એક ખેડૂતે બટાટાં અને કેળની ખેતી કરી છે. આમ તો લાગે કે બટાટા અને કેળની ખેતી તો મોટાભાગના ખેડૂતો કરે તેમાં નવાઈની શું વાત ? પણ જણાવી દઈએ કે કેળ અને બટાટાની ખેતીથી તેમણે 50 જેટલા એર્વોડ અને પ્રમાણપત્ર હાંસિલ કર્યા છે. બટાટાંનું તો તેઓ ઉત્પાદન કરે જ છે. પણ કેળની ખેતીમાં તો કેતનભાઈને માસ્ટર ગણવામાં આવે છે. ત્યારે આજે કૃષિ વિશ્વમાં બટાટા અને કેળની ખેતીમાં કરામતી ઉત્પાદન લેનારા કેતનભાઈની વાડીની મુલાકાત લઈએ.
બટાટાં અને કેળ ખાતર અને પાણીની વધુ જરૂરિયાત ધરાવતા પાક છે. હાલમાં બટાટાં નીકળવાની સિઝન ચાલી રહી છે. ત્યારે બટાટાંના પાકમાં નહિવત પ્રમાણમાં રાસાયણિક ખાતરો વાપરી ઉત્તમ ઉત્પાદન લઈ રહ્યા છે પેટલાદ તાલુકાના બોરિયા ગામના ખેડૂત કેતનભાઈ પટેલ. માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય માટે ઓર્ગેનિક ખેતીનું સ્વપ્ન સેવ્યું હતું કેતનભાઈ પટેલે. તેઓએ પોતાની આગવી સૂઝબૂઝ સાથે ઓર્ગેનિક ખેતી કરવા માટે સિંચાઈ સુવિધાથી લઈને ખાતર આપવાની ટેકનિકમાં ફેરફાર કર્યા. ખેતરે જ ગાયોનો તબેલો તૈયાર કરી તેના છાણ મૂત્રનો ખેતીમાં ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. પોતાની ૨૮ વીઘા અને ભાગે તથા ગીરવે મળીને કુલ ૧૦૭ વીઘા જમીનમાં ખેતી કરી મીઠા ફળ લઈ રહ્યા છે. હાલના તબક્કે બટાટાંમાં હાર્વેસ્ટિંગ ચાલુ છે. પોટેટો ડિગરની મદદથી બટાટાં ઉપાડી, મજૂરોની મદદથી એકત્ર કરવામાં આવે છે. જે પછી બટાટાંનું ગ્રેડિંગ કરીને કોથળા ભરી વેચાણ કરવામાં આવે છે.
ખેતીમાં રાસાયણિક ખાતરોના અતિરેકથી રોગ જીવાત વધતાં પેસ્ટિસાઈડનો વપરાશ વધ્યો છે. આ પેસ્ટિસાઈડ ખોરાકમાં આવતાં માનવ આહારમાં પણ તેના અંશ આવવા લાગ્યા છે. જેથી પ્રગતિશીલ ખેડૂતો રેસિડયુ ફ્રી ઉત્પાદન મળે તે માટે રાસાયણિક ખાતરો નામ પૂરતા વાપરવા સાથે ગાય આધારિત ખેતી તરફ વળવા લાગ્યા છે. બટાટાંની ખેતી માટે તેમણે પાયામાં ડીએપી, સલ્ફેટ અને પોટાશ આપ્યું હતું. તો ૧ વીઘામાં ૧૨થી ૧૩ કટ્ટાં બિયારણનો ઉપયોગ કર્યો છે. બટાટાંમાં ૨૧ દિવસ પહેલા પિયત સાથે જીવામૃત આપ્યું હતું. તો બીજા પિયતમાં ૬૦ કિલો ગાયનું છાણ, ૩ કિલો એસએસપી, ૩ કિલો યુરિયા અને ૧ કિલો પોટાશને ૪૮ કલાક સુધી રાખ્યા પછી પિયત સાથે આપ્યું. ત્રીજી વખતમાં ફરી જીવામૃત આપ્યું. આ રીતે કુલ પાંચ પિયત બટાટાંને આપ્યા છે. વિકાસ સમયે છોડને પૂરતું પોષણ મળે એટલે કંદ ખૂબ જ સારા તૈયાર થાય. આ માટે તેમણે જીવામૃત બનાવવા માટે વાડી પર જ મોટા હોજ બનાવ્યા છે. તેઓ તમામ વાડીમાં પિયત સાથે જીવામૃત વગેરે આપે છે. બટાટાંનું ૪૫૦થી ૫૦૦ મણ સુધીનું એક વીઘામાંથી ઉત્પાદન લીધું છે. આ વર્ષે બટાટાંના ભાવ ૧૫૦ રૃપિયા મણનો ભાવ મળ્યો છે. ૧ વીઘામાં ૬૫થી ૭૫ હજાર રૃપિયા જેટલી આવક રહી છે. બટાટાંની ખેતીમાં બિયારણથી લઈને પેકિંગ સુધી ૨૨ હજાર રૃપિયા સુધીનો ખર્ચ કર્યો છે.
કેળની ખેતીમાં પણ કેતનભાઈની માસ્ટરી છે. કેળની ખેતીએ બોરિયાના કેતનભાઈને એક આગવી ઓળખ અપાવી છે. તેઓ કેળનું સતત ઉત્પાદન ચાલુ રહે તે મુજબ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી કેળનું વાવેતર કરે છે. કેળનું ઉત્પાદન ૫ મહિનાથી ચાલુ થાય છે. કેળમાં લામ પાક દિવાળીમાં ઓફ સિઝનમાં ઉત્પાદન આવે તે રીતે પ્લાનિંગ કરે છે. કેળની ખેતીમાં વાવેતરથી લઈને વેચાણ સુધી લગભગ ૫૦થી ૫૫ હજાર રૃપિયા જેટલો ખર્ચ આવે છે. કેળમાં હેક્ટરદીઠ ૧૨૧ ટનનું ઉત્પાદન પણ લીધું છે. રાજ્યમાં કેળની સૌથી વધુ વજનદાર લૂમ ૮૪.૫૦ કિલોની તેમની વાડીમાં તૈયાર કરી હતી.. જેના કારણે તેઓ કેળની ખેતીમાં પણ રાજ્ય કક્ષાએ અવ્વલ આવ્યા છે. હાલમાં તેમને કેળનો ૨૦૦ રૂપિયા ભાવ મળી રહ્યો છે. તેઓ માને છે કે કેળની ક્વોલિટી બનાવો તો ભાવ આપોઆપ મળી રહે છે. આ પ્રગતિશીલ ખેડૂતે કેળ અને બટાટાંની ખેતીમાં ૫૦ જેટલા એવોર્ડ અને પ્રમાણપત્રો પણ મેળવ્યા છે. કેતનભાઈની આ સિદ્ધિના કારણે જ તેમને કેળ અને બટાટાંની ખેતીના માસ્ટર ગણવામાં આવે છે.