ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગના ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ ઉપર આજે ગાંધીનગરમાં કાર્યશાળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલા આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગરૂપે સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

આ પદ્ધતિના ચાર મુખ્ય સ્તંભ

‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ પદ્ધતિ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંત આધારિત છે. આ પદ્ધતિના જીવામૃત, બીજામૃત, આચ્છા’દન, વાપશા એમ મુખ્ય ચાર આધાર સ્તંભો છે. રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થયા છે જેમાં ખેડૂતોનો ખેત સામગ્રીનો ખર્ચ ઘટતાં એકંદરે આવકમાં વધારો થાય છે.

ડૉ. સુભાષ પાલેકર તરફથી ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાશે

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે અને પદ્મશ્રી ડૉ. સુભાષ પાલેકર તરફથી ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતીની સમજ અને જરૂરીયાત અંગે માર્ગદર્શન આપવામાં આવશે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમાર ઓછા ખર્ચની પ્રાકૃતિક ખેતી બાબતે નીતિ આયોગનો અભિગમ રજૂ કરશે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અમલમાં છે. જેના એક્ઝીક્યુટિવ ડાયરેકટર પ્રો.રાજેશ્વરસિંઘ ચંડેલ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના કાર્યક્રમનું અમલીકરણના અનુભવો રજૂ કરશે. પ્રાકૃતિક ખેતી વિશેષ નિષ્ણાંતો તથા ખેડૂતો પોતાના મંતવ્ય રજૂ કરશે.

ખેડૂતો મળીને આશરે 8,000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે

મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ કાર્યશાળામાં મંત્રી મંડળના સભ્યો ઉપરાંત નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ. રાજીવકુમાર, સાંસદો, ધારાસભ્યો, કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સ્થાનિક વહીવટી તંત્ર, કૃષિ યુનિવર્સિટી તેમજ ખ્યાતનામ સંસ્થાઓના પ્રોફેસર, કૃષિ વૈજ્ઞાનિકો, ડેરી સંઘ તથ સહકારી સંગઠનના હોદ્દેદારો, રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રિય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ, કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક સંસ્થાઓના કાર્યકરો અને પ્રગતિશીલ ખેડૂતો મળીને આશરે 8,000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો