વડોદરા શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્રવધુ ખ્યાતી જોષી જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતી કોરોના વેક્સિનના રિસર્ચમાં જોડાયા છે. જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીમાં ચાલતા કોરોનાના ક્લિનિકલ ટ્રાયલ અંગે ખ્યાતિએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં રહેતો હતો. તેમનો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ, પિતાની નોકરીમાં બદલી થતા પરિવાર અમદાવાદના નારાયણપુરાના ઘરડાઘર પાસે આવેલા સમર્પણ ટાવર ખાતે શિફ્ટ થયો હતો. હાલ તેમનો પરિવાર અમદાવાદ રહે છે અને પરિવારમાં ભાઈ અને ભાભી પણ મેડિકલની કામગીરી સાથે જોડાયેલા છે.
અમેરિકા સહિત વિવિધ દેશના નાગરિકો પર વેક્સિન ટ્રાયલ ચાલી રહી છે
ખ્યાતિ જોષીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં લોન્ગ બીચમાં વિવિધ એજ ગ્રુપના લોકો પર હાલ કોરોનાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. એવું અનુમાન છે કે, અમારૂ આ ટ્રાયલ દરેક દર્દી પર અંદાજે બે વર્ષ સુધી ચાલશે. અમેરિકન અને અહીં વસતા અન્ય દેશોના નાગરિકો પર રસીની કેવી અસર થઇ રહી છે? એ અંગે પણ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. દર્દીને અમે રસી આપ્યા બાદ ઓછામાં ઓછો અડધો કલાક અમારે ત્યાં જ રાખીએ છીએ, જેથી રસીની કદાચ કોઈના પર આડઅસર થાય તો તરત એને અહીં સારવાર મળી શકે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અહીં ટ્રાયલ માટે આવતા દર્દીની તમામ વિગત અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હોય છે. પ્રથમવાર દર્દી આવે એ પછી તે દર્દીનું નામ કે સરનામું રસી આપનારને જણાવવામાં આવતું નથી. અહીં એક આઇડી જનરેટ થાય છે અને એ આઈડી જ એ દર્દીની ઓળખ બનતી હોય છે. રસી આપતાં અગાઉ અમે દરેક દર્દીને રસી લેવાથી થતી આડઅસરોની પણ સમજ આપીએ છીએ અને તે બાદ તે સંપૂર્ણ તૈયાર હોય એ પછી જ એને રસી આપવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિને આડઅસરમાં દર્દીને માથું દુ:ખવું, તાવ આવવો અથવા અત્યંત ગંભીર પરિસ્થિતિમાં તેનું નિધન થવું એવી આડઅસર થતી હોય છે.
જ્હોનસન એન્ડ જ્હોનસન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીને વખાણતા તેણે ઉમેર્યુ કે, અમારી કંપનીની રસી સામાન્ય ફ્રીજમાં મૂકીને 28 દિવસ સુધી રાખી શકાય છે જ્યારે અન્ય કેટલીક કંપનીની રસી સતત 24 કલાક ફ્રીઝરમાં રાખવી પડતી હોય છે. હાલ ઘણી કંપનીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. જ્હોનસન એન્ડ જ્હોનસન અમેરિકા ઉપરાંત યુકે, યુરોપ સહિતના દેશોમાં કોરોના વેકશીન પર ગ્લોબલ સ્ટડી કરી રહ્યું છે. તેનું અનુમાન છે કે જ્યારે રસી સફળ થશે તે બાદ સૌપ્રથમ અમારા જેવા ફ્રન્ટલાઈન વોરિયર્સને તેનો ચોક્કસ લાભ આપવામાં પ્રાથમિકતા મળશે.
ખ્યાતિએ એમ જણાવ્યું કે, અમારી ચાલી રહેલી ક્લિનિકલ ટ્રાયલમાં તમામ લોકોને રસી આપવામાં આવતી નથી. અહીં આવતા ઘણા લોકોને પેશિબો (સુગર પિલ અને પાણી) આપવામાં આવે છે. એટલે કે આ લોકોને એક વાઈટ કલરની રસી આપવામાં આવતી હોય છે, જેમાં સામાન્ય દવા હોય છે, કોરોના વેક્સિનમાં અપાતી દવાનો ડોઝ હોતો નથી, પરંતુ, કયા દર્દીને રસી અપાઇ અને કોને પેશિબો અપાયું તે બાબતની જાણ માત્ર સ્ટડી સ્પોન્સર્સ અને ફાર્માસિસ્ટને જ ખબર હોય છે. દર્દીને પણ તેની જાણ કરવામાં આવતી નથી. આ પાછળ કંપનીનું એવું તર્ક છે કે, રસી લેનાર અને માત્ર પેશિબો લેનાર પર થનારી અસરમાં શું તફાવત જોવા મળી રહ્યો છે? તેનો સરળતાથી ખ્યાલ આવી શકે. દરેક દર્દીને રસી આપતા પહેલા તેને અન્ય કોઈ બીમારી છે કે નહીં? તેની પણ પૂછપરછ કરવામાં આવતી હોય છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, બે વર્ષની ટ્રાયલ દરમિયાન દર્દીએ ચોક્કસ સમયગાળા અંતે અમારે ત્યાં આવવું પડતું હોય છે પરંતુ દર વખતે તેને રસી આપવામાં આવતી નથી. મોટેભાગની વિઝિટમાં તેના લોહીના નમૂના તેમજ RTPCR ટેસ્ટ કરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. રસી આપવાનો મુખ્ય ઉદ્દેશ શરીરમાં ઈંમ્યુનિટી વધારવાનો હોય છે.
ખ્યાતિ જાબલ જોષીએ ગણપત યુનિવર્સિટીમાંથી એમએસસી બાયોઇન્ફોર્મેટિક્સમાં અભ્યાસ કર્યો હતો, ત્યાર બાદ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ગાંધીનગરથી સ્ટેમસેલનો અભ્યાસ કર્યો છે. આ દરમિયાન ઈન્ટરશિપ ટાણે એણે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ ડોક્ટર ભાસ્કર વ્યાસને ત્યાંથી ઇન્ટર્નશીપ કરી હતી. જેમાં તેણે સ્ટેમસેલ રિસર્ચ કર્યું હતું. જે પછી શહેરના પૂર્વ મેયર ઉમાકાંત જોષીના પુત્ર જાબલ સાથે લગ્ન થતાં તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે અને ત્યાં તેમણે બાયોટેકનોલોજીમાં માસ્ટર્સ કર્યું હતું.
તેમણે એક વર્ષ સ્ટેમસેલ એમ્ફેસસી કર્યું જે પછી યુનિવર્સિટી સધન કેલિફોર્નિયામાં તેમણે સ્ટેમસેલ પર રિસર્ચ કર્યું હતું. જ્હોનસન એન્ડ જ્હોનસન ઉપરાંત તેઓ બીજી પણ કંપનીમાં ક્લિનિકલ ટ્રાયલ કરવાની કામગીરીમાં સહભાગી બનેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..