સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગી ભીષણ આગ, 17થી વધુના મોત, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદકા લગાવ્યા

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાબીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. જેમાં 13ના મોત થયા છે. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું છે.

મેજર કોલ જાહેર કરી દેવાયો

આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી આવી રહી છે.

ક્લાસીસમાંથી બાળકો નીચે કુદી ગયા

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

બ્રીજ પર થંભી ગયો ટ્રાફિક

સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો.

ફાયરબ્રિગેડ મોડું આવ્યાના આક્ષેપ

સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, ફાયરબ્રિગેડને આગ લાગ્યા અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં ફાયર બ્રિગેડ આગ લાગ્યાના ઘણા સમય બાદ આવ્યું હતું. જેથી ખાના ખરાબી વધી હતી. તંત્ર પાસે પુરતા સાધનો ન હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા નથી મળી રહી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.

માતા-પિતાનું ઘટના સ્થળે આક્રંદ

તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે ફસાયેલા બાળકોના માતા-પિતા ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલા માતા પિતાએ પોતાનું સંતાન અંદર આગમાં ફસાયું હોવાથી ભારે આક્રંદ કર્યું હતું.

108માં ઈજાગ્રસ્તોને ખસેડાયાં

આગના પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ચાર છોકરીઓ દાઝી ગઈ હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.સ્પાર્કલ ખાનગી હોસ્પિટલમાં બેનાં મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે કુલ 13ના મોત નીપજ્યાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

તપાસ થશે કુમાર કાનાણી

આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આગની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, દુર્ઘટનાની તપાસ થશે. જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. હાલ ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે અંગે કામ કરવામાં આવી રહ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો