પોલપટ્ટી ખુલી: અમદાવાદનો ઉદ્યોગપતિ ઈશારો કરે અને રાજકોટ કમિશનર ટાર્ગેટ બનાવે, કમિશનર SG હાઈવેની ઓફિસમાં નિયમિત આંટો મારતા

રાજકોટ પોલીસ દ્વારા તોડકાંડને મામલે અમદાવાદના પોલીસકર્મી સામે કાર્યવાહી થઇ છે. જેમાં ક્રાઈમ બ્રાંચના PSI એસ.ડી.સાંખલાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ કંટ્રોલ રૂમમાં બદલી કરાઈ છે. તેમજ તત્કાલિન સમયે રાજકોટમાં ફરજ પર હતા. જેમાં સોની વેપારીના ઘરમાં ઘૂસી બબાલ કરી હતી.

તપાસ ACPને સોપાતા ચારેકોરથી ટીકા

ઉલ્લેખનિય છે કે મનોજ અગ્રવાલના કરતૂતનો રેલો અમદાવાદ સુધી લંબાયો છે. જેમાં ઉદ્યોગપતિ ઈશારો કરે અને રાજકોટ કમિશનર ટાર્ગેટ બનાવે છે. તેમાં તપાસ ACPને સોપાતા ચારેકોરથી ટીકા થઇ છે. જેમાં આખરે સરકાર જાગી છે.

જાણો શું છે સમગ્ર મામલો :
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને 70 લાખ રૂપિયાની ઉઘરાણી વસુલી કરી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કરતાં સરકારમાં હડકંપ મચી ગયો છે. જેના કારણે ગોવિંદ પટેલે લખેલા લેટર બોમ્બની સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનીંગ વીભાગના ડીજીપી વિકાય સહાયને સોંપી છે. પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા એસીપીને સોંપાતા ઉહાપોહ થયો હતો અને ઘી ના ઠામમાં ઘી પાડવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે આની ચારેકોરથી ટીકા પણ થતાં તાત્કાલિક અસરથી સરકારે ડીજીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે.

ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી
પોલીસના મેન્યુઅલ પ્રમાણે, જે હોદ્દાનો અધિકારી ઉપર કરપ્શનનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેના કરતાં સિનીયર અધિકારીને તપાસ સોપવામાં આવે તેમ સરકારના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.

વિકાસ સહાયને તપાસ સોંપાઇ તે પહેલાં ઢાંક પીછેડો કરાયો
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનીયર એટલે કે 1989 બેંચના IPS હોવાનુ સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની ઇન્કવાયરી વિકાસ સહાયને સોંપવામા આવી છે. આ અંગે વિકાય સહાયે જણાવ્યુ છે કે, આ કેસની ઇન્કવાયરી ચાલુ કરી દીધી છે. જો કે નિવેદન લેવાની કાર્યવાહી પણ તાત્કાલિક અસરથી કરવામા આવશે તેમ તેમણે ઉમેર્યુ છે. મનોજ અગ્રવાલ ઉપર તોડપાણી કરતાં હોવાના આક્ષેપ થતાંની સાથે જ IPS ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચના એસીપીને સોપી હોવાનુ જણાવ્યુ હતુ. જેના કારણે રાજકારણ ગરમાયુ હતુ અને ચારે તરફથી વિરોધનો વંટોળ થયો હતો. તેમજ વિકાસ સહાયને તપાસ સોંપાઇ તે પહેલાં ઢાંક પીછેડો કરવા એસીપી લેવલના અધિકારીને તપાસ સોંપાઇ હોવાની ચર્ચા ચાલી હતી.

મનોજ અગ્રવાલ એસજી હાઈવે પરની એક ઓફિસમાં નિયમિત આંટો મારતા
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂ.75 લાખ પડાવ્યાનો ગંભીર આક્ષેપો થતા આઈપીએસઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તેવામાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વાંરવાર અમદાવાદ એસજી હાઈવે ઉપર એક ઉદ્યોગપતિની ઓફિસમાં આવતા હતા અને તેમની સૂચના પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી મારફતે તપાસનો દોર કરાવતા હતા. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ઉદ્યોગપતિનો મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવે તો અન્ય કેસોનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે.

ઉદ્યોગપતિ તથા રાજકીયો લોકો સાથે કરેલા કરતૂતોનો પર્દાફાશ થશે
રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપીંડીના કિસ્સાને ટાંકી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરાએ આ ઉઘરાણી માટે 15 % માંગ્યા હોવાનું તથા અત્યાર સુધીમાં 75 લાખ પડાવી લઇ હજુ 30 લાખ માટે દબાણ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ. તેવામાં રાજય પોલીસ વડાએ આખી તપાસ અન્ય આઈપીએસ અધિકારીને સોંપી છે. ત્યારે ખરેખર પારદર્શક તપાસ થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના મોબાઈલના સીડીઆર કઢાવીને તપાસ થાય તો કેટલાક ઉદ્યોગપતિ તથા રાજકીયો લોકો સાથે કરેલા કરતૂતોનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો