દરેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે તે પરફેક્ટ ડ્રાઇવર છે. પરંતુ જાણતા-અજાણતા ડ્રાઇવિંગ દરમિયાન આપણે બધા એવી ભૂલો કરી રહ્યા હોઇએ છીએ જે ગાડીનું આયુષ્ય ઓછું કરે છે. પરંતુ આ વાતની જાણ આપણને જ્યારે થાય ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે કારણ કે, ગાડીના પાર્ટ્સ ડેમેજ થઈ ગયા હોય છે. તો ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે કાર ડ્રાઇવ કરવા દરમિયાન આપણે કઈ ભૂલો કરીએ છીએ અને તેનાથી કેવી રીતે બચી શકાય.
1. ગાડી સમયસર વોશ ન કરાવવી
વરસાદ હોય કે કોઇપણ ઋતુ હોય, દરેકને આઉટિંગનો શોખ હોય છે અને ફ્રેન્ડ્સ સાથે આપણે ફરવા ઊપડી જતા હોઇએ છીએ. ખાસ કરીને ચોમાસાની સિઝનની વાત કરીએ તો આ સમય દરમિયાન આઉટિંગ કરવાથી ગાડીની અંદરની બોડીમાં પાણી અને કીચડ લાગી જાય છે, જેના કારણે કાટ લાગવાનું જોખમ વધી જાય છે. લાંબા સમય સુધી જો ગાડી વોશ કરાવવામાં ન આવે તો તેના પાર્ટ્સ ડેમેજ થઈ જાય છે. આવી સ્થિતિમાં વરસાદની સિઝનમાં ગાડી ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરો. ચોમાસું પતી ગયા બાદ જે ગાડી બહુ ચલાવાઈ ન હોય ખાસ કરીને તેને વોશ કરાવી લેવી જોઇએ. જેથી, પાર્ટ્સમાં કાટ લાગવાની ચિંતા ન રહે. શક્ય હોય તો સાયલેન્સર કોટિંગ કરાવી લેવું કારણ કે, તે વારંવાર ગરમ-ઠંડું પડે છે અને તેમાં ઓક્સિડેશનની પ્રોસેસ ઝડપથી થાય છે. તેથી, ઝડપથી કાટ લાગી જાય છે. બજેટ વધારે હોય તો ફુલ બોડી કોટિંગ પણ કરાવી શકાય.
2. ક્લચ ઉપર દબાણ આપીને લાંબા સમય સુધી ગાડી ઊભી રાખવી
ચઢાણ કરતી વખતે જો આપણે જામમાં ફસાઈ જઇએ તો આપણે ગાડી ન્યુટ્રલ કરીને હેન્ડ બ્રેક લગાવવાને બદલે ક્લચ પર દબાણ આપીને હાફ ક્લચમાં ગાડી આગળ વધારતા રહીએ છીએ. જામમાં અટવાઈ જવાથી કાર ઊભી રહે છે પરંતુ ક્લચ પણ તેનું કામ કરી રહ્યું હોય છે. લાંબા સમય સુધી આ સ્થિતિમાં ઊભા રહેવાથી ક્લચ પર દબાણ આવે છે. આ કારણોસર તેની ખરાબ થઈ જવાની શક્યતા વધી જાય છે. તેથી, જો ચઢાણ પર લાંબો જામ હોય તો હેન્ડ બ્રેક લગાવીને ગાડી ન્યુટ્રલ કરી દેવી.
3. ગિયર શિફ્ટ કર્યા પછી પણ પગ ક્લચ પર દબાયેલો રાખવો
જો નવા ડ્રાઇવરની વાત હોય તો આ સમસ્યા ખૂબ સામાન્ય છે. પરંતુ ઘણા જૂના ડ્રાઇવરો પણ ઘણીવાર આ ભૂલ કરી બેસે છે. એક્સપર્ટે જણાવ્યું કે, ગિયર બદલ્યા પછી તરત જ પગને ક્લચ પરથી કાઢીને ક્લચ રેસ્ટ પર મૂકો. જો ગાડીમાં ક્લચ રેસ્ટ ન હોય તો સાઇડમાં મૂકી દો. આવું એટલા માટે કરવું કારણ કે પગના વજનથી પણ ક્લચ ઉપર થોડું તો પ્રેશર પડે જ છે. જો કે, તેનાથી ક્લચ ડિસ્ક ખરાબ નથી થતાં. પરંતુ પ્રેશર પ્લેટની ફિંગર્સ હાર્ડ થઈ જાય છે. જેનાથી ક્લચ થોડા સમય બાદ ટાઇટ થઈ ગયા હોવાનો અનુભવ થાય છે. જો તમે લાંબા સમય સુધી આ ભૂલ કરશો તો એવરેજને અસર થશે. તેમજ, ક્લચમાં ખામી સર્જાવાની સંભાવના પણ છે.
4. વિન્ડશિલ્ડ પેપરથી સાફ કરવી
આપણે ઘણીવાર વિન્ડશિલ્ડ સાફ કરવા માટે પેપરનો ઉપયોગ કરીએ છીએ. એક્સપર્ટે જણાવ્યું કે, વિન્ડશિલ્ડને પેપરથી ક્યારેય સાફ ન કરો કારણ કે, આ વિન્ડશિલ્ડ માટે સ્લો પોઇઝનનું કામ કરે છે કારણ કે, કાગળ ઘણા પ્રકારના મટિરિયલથી બનેલા હોય છે. જો આપણે કાચ પેપરથી સાફ કરીશું તો તેના નાના-નાના કણ કાચને ધીમે-ધીમે ખરાબ કરી દેશે. જો કે, તેની અસર લાંબા સમય પછી દેખાય છે. તેથી વિન્ડશિલ્ડ સાફ કરવા માટે હંમેશાં માઇક્રો ફાઇબર ક્લોથનો ઉપયોગ કરો. તમે જે કાપડથી વાહનના કાચ સાફ કરી રહ્યા છો તેનાથી બીજું કંઇ પણ સાફ ન કરવાનો પ્રયાસ કરો.
નોંધ- ઉનાળામાં જો કાર લાંબા સમય સુધી ઘરની બહાર ઊભી હોય તો વાઇપર બ્લેડનો હાથ ઉંચો કરો. જેથી, તે કાચ અને વિન્ડશિલ્ડના સંપર્કમાં ન રહે. તેનાથી વાઇપર બ્લેડની લાઇફ મેન્ટેન થતી રહેશે.
5. હેન્ડ બ્રેક લગાવીને લાંબા સમય સુધી ગાડી ઊભી રાખવી
હેન્ડ બ્રેકનો વિચારપૂર્વક ઉપયોગ કરો. ખાસ કરીને વરસાદની ઋતુમાં. નહીં તો મોટો ખર્ચ આવી શકે છે. જો ચોમાસાની ઋતુમાં તમે એક અઠવાડિયાં કે મહિના માટે ગાડી ક્યાંક ઊભી કરો તો હેન્ડ બ્રેક ન લગાવો. આમ કરવાથી પાછળના વ્હીલના ડ્રમ બ્રેક્સ જામ થઈ શકે છે. રિપેરિંગ માટે મિકેનિકને એ જ સ્થળે આવવું પડશે અને ડ્રમ બ્રેક ખોલવી પડશે અને નવી નાખવી પડશે.
6. બટન દબાવ્યા વગર હેન્ડ બ્રેક ખેંચી નાખવી
ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો બટન દબાવ્યા વિના એકદમ તાકાતથી હેન્ડ બ્રેક ખેંચી નાખે છે. પરંતુ સાચી રીત એ જ છે કે હેન્ડ બ્રેક રિલીઝિંગ બટન દબાવીને જ પાર્કિંગ બ્રેક એન્ગેજ કરો. આમ ન કરવાથી લોકિંગ ગિયર ખરાબ થવાની સંભાવના વધી જાય છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો હેન્ડ બ્રેકની લાઇફ જળવાઈ રહેશે.
7. ટાયર પ્રેશર, વ્હીલ બેલેન્સિંગ અને અલાઇનમેન્ટ અવગણવું
ટાયર પ્રેશર માત્ર ટાયર જ નહીં પરંતુ ગાડીની લાઇફ વધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ મોટાભાગના લોકો તેના પર વધુ ધ્યાન આપતા નથી. આનું પરિણામ એ આવે છે કે આપણે ઝડપથી ટાયર બદલાવવા પડે છે. એક્સપર્ટે જણાવ્યું કે, ટાયરના લાંબા આયુષ્ય માટે દર પાંચ હજાર કિલોમીટર પર વ્હીલ બેલેન્સિંગ કરાવવું જોઈએ અને દર 10 હજાર કિલોમીટરે અલાઇનમેન્ટ અને ટાયર રોટેશન કરવું. સામાન્ય રીતે ઘણી કંપની ઘણા ટાયરની લાઇફ 30 હજાર કિમી હોવાનો દાવો કરે છે. પરંતુ હવે જો તમે સમયાંતરે વ્હીલ બેલેન્સિંગ-અલાઇનમેન્ટ કરવાનું ચાલુ રાખશો તો તેને 40 હજાર કિમી સુધી પણ વાપરી શકાશે. આ સિવાય, જો તમે લાંબા સમય સુધી ક્યાંક ઊભા હો તો પછી તેને આગળ-પાછળ ખસેડતા રહેવું. જેથી, ફ્લેટ સ્પોટ થવાની સંભાવના ન રહે.
8. ગિયર શિફ્ટિંગ પર ધ્યાન ન આપવું
ઘણા લોકો ફર્સ્ટ ગિયર પર ગાડી સ્ટાર્ટ કરીને ફાસ્ટ એક્સિલરેશન પર ચલાવે છે અને પછી તરત જ ગિયર બદલવાનું શરૂ કરી દે છે. વાહનના એન્જિન પર આની ખૂબ જ ખરાબ અસર પડે છે. એક્સપર્ટે જણાવ્યું કે, એન્જિનની સારી લાઇફ અને એવરેજ માટે સામાન્ય અને પરફેક્ટ ગિયર શિફ્ટિંગ થવું જોઈએ. ડીઝલ વાહનોમાં 2000rpmથી 2500rpm દરમિયાન શિફ્ટ ગિયર, જ્યારે પેટ્રોલ કારમાં 3500rpmથી 4000rpm વચ્ચે થવું જોઇએ. જો તમે આની ઉપરના rpmમાં ગિયર શિફ્ટ કરશો તો તેનાથી એન્જિનને તો નુકસાન થશે જ પણ સાથે ફ્યુલ પણ વધારે બળશે.
9. પૈસા બચાવવા કોઇપણ એન્જિન ઓઇલ નખાવી દેવું
ઘણા લોકો કાર પર ખર્ચ કરવા મામલે થોડા કંજુસ હોય છે. પૈસા બચાવવા માટે કોઈપણ એન્જિન તેલ નખાવી દે છે, જે બહુ ખોટું છે. ઓઇલની ક્વોલિટીની સીધી અસર એન્જિનની લાઇફ પર પડે છે. એન્જિનને શ્રેષ્ઠ રીતે કામ કરવા માટે જેની વિસ્કોસિટી સારી હોય એવા ઓઈલની જરૂર પડે છે. એક્સપર્ટે જણાવ્યું કે, જેની કાર એક વર્ષમાં 50થી 60 હજાર કિમી અથવા જો તેના કરતાં વધુ ચાલતી હોય તો પછી તે એન્જિનની લાંબી લાઇફ માટે ફુલ સિન્થેટિક ઓઇલ નખાવવું જોઈએ કારણ કે, કારનું રનિંગ અને ચાલવાના કલાકો બહુ વધારે હોય છે. જો રનિંગ ઓછું હોય તો ઓથોરાઇઝ્ડ સેન્ટરથી મિનરલ ઓઇલ નખાવી શકાય.
10. ગાડી સ્ટાર્ટ કરતાાં જ ફાસ્ટ સ્પીડ પર ભગાવવી
ઘણીવાર લોકો કાર શરૂ કરતાંની સાથે જ તેને ફાસ્ટ સ્પીડ પર ચલાવવાનું શરૂ કરી દે છે, જે એકદમ ખોટું છે, કારણ કે સ્ટાર્ટિંગના સમયે એન્જિન સંપૂર્ણપણે તૈયાર નથી હોતું. ખાસ કરીને શિયાળામાં ઓઇલ નીચે જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં ગાડીની લાંબી ઉંમર માટે સારું ઓઇલ સારી રીતે સંપૂર્ણ એન્જિનમાં સર્ક્યુલેટ થવું બહુ જરૂરી છે. તેથી, ગાડી સ્ટાર્ટ કરીને ઓછામાં ઓછી એક મિનિટ માટે તેને છોડી દો. જેથી ઓઇલ એન્જિનમાં યોગ્ય રીતે ફેલાય. આવું ન કરવાથી પિસ્ટન સહિત એન્જિનના અન્ય પાર્ટ્સ ડેમેજ થઈ શકે છે અને તેને રિપેર કરાવવામાં મોટો ખર્ચ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..