કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે.
6.5નો ભૂકંપ અને 220ની ઝડપના તોફાનમાં અટલ રહેશે લોહપુરુષ
હવે આપણા સરદાર દુનિયાના સૌથી ઊંચા સરદાર છે. દેશનું સૌથી ઊંચુ સપનું અંતે સાકાર થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે તૈયાર છે. તેની સામે 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી પણ નહીં ટકે. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. દિવ્ય ભાસ્કર આ પ્રતિમા વિશે એ બધું જ જણાવશે જે વાંચીને તમે ગર્વ અનુભવશો.
માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા, સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે, ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે, બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી.
6.5નો આંચકો, 220ની ઝડપે ફૂંકાતો પવન સહન કરશે
સ્ટેચ્યૂનું બાંધકામ એ પ્રમાણે કરવામાં આવ્યુ છે 6.5ની તીવ્રતાના ભૂકંપ તથા 220ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહિ થાય. ચીફ એન્જિનિયર આર. જી કાનુનગો ના મતે આ પ્રતિમાનુ સ્ટ્રકચર ભુંકપ વિરોધી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે.
ઉચ્ચકક્ષાની ધાતુ હજારો વર્ષો સુધી મૂર્તિને જરા પણ કાટ લાગશે નહીં
શિલ્પકાર રામ સુતાર કહે છે કે પ્રતિમા સિંધુ સભ્યતાની કળાની આધારે બનાવાઈ છે. ચાર ધાતુઓનો ઉપયોગ થયો છે જેથી તેને હજારો વર્ષ સુધી કાટ નહીં લાગે. તેમાં 85 ટકા તાંબું વપરાયું છે.
સરદારના સ્ટેચ્યૂના ‘હૃદય’માંથી ડેમ-વેલી જોઈ શકાશે
સરદારની પ્રતિમામાં લિફ્ટની મદદથી પ્રવાસીઓ પ્રતિમામાં સરદારના હૃદયના ભાગે બનાવવામાં ગેલેરી સુધી જઈ શકશે. આ ગેલેરી એ રીતે બનાવવામાં આવી છે કે તેમાંથી લોકો સરદાર સરોવર બંધ તથા નર્મદાના તટે 17 કિમી લાંબી ફૂલોની વેલી નિહાળી શકશે.
ત્રણ દિવસ સુધી રોકાવાનું મન થાય એવી જગ્યા
સરકાર સ્ટેચ્યૂ ઑફ યુનિટીને પશ્ચિમ ભારતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે. અહીં સરદારની પ્રતિમા તો ખરી જ પણ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને અન્ય આકર્ષણો પણ બનાવવામાં આવી રહ્યા છે.
– 07 માળની ઇમારત જેટલી ઊંચાઇ માત્ર સરદારના ચહેરાની
– 70 ફૂટના હાથ, 85 ફૂટથી વધુના પગ
– 01 વ્યક્તિના કદથી મોટા આંખો અને હોઠ
સ્ટેચ્યૂના શિલ્પકાર સુતાર બંધુઓએ અમને જણાવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની કહાની
ગુજરાતનું ગૌરવ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના શિલ્પકાર પદ્મશ્રી રામ સુતાર અને તેમના દીકરા અનિલ સુતારના શબ્દોમાં સ્ટેચ્યૂના નિર્માણ પાછળની કહાની… આ ઐતિહાસિક ઘટનાના મૂળ 2013માં છે. મોદીજીને સરદારની સૌથી ઊંચી પ્રતિમાનો વિચાર આવ્યો. તેમની સૂચનાથી કામ આગળ વધ્યું. અમેરિકન આર્કિટેક્ટ માઇકલ ગ્રેસ અને ટનલ એસોસિટેએટ્સ કંપનીને પણ હાયર કરવામાં આવી. એ લોકોએ અમારી પાસેથી ઘણી માહિતી મેળવી.
માઇકલ ગ્રેસએ ભારતમાં સરદારના બધા સ્ટેચ્યૂ જોયા, સરદાર પટેલ વિશે વાંચ્યુ. અભ્યાસ બાદ તેણે રિપોર્ટ કર્યો કે અમદાવાદ એરપોર્ટ પર આવેલી સરદારની પ્રતિમા સરદારના વ્યકિત્વ, ચાલ, કપડા, ચહેરાના હાવભાવને લઇને સૌથી શ્રેષ્ઠ મૂર્તિ છે. આ પ્રતિમા રામ સુતારે બનાવેલી છે. ત્યારબાદ ગુજરાત સરકારમાંથી અમને ફોન આવ્યો કે અમને તમે બનાવેલી એરપોર્ટની સરદારની પ્રતિમા ગમી છે. એલએન્ડટીને ટેન્ડર મળતાં અમારો અપ્રોચ કર્યો અને અમે આ પ્રોજેક્ટ સાથે જોડાયા. અમે ફોટોના આધારે 30 ફૂટનો ચહેરો બનાવ્યો.
પછી કમિટીના સભ્યો દિલ્હીમાં અમારા સ્ટુડિયોમાં આવ્યા. પ્રતિમાનો ચહેરો સાઇડથી, ફ્રન્ટથી જોઇ અપ્રૂવ કર્યો. 30 ફૂટના સ્ટેચ્યુને 3ડી સ્કેન કરીને ચાઇનાની એક કાસ્ટિંગ કંપનીને મોકલાવ્યું. કામ દરમિયાન અમને કહેવાયું કે તમે ચીન જઇને જુઓ કે બધું બરાબર છે કે નહીં? એ લોકો ત્યાં બુદ્ધાની મૂર્તિ બનાવે છે એટલે એ પ્રકારે બનાવી હતી. સરદાર બહુ કડક સ્વભાવના હતા. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાતો જે પ્રતિમામાં જોવા મળશે. 31મીએ સરદાર જયંતીના રોજ લોકાર્પણ છે એ બાબતે હજૂ સુધી અમને કોઇ આમંત્રણ મળ્યું નથી. અમને આ ક્ષણના સાક્ષી બનવાનું ગમશે