સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં. આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.
શોપિંગ કોમ્પલેક્સમાં સ્કૂલ ચાલતી હતી
આઝાદ નગર ખાતે આવેલા આવેલા બાલક્રિષ્ના કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટના કારણે નોનવૂનની થેલીઓ બનાવતા કારખાનામાં આગ લાગી હતી. શોપિંગ કોમ્પલેક્સના ઉપરના ભાગે જ્ઞાનગંગા હિન્દી વિદ્યાલય આવેલી હતી. જૂનિયરથી આઠ ધોરણની આ સ્કૂલમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જેથી તેમને સલામત રીતે બહાર કાઢીને રજા આપી દેવામાં આવી હતી. દુર્ઘટનાને પગેલ ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયરબ્રિગેડે સ્કૂલને સીલ કરી
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવીને સ્કૂલને સીલ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડને સ્કૂલમાં યોગ્ય સાધનો ન મળ્યા અને સાથે જ આવી દુર્ઘટના વખતે યોગ્ય સ્ટ્રક્ચર ન હોવાના કારણે સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે.ફાયરની એનઓસી પણ ન હોવાથી સીલ કરવામાં આવી છે.
તપાસ કરીને પગલાં લેવાશેઃ ડીઈઓ
શોપિંગ કોમ્પલેક્સમાં ચાલતી સ્કૂલ અંગે ડીઈઓ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ કરીને નોટિસ આપવાથી લઈને પગલાં લેવામાં આવશે. જો કે આગની દુર્ઘટનામાં સ્કૂલના કોઈપણ બાળકોને કઈ થયું નથી. આગ લાગી તે દૂરની દુકાનમાં લાગી હતી. તેમ છતાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવશે. – ડીઈઓ એચ.એચ.રાજ્યગુરૂ
ઠપકા દરખાસ્ત લવાશેઃ પપન તોગડીયા
29મીએ પાલિકાની સામાન્ય સભા યોજાનાર છે જેમાં અધિકારીઓ પર કાર્યવાહી કરવા માટે ઠપકા દરખાસ્ત લાવવામાં આવશે. સંખ્યાબળ ન હોવાથી આ અંગે શાસક પક્ષ સાથે પણ સહકારની અપેક્ષા રાખી છે. ઠપકાની દરખાસ્તમાં નામ જોગ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.ઠપકા દરખાસ્તમાં જે તે કર્મચારીએ જવાબ આપવો પડતો હોય છે.
મોટી દુર્ઘટના ટળી
તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યા હતા. આ કાળમુખીઘટનાને એક મહિનો વીતિ ગયા બાગ ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ ઉદ્દભવતા સવાલો
સુરતમાં આજે બનેલી આગની ઘટના બાદ એવું લાગી રહ્યું છે કે તંત્ર ફક્ત તપાસના નામે નાટક કરે છે. હાલ લોકોના મનમાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે ફેક્ટરી નીચે ચાલતી હતી તો ફેક્ટરી પર સ્કૂલ કેવી રીતે ચાલી રહી હતી. આખે આખી સ્કૂલ ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. પરંતુ સવાલો એ ઉભા થઇ રહ્યા છે કે શાળાને કારખાના ઉપર ચલાવાની પરવાનગી કોને આપી? આવા જોખમી કોમ્પલેક્ષમાં શાળા ચલાવાની મંજૂરી કેવી રીતે અપાઈ?