વીસ વર્ષથી રિયલ લાઈફમાં પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરનાર ફિમેલ ‘જેમ્સ બોન્ડ’ ભાવના પાલીવાલ

જાસૂસ કે ડિટેક્ટિવનું નામ પડે એટલે સૌથી પહેલાં આપણી સામે (આપણા નોલેજ પ્રમાણે) શેરલોક હોમ્સથી લઈને જેમ્સ બોન્ડ અને આપણા બ્યોમકેશ બક્ષી સુધીના કાલ્પનિક જાસૂસોના ચહેરા તરવરવા લાગે. ફિલ્મોમાં પણ મહિલા જાસૂસ વિશે ભાગ્યે જ વાર્તાઓ લખાતી હોય છે. ત્યારે રિયલ લાઈફ મહિલા જાસૂસ વિશે તો ક્યાંથી જાણવા મળે? મુંબઈના પ્રેરણાદાયી અને રસપ્રદ વ્યક્તિત્વોની મુલાકાતો લઈને તેમના જીવનની દાસ્તાન એમના જ શબ્દોમાં પેશ કરતું પોપ્યુલર ઈન્સ્ટાગ્રામ પેજ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ આ વખતે ભાવના પાલીવાલની સ્ટોરી લઈને આવ્યું છે.

ભાવના પાલીવાલ છે રિયલ લાઈફ પ્રાઈવેટ ડિટેક્ટિવ. તે પણ આજકાલ નહીં, બલકે છેલ્લાં વીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી સફળતાપૂર્વક આ અનોખા અને ભારોભાર જોખમી ક્ષેત્રમાં પોતાની કરિયર બનાવી છે.

ભાવના પાલીવાલ કહે છે, ‘હું એવા ગામડામાંથી આવું છું જ્યાં ટૂંકાં કપડાં તો દૂર, સ્ત્રીઓ જિન્સ અને ટીશર્ટ પહેરે તે પણ સ્વીકારાતું નથી. પરંતુ મેં ઘરે બેસી રહેવાનો ઈનકાર કર્યો અને મારાં સપનાં પૂરાં કરવાની કોશિશમાં લાગી ગઈ.’ પરંતુ ભાવનાના પરિવારજનોએ એના આગળ ભણવા જવાનો જ વિરોધ કર્યો. પરંતુ ભાવના એમ હાર માને એમ નહોતી. એણે પરિવારના બંધનોને ફગાવીને બારમા ધોરણ પછી આગળ અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. વક્રતાની વાત એ હતી કે ભાવનાના ભાઈ IAS ઓફિસર હતા અને એના કાકા દિલ્હી ખાતે CBIમાં કામ કરતા હતા. તેમ છતાં તેના ઘરમાં દીકરીઓ પર મૂકવામાં આવતા પ્રતિબંધોની દાસ્તાન આપણા પરિવારમાં દીકરા અને દીકરીઓ વચ્ચેના ભેદભાવની આજે પણ ન પુરાયેલી ખાઈ દર્શાવે છે.

દિલ્હી યુનિવર્સિટીમાં ભાવનાએ જર્નલિઝમ એટલે કે પત્રકારત્વના કોર્સમાં એડમિશન લીધું. અલબત્ત, ભાવનાને તો ડિટેક્ટિવ બનીને ઈન્વેસ્ટિગેશનની દુનિયામાં ઝંપલાવવાની ધૂનકી લાગી હતી. ભાવનાને ખબર હતી કે ડિટેક્ટિવ બનવાનો એનો રાહ આસાન નહોતો. સૌપ્રથમ તો એનો પરિવાર જ એને આ કામ કરવા દે તે શક્ય નહોતું. એટલે ગ્રેજ્યુએટ થયા પછી ભાવનાએ એક અખબારમાં નોકરી લઈ લીધી. અલબત્ત, આ કામમાં એને જરાય રસ નહોતો, પરંતુ એ તબક્કે બીજો કોઈ રસ્તો પણ નહોતો.

ત્યાં જ એક દિવસ ભાવનાની કહાનીમાં ફિલ્મી ટ્વિસ્ટ આવ્યો. એણે અખબારમાં એક જાહેરખબર જોઈ, ‘જોઈએ છે પ્રાઈવેટ ડિટેક્ટિવ, સ્ત્રી/પુરુષ બંને આવકાર્ય’. ભાવનાને અંદરથી ધક્કો વાગ્યો, એણે અરજી કરી અને લો, એ સિલેક્ટ પણ થઈ ગઈ! આ વાત એ પોતાના પરિવારને કહી શકે તેમ નહોતી. એટલે એણે ઘરે કોઈને કહ્યા વિના જ અખબારની પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને કોઈને ખબર ન પડે એ રીતે પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકેનું કામ શરૂ કર્યું. અહીંથી એની લાઈફ ચેન્જ થવા માંડી.

ભાવના પાલીવાલને મળેલો પહેલો કેસ ઘરેથી ભાગી ગયેલી એક યુવતીને શોધવાનો હતો. એ યુવતીના પરિવારજનોએ એનાં લગ્ન એની મરજી વિરુદ્ધ બળજબરીથી કરાવી દીધાં હતાં. ભાવના જ્યારે એ યુવતીના પિતાને મળવા ગઈ ત્યારે એના પિતાએ સામી ભાવનાને ધમકી આપી કે એ લોકો આ ઈન્વેસ્ટિગેશન બંધ કરી દે નહીંતર એમણે ભારે પસ્તાવાનો વખત આવશે. એમને પોતાની ગાયબ થયેલી દીકરીની કશી જ પરવા નહોતી. પાછળથી ભાવનાને ખબર પડી કે એના પિતા ખુદ ઈન્ટેલિજન્સ બ્યુરોમાં હતા!

ધીમે ધીમે ભાવના એક પછી એક કેસ સોલ્વ કરતી ગઈ અને પોતાના ‘ડિટેક્ટિવગીરી’ના કામમાં પાવરધી થતી ગઈ. અવારનવાર એને ઈમોશનલી ક્ષુબ્ધ કરી મૂકે તેવી સ્થિતિમાં મુકાવું પડતું, તો કેટલાય ગુનેગારો અને હાર્ડકોર ક્રિમિનલ્સ સાથે પણ એનો પનારો પડતો. સ્વાભાવિક રીતે જ પ્રાઈવેટ ડિટેક્ટિવનું કામ ફિલ્મોમાં આપણને દેખાય છે તેવું ગ્લોસી અને ગ્લેમરસ નથી હોતું. ઉપરથી ભાવના તો આપણા પુરુષપ્રધાન સમાજમાં એક સ્ત્રી થઈને ડિટેક્ટિવનું કામ કરી રહી હતી. એને અનેકવાર એવું પણ સાંભળવું પડ્યું છે કે, ‘રાત કો અકેલે જાતી હૈ, પતા નહીં ક્યા કરતી હૈ.’ પરંતુ ભાવનાના મનમાં ચિત્ર સાફ હતું, લોકોની મદદ કરવી, બસ.

એક વખત ભાવના પાસે હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બનીને ગાયબ થયેલી ઓરિસ્સાની એક છોકરીનો કેસ આવેલો. ભાવના જ્યારે ત્યાં પહોંચી ત્યારે એને જાણવા મળ્યું કે એ છોકરીનો ભાઈ ખુદ ડોન હતો અને એણે જ આ છોકરીને પોતાને ત્યાં ગોંધી રાખી હતી. અત્યંત પાવરફુલ અને ખતરનાક ગુંડો હોવા છતાં ભાવનાએ ગમે તે રીતે તેને પકડ્યો, પોલીસને હવાલે કર્યો અને તે છોકરીને છોડાવી. તે કેસે ભાવનાને મીડિયામાં ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી. છેક એ વખતે ભાવનાના પરિવારને ખબર પડી કે એમની દીકરી પ્રાઈવેટ ડિટેક્ટિવ તરીકે કામ કરે છે! પરંતુ હવે એમનો અભિપ્રાય બદલાયો હતો. એમને પોતાની દીકરી પર ગર્વ થયો અને સામે ચાલીને પાડોશીઓને દીકરીના કારનામાના સમાચાર ગૌરવભેર બતાવવા માંડ્યા.

ધીમે ધીમે પોતાની બચતમાંથી નાણાં ખર્ચીને ભાવના પાલીવાલે પોતાની ડિટેક્ટિવ એજન્સી શરૂ કરી. આજે આ ક્ષેત્રમાં ભાવનાએ સફળતાપૂર્વક વીસ વર્ષ પૂરાં કર્યાં છે. એ સમયે ભાવનાએ હિંમત કરીને કોલેજમાં એડમિશન લીધું, ભણતર પૂરું કર્યું અને પોતાના મનગમતા ક્ષેત્રને વળગી રહી તેને કારણે આજે તે પોતાની સફળ કરિયર બનાવી શકી. ભાવના ગૌરવભેર કહે છે કે, ‘દરેક કેસ સોલ્વ કરતી વખતે મને ગૌરવ થાય છે કે સારું થયું કે સમાજે મારા માથે થોંપી દીધેલું ભવિષ્ય મેં ન સ્વીકાર્યું અને તમામ અડચણો પાર કરીને મારું ભાગ્ય મેં જાતે જ ઘડ્યું. હું આ કામ કરતી જ રહીશ.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો