ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ ‘ઝોમેટો’ દેશભરમાં કોઈ ને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં ઝોમેટોનો અપંગ ડિલિવરી બોયનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તે ત્રણ પૈડાંની સાઇકલ પર કસ્ટમરને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત કોલકાતાનો વધુ એક ડિલિવરી બોય ચર્ચમાં આવ્યો છે, જે કેન્સલ થયેલા ઓર્ડરનું જમવાનું ગરીબ બાળકોને ખવડાવે છે.
આ ડિલિવરી બોયનું નામ પથિક્રિત સાહા છે. કોલકાતામાં ગરીબ બાળકો તેને ‘રોલ કાકુ’ કહીને બોલાવે છે. ગ્રાહકોએ કેન્સલ કરેલા ઓર્ડર તે બાળકોમાં વહેંચી દે છે, જેમાં ઈંડા, ચિકન રોલ અને બિરિયાની જેવી સ્વાદિષ્ટ આઇટમો હોય છે.
ચાર વર્ષ પહેલાં પ્રેરણા મળી
આ કામ વિશે પથિક્રિતે કહ્યું કે, ચાર વર્ષ પહેલાં હું મારા ઘરની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક છોકરો મારા પગ પર આવીને પડ્યો અને મારા પાસે પૈસા માગવા લાગ્યો. મને ખબર પડી ગઈ કે તે છોકરો ડ્રગ્સ માટે પૈસા માગી રહ્યો હતો. મેં તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા તેમ છતાં તે ન માન્યો. મેં ગુસ્સામાં આવીને તેને લાફો મારી દીધો. એ દિવસથી મારી સ્ટોરી ચાલુ થઈ ગઈ. મેં રસ્તા પર રખડતાં બાળકો માટે કંઈક સારું કરવાનું મનોમન નક્કી કરી લીધું.
ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું
પથિક્રિતે આ બાળકો માટે જ્યૂસ અને પાણીનો સ્ટોર ચાલુ કર્યો. આ સ્ટોરના લીધે બાળકો ભીખ માગવાને બદલે પૈસા કમાવવા લાગ્યા. એટલું જ નહીં પણ પથિક્રિતે રેલવે સ્ટેશન પર આ બાળકોને ભણાવવાનું પણ શરુ કરી દીધું.
બાળકો માટે નોકરી છોડી દીધી
રસ્તા પર રખડતાં બાળકો સાથે પથિક્રિતનો ભેટો થયો, ત્યારે તે કોલકાતા નગર નિગમમાં કામ કરતો હતો. ગરીબ બાળકો માટે તેણે નોકરીને તિલાંજલિ આપી દીધી અને ઘરમાં આર્થિક તંગી ન આવે તે માટે ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરવા લાગ્યો. જોબ દરમિયાન ઝોમેટોનો મેનેજર તેનો દોસ્ત બની ગયો અને તેની મદદ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. મેનેજર કેન્સલ થયેલા ઓર્ડરનું પેકિંગ ફૂડ પથિક્રિતને આપે છે, જે ભોજન ભૂખ્યાં બાળકો સુધી પહોંચાડે છે.
રેસ્ટોરાંના માલિકોને ડિલિવરી બોયનો સંદેશ
આ સિવાય ઝોમેટો એક એનજીઓને પણ કેન્સલ થયેલા ઓર્ડરનું ફૂડ આપે છે પથિક્રિતે કહ્યું કે, દેશભરની રેસ્ટોરાંમાં રોજનું ઘણું બધું જમવાલાયક ભોજન સીધું કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે. તેમાંનું 1% ફૂડ પણ ભૂખ્યાં બાળકોને મળતું નથી. હું દરેક રેસ્ટોરાંના માલિકને વિનંતી કરું છું કે, ફૂડ વેસ્ટ કરવાને બદલે તમારી આજુબાજુના વિસ્તારમાં ભૂખ્યાં અને ગરીબ બાળકોને આપો.