી.
કાર્યકર્તાઓ આપે છે સેવા
આ રેસ્ટોરન્ટ વામપંથી વિચારો ધરાવતો પક્ષ CPI(M)ની એક સંસ્થા સ્નેહજાલાકમ ચલાવે છે. પાર્ટીના કાર્યકર્તાઓ જ અહીં ભોજન બનાવે છે, તો જાળવણી માટે મદદ કરે છે.
કેરળમાં નાણાપ્રધાનનો વિચાર
કેરળના નાણામંત્રી થૉમસ આઈસેકે આ વિચાર રજૂ કર્યો હતો. તેમનું માનવું છે કે જો કોઈ ભુખ્યુ હોય, તો તેમને ભોજન જરૂર મળવું જોઈએ. તેઓ કહે છે કે જો કોઈ ભુખ્યુ હોય, તો આ રેસ્ટોરન્ટમાં જઈને ફ્રીમાં ભોજન કરી શકે છે.
અહેવાલ- Bhavin Rawal