ખેતર ખેડીને અનાજ ઉગાડી લોકોનું પેટ ભરનારા ખેડૂતને ‘જગતનો તાત’ એમ જ નથી કહેવાતો. આપણા ઘર સુધી અનાજ પહોંચાડવા માટે ખેડૂતો ટાઢ, તકડો અને વરસાદ બધુ સહન કરતા હોય છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે. ઘણીવાર આવા મહોત્સવથી ખેડૂતો ખેતીની કેટલીક ટિપ્સ લઈને સફળ ખેતી કરતા હોય છે.
કૃષિ મહોત્સવમાંથી મળી પ્રેરણા
ગુજરાત સરકારના માહિતી વિભાગના અહેવાલ મુજબ, આવા જ એક કૃષિ મહોત્સવમાંથી પ્રેરણા લઈને જામનગર જિલ્લાના સુરેશભાઈ સાવલિયાએ ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી. જામનગરના અંતરિયાળ એવા જગા ગામમાં અસમતળ જમીન ધરાવતું ગામ છે. અહીં વરસાદ ઓછો પડવાના કારણે ભૂગર્ભ પાણી ઊંડા ઉતરી ગયા છે. એવામાં બાગાયતી પાકોની ખેતી કરવી આ વિસ્તારમાં લગભગ અશક્ય છે. ઉપરાંત ભૂંડ, હરણ અને રોજ જેવા જંગલી પ્રાણીઓથી પણ પાકને નુકસાન થવાનું ભય રહે છે.
આટલી મુશ્કેલ પરિસ્થિતી છતાં સુરેશભાઈએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો અને ટીશ્યુ કલ્ચર ખારેક વિશેની માહિતી મેળવી. આ બાદ તેમણે ખારેક વાવીને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કર્યા વિના દેશી ખાતર અને અળસિયાના ખાતરનો ઉપયોગ કર્યો.
મહેનતનું મળી રહ્યું છે ફળ
સુરશેભાઈએ 8 વર્ષ સુધી સખત પરિશ્રમ કરીને પોતાની 3 વિઘા જમીન પર કુશળતા પૂર્વક જૈવિક ખેતી કરી રહ્યા છે. તેમની મહેનતનું ફળ જ છે કે આજે એક ઝાડમાંથી સુરેશભાઈને 120 કિલો ખારેકનું ઉત્પાદન થાય છે. આમ તેઓ પ્રત્યેક વિઘા જમીનમાંથી ખારેકના ઉત્પાદન વડે 2.25 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.