ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં રહેતા હાજી કાલીમુલ્લા ખાનને મેંગો મેન કહેવામાં આવે છે. તેમણે એક ઝાડ પર 300થી વધારે પ્રકારની કેરી ઉગાડવાનું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ માટે તેમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકારનું કારનામું હૈદરાબાદના એક ખેડૂતે પણ કરી બતાવ્યું છે. કૃષ્ણા જિલ્લાના વદલામાનું ગામના 24 વર્ષીય ખેડૂત કુપ્પાલા રામ ગોપાલા કૃષ્ણાએ એક જ વૃક્ષમાં 18 પ્રકારની કેરી ઉગાડી છે.
કૃષ્ણાની ઉપલબ્ધિએ માત્ર સ્થાનિક ખેડૂતોને આકર્ષિત નથી કર્યા, પરંતુ તેણે સરકારી અધિકારીઓનું પણ ધ્યાન ખેંચ્યું છે. આ સમાચારથી પ્રભાવિત થઈને કૃષ્ણા જિલ્લાના કલેક્ટર શ્રી લક્ષ્મીકાંતમે કૃષ્ણાની કેરીના ખેતરની મુલાકાત લીધી. આ સાથે જ તેમણે યુવાન ખેડૂતને પોતાના પ્રયોગ માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી.
રાજ્યના બાગાયત અધિકારીઓએ પણ આ વાતની પૃષ્ટિ કરી કે એક ઝાડ પર 18 પ્રકારની કેરી મોટી ઉપલબ્ધિ છે. સામાન્ય રીતે બેથી ત્રણ પ્રકારની કેરી એક ઝાડ પર આવી શકે છે. વર્ષ 2015ના અંતમાં કૃષ્ણાના કેરીના ખેતરમાં સારી ઉપજ નહોતી થઈ રહી. લોકોએ તેને સલાહ આપી કે બધા કેરીના ઝાડ તેને કાપી દેવા જોઈએ. પરંતુ તેના મગજમાં કંઈક અલગ જ યોજના ચાલી રહી હતી.
ટેક્નિક આ રીતે કરે છે કામ
કૃષ્ણાએ ગ્રાફ્ટિંગની ટેક્નિક વિશે વાંચ્યું. આ એક બાગાયત ટેક્નિક છે, જેમાં વિવિધ છોડવાના મૂળિયાને એવી રીતે જોડવામાં આવે છે કે તે સાથે મોટા થાય. આ ટેક્નિકે તેને એટલી પ્રેરિત કરી કે તેણે પોતાના ખેતરમાં કેરીના એક જ ઝાડમાં વિવિધ પ્રકારની કેરી ઉગાડવાનો નિર્ણય લીધો. કૃષ્ણા કહે છે કે, જ્યારે આ વાત મેં મારા મિત્રોને જણાવી તો તેઓ મારી પર હસી રહ્યા હતા. પરંતુ આજે મારી સફળતાને જોવા માટે બીજા ગામના ખેડૂતો પણ આવી રહ્યા છે. મને આ વાતની ખુશી છે. આંધ્ર પ્રદેશમાં મેંગો મેન નામેથી ફેમસ રહી ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે, હવે મારી આસપાસના ગામના ખેડૂતો આ ટેક્નિક વિશે શીખવા માટે મને બોલાવી રહ્યા છે.
ઐશ્વર્યા અને સચિન નામની પણ કેરી
ઉત્તર પ્રદેશના કેરી ઉત્પાદક કલીમુલ્લા આ પહેલા નમો કેરી સિવાય બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંદુલકરના નામ પર પણ કેરીની પ્રજાતિઓના નામ રાખી ચૂક્યા છે. વર્ષ 1957થી કેરીનું ઉત્પાદન કરી રહેલા કલીમઉલ્લાહની વાડી મલિહાબાદમાં પાંચ એક એકરમાં ફેલાયેલી છે, જ્યાં તે કેરીની નવી પ્રજાતિઓ વિકસિત કરે છે.
સાઉદીના શેખે આપી હતી આ ઓફર
રાજ્ય સરકાર તરફથી ઉદ્યાન પંડિતનો પુરસ્કાર મળી ચૂક્યો છે અને કેન્દ્ર સરકાર વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત કરી ચૂકી છે. કહેવાય છે કે, 80ના દાયકામાં સાઉદી આરબના એક શેખે તેમને વજનની બરાબર સોના આપવાના બદલામાં સાઉદીમાં રહીને કેરીની વાડી લગાવવાની ઓફર કરી હતી. પરંતુ કલીમુલ્લાહે પોતાની માટીના પ્રેમના કારણે તેને ફગાવી દીધી હતી.
કેરીને આપે છે અલગ અલગ નામ
તેમણે ગત વર્ષે 2018માં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામ પર કેરીની એક પ્રજાતિનું નામ યોગી કેરી રાખ્યું હતું. તેમણે જણાવ્યું કે, યોગી કેરી દેખાવમાં બહુ સુંદર અને નાની છે અને સંપૂર્ણ કુદરતી રીતે ઉગાડવામાં આવી છે. તેમની કેરીના નામ ખાસ હોય છે જેવા કે, હુસેન અરા, શરબતી, પોખરાજ, વલહજહ ખાસ, માખણ, શ્યામ સુંદર, રાજકુમાર અને હિમસાગર.