દેશી કપાસની ખેતી કરતા હજારો ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવે ખેડૂતોને કપાસ વીણવા માટે મજૂરોની અછત નડશે નહીં. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇ વાઢેરને 18 વર્ષની જહેમત બાદ કાલા વીણવાનું મશીન બનાવવામાં સફળતા મળી છે. આજે ગુરુવારે આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું હતું. માત્ર 12 પાસ એવા નટુભાઇએ કાલા વીણવાનું મશીન બનાવી હજારો ખેડૂતોની પીડા દૂર કરી છે. તેમનું આ મશીન દેશી કપાસની ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બનશે.
નટુભાઇ વાઢેર તેમના આ ઇનોવેશન વિશે માંડીને વાત કરે છે. “મેં 12 કોમર્સ સુંધી અભ્યાસ કર્યો છે. મારા પિતાજી પાસે 200 વીઘા જમીન હતી. ખેતીમાં તેમને મદદરૂપ થવા માટે મારે અભ્યાસ છોડી ખેતીના વ્યવસાયમાં જોડાવું પડ્યું. અમારા વિસ્તારમાં સૂકી અને બિન-પિયત ખેતી થાય છે. મોટાભાગે ખેડૂતો દેશી કપાસ વાવે છે. મેં જોયું કે, ખેડૂતોનો કાલા વીણવવા માટે મજૂરો પાછળ ખૂબ ખર્ચ કરવો પડે છે અને ઘણી વખત તો, મજૂરો પણ મળતા નથી. ખેડૂતોની આ વેદના મને સતત પીડા આપતી હતી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની ઇચ્છા જાગી. ખેડૂતોની વેદનાએ મને કાલા વીણવાનું મશીન બનાવવાની પ્રેરણા આપી અને 2001ની સાલમાં આ મશીન બનાવવાની શરૂઆત કરી. દર વર્ષે નવા-નવા પ્રોટોટાઇપ બનાવતો ગયો. તેમાં સુધારા-વધારા કરતો ગયો અને છેલ્લે ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ.”
આ મશીનની વિશેષતા એ છે કે, એ કોઇપણ વ્યક્તિ ચલાવી શકે છે. ઉપરાંત, આ મશીન ચલવવા માટે માત્ર એક જ વ્યક્તિની જરૂર પડે છે. આ મશીન જ્યારે માર્કેટમાં આવશે ત્યારે તેની કિંમત અંદાજિત આઠ લાખ રૂપિયા હશે. નટુભાઇ ટૂંક સમયમાં જ આ મશીનનું માસ પ્રોડક્શન શરૂ કરવાનું વિચારે છે. આ મશીન દ્વારા એક કલાકમાં ત્રણ વીઘાના કાલા વીણી શકાય છે. એક વીઘામાં અંદાજિત પંદર મણ કાલાનો ઉતારો આવે છે. એટલે કે, એક કલાકમાં આ મશીન 45 મણ કાલા વીણી શકે છે. જો, ખેત મજૂરો દ્વારા કાલા વીણાવવામાં આવે તો, મણદીઠ ખેડૂતોએ 60 રૂપિયા મજૂરી આપવી પડે છે. નટુભાઇનું આ સંશોધન ખેડૂતોની જિંદગી ઘણી આસાન કરશે અને ઉત્પાદન ખર્ચ ઘટાડશે અને એ રીતે ખેડૂતોની આવકમાં ઉમેરો કરશે.
ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં દેશી કપાસની ખેતી થાય છે. નટુભાઇ કહે છે, ખેડૂતોને એક મણ દેશી કપાસ વીણવા પાછળ અંદાજે 60 રૂપિયા ખર્ચ થાય છે. જ્યારે આ મશીન દ્વારા આ ખર્ચ ઘટીને માત્ર બે રૂપિયા થઇ જશે. 47 વર્ષિય નટુભાઇ જણાવે છે કે, કાલા વીણવાનું મશીન બનાવવામા, સૃષ્ટિ સંસ્થા, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઇએફ) દ્વારા આર્થિક મદદ અને સતત હૂંફ મળતી રહી છે.
આ નવા ઇનોવેશન વિશે ખેડૂતોના શું અભિપ્રાય છે એ વિશે પુછતાં નટુભાઇએ જણાવ્યું કે, ખેરખર તો મને ખેડૂતોએ જ આ ઇનોવેશન કરવા માટે જાગતો રાખ્યો છે. “જ્યારે જ્યારે પણ ખેડૂતો મને મળતા ત્યારે સતત મને કહ્યા કરતા હતા કે, હવે ઝડપથી આ મશીન બનાવો. અમારે તેની તાત્કાલિક જરૂરિયાત છે. ખેડૂતોની આ જરૂરિયાત મને પ્રેરણા આપતી રહી અને અંતે તેમાં સફળતા મળી.” નટુભાઇ વાઢેર ખ્યાતિ પ્રાપ્ત ઇનોવેટર છે અને તેમણે કરેલા વિવિધ ઇનોવેશનની નોંધ લઇ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 2014માં તેમને માનદ્ પ્રોફેસરની ડિગ્રી એનાયત કરી છે.
નીચે તમે વિડીયો જોઈ શકો છો.
” જય જવાન જય કિસાન ”
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ