ટૂંકા રન-વેને કારણે PM મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ પરથી વિદેશની ફ્લાઇટ શરૂ ન થઈ શકી

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં સવાપાંચ વર્ષ પછી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટના લંબાઇ અને પહોંળામાં ટૂંકા રન-વેને કારણે અમેરિકા કે કેનેડા જતી 500 પેસેન્જરની ક્ષમતાવાળી મોટી ફ્લાઇટ લેન્ડ કે ટેકઓફ કરી શકે એમ નથી, જેથી વડોદરાવાસીઓ માટે આવી સીધી ફ્લાઇટનું ભાવિ અધ્ધરતાલ છે.

સાંસદ રંજનબેને કશું કહેવાનું ટાળ્યું
વડોદરામાં ક્યારથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઇ શકે એ અંગે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમણે આ બાબતે રૂબરૂમાં મળીને કે ફોન પર કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાંસદ રંજનબેન વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રયાસો કરી રહ્યાં છે તેમજ જ્યારે આ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન સવાપાંચ વર્ષ પહેલાં થયું ત્યારે પણ વડોદરાનાં સાંસદ તરીકે હાજર હતાં. વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક પરથી સાંસદપદ છોડતાં રંજનબેનને ભાજપની ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારથી તેઓ સતત બીજી ટર્મ માટે પણ વડોદરાનાં સાંસદ છે.

બિલ્ડિંગ તૈયાર પણ કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા નથી
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરામાં નવું આંતરરષ્ટ્રીય ટર્મિનલ તો તૈયાર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા માટે જરૂરી કસ્ટમ અને ઇમિગ્રેશનની સુવિધા અહીં હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જો કેન્દ્ર સરકાર મંજૂરી આપે તો આ સુવિધાઓ અહીં શરૂ થઇ શકે.

વડોદરાના દર વર્ષે 5 હજારથી વધુ લોકો વિદેશ જાય છે
વડોદરાના જાણીતા વિઝા કન્સલ્ટન્ટ સંદીપ જાનીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાંથી જ વિદ્યાર્થીઓ સહિત અંદાજે 5 હજાર જેટલા લોકો કેનેડા, અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા જાય છે, જેમાં સૌથી વધુ લોકો કેનેડા અને અમેરિકા જાય છે, જેથી જો વડોદરા એરપોર્ટથી કેનેડા અને અમેરિકાની ફ્લાઇટ શરૂ થાય તો અહીંના લોકોને મોટી રાહત મળે, સાથે જ ભરૂચના લોકો સૌથી વધુ લંડન જાય છે. તો વડોદરા નજીક આવેલા આણંદના પણ વિદેશમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. હાલ ભરૂચના લોકોને વિદેશ જવા માટે મુંબઇ કે દિલ્હી જવું પડે છે. જો વડોદરામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તો આણંદ, ભરૂચ અને સુરતના લોકોને પણ મોટી રાહત રહે.

રન-વે ટૂંકો, કેનેડા કે અમેરિકાની મોટી ફ્લાઇટ લેન્ડ ન થઇ શકે
વડોદરાના એરપોર્ટનો રન-વે હાલ 2466 મીટરનો છે, જેના પર 200 જેટલા મુસાફરોને લઇ જતી ફ્લાઇટ જ લેન્ડ કે ટેકઓફ થઇ શકે, પરંતુ કેનેડા કે અમેરિકા જેવા દેશોમાં જતી 300થી 500 પેસેન્જરની ફ્લાઇટ માટે હાલનો રન-વે લંબાઇ અને પહોંળાઇ એમ બંને રીતે ટૂંકો પડે છે. જોકે 200 પેસેન્જરની ક્ષમતાવાળી સીધી ફ્લાઇટ ભારતના પડોશી દેશો દુબઇ કે શ્રીલંકા માટે શરૂ થઇ શકે છે એમ એરપોર્ટ સૂત્રોએ ઉમેર્યું હતું. હાલ વડોદરા એરપોર્ટ પર 200 જેટલા પેસેન્જરની કેપેસિટીવાળાં વિમાન જ ઓપરેટ થાય છે. ઉલ્લેખનીય છે કે આંતરષ્ટ્રીય કક્ષાના વિમાનને લેન્ડ કરાવવા માટે અંદાજે 3300 મીટરના રન-વેની જરૂર પડે છે.

એક તરફ નેશનલ હાઇવે-બીજી તરફ શહેર
વડોદરા એરપોર્ટનો રન-વે લાંબો કરવા હોય તોપણ મોટી સમસ્યા સર્જાઇ શકે તેમ છે, કારણ કે એક તરફ નેશનલ હાઇવે-48 છે તો બીજી તરફ વડોદરા શહેરની સોસાયટીઓ છે, જેથી જો હવે રન-વે લંબાવવો હોય તો નેશનલ હાઇવે બીજી જમીન સંપાદન કરી અન્ય જગ્યાએ ડાઇવર્ટ કરવો પડે. બીજી તરફ શહેરી વિસ્તાર અને એરપોર્ટની દીવાલને અડીને જ ન્યૂ વીઆઇપી રોડ છે અને સોસાયટીઓ છે, તેથી આ રોડ બંધ કરીને કે સોસાયટીઓનાં મકાનો હટાવવા તો વધુ મુશ્કેલ છે. આમ, ટૂંકો રન-વે હવે હાઇવે અને રહેણાકની વચ્ચે અટવાયો છે. તો સાથે જ અહીં એરફોર્સનો બેઝ પણ છે, તેથી દેશની સુરક્ષાનો પણ સવાલ ઊભો થઈ રહ્યો છે.

વર્ષે 1 લાખથી વધુ મુસાફરોની અવરજવર
વડોદરા શહેરના નવા એરપોર્ટ બિલ્ડિંગમાં પિક-અવર્સ દરમિયાન 500 ડોમેસ્ટિક અને 200 ઇન્ટરનેશનલ પેસેન્જર્સનું હેન્ડલિંગ કરવામાં સક્ષમ છે. બીજી તરફ, અહીં નવું ATC ટાવર પણ બની રહ્યું છે, જેનો કન્સ્ટ્રક્શન ખર્ચ 33 કરોડ રૂપિયા જેટલો થશે, જેમાં નવી ટેક્નોલોજીવાળી સિસ્ટમ પણ લાગશે, જેનું કામ આગામી એક વર્ષમાં પૂર્ણ થશે. દર વર્ષે વડોદરા એરપોર્ટ પર 1.2 લાખ મુસાફરોની અવરજવર રહે છે.

હાલ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક સર્વિસ
વડોદરા એરપોર્ટ પર હાલ માત્ર ડોમેસ્ટિક હવાઇ સેવા જ ઉપલબ્ધ છે, જેમાં દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, બેંગલુરૂ અને જયપુરની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવે છે. જેમાં પણ રાત્રે સાડા દસ વાગ્યાથી સવારે સાડા છ વાગ્યા સુધી કોઇ પણ ફ્લાઇટ આવતી નથી.

નવું ટર્મિનલ બનાવવા 160 કરોડ ખર્ચાયા
વડોદરામાં વર્ષોથી હેરિટેઝ કક્ષાની ઇમારતમાં ટર્મિનલ કાર્યરત હતું. પરંતુ એરપોર્ટના વિકાસ માટે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ વિકસાવવા માટે તેની બાજુમાં જ એક નવું ટર્મિનલ બનાવવા સરકારે નિર્ણય લીધો હતો. જેથી આ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબર 2016ના રોજ નવા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. નવું ટર્મિનલ બનાવવા માટે 160 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ટર્મિનલની વિશેષતા એ છે કે, તે કોચિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ દેશનું બીજા નંબરનું ગ્રીન એરપોર્ટ છે.

નવી જગ્યાએ નવું એરપોર્ટ બનાવવું પડે
હવે જો રનવે લાંબો ન કરી શકાય તો શહેર નજીક બીજું નવું એરપોર્ટ બનાવવું પડે તેવો વિકલ્પ પસંદ કરવો પડે. પરંતુ આ વિકલ્પ પસંદ કરવો ખૂબ જ મોંઘો પડી શકે. કારણ કે હાલના એરપોર્ટ પર 160 કરોડના ખર્ચે નવું ટર્મિનલ બનાવ્યું છે. હવે બીજી જગ્યાએ જમીન લેવી પડે અને બધું નવેસરથી કરવું પડે. જેનો ખર્ચ અબજોમાં આવે.

વડોદરાવાસીઓને વિદેશ માટે અમદાવાદ કે દિલ્હી-મુંબઇ જ વિકલ્પ
વડોદરાના લોકોને જો વિદેશ જવું હોય તો અમદાવાદ અથવા તો દિલ્હી કે મુંબઇ જવું પડે છે. જેથી કાર ભાડે કરીને જવું પડે અથવા વડોદરાની દિલ્હી કે મુંબઇ વિમાનમાં જાય તો તેમને ડોમેસ્ટિક એરપોર્ટથી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સામાન જઇને જવું પડે છે. તેમાં પણ જો કોઇ સિનિયર સિટિઝન કે નાના બાળકો સાથે કોઇ મહિલા વિદેશની જાય તો તેને સામાનની ફેરવણીમાં વધુ તકલીફોનો સામનો કરવો પડે છે. તેવી જ રીતે વિદેશથી પરત ફરતા વડોદરાવાસીઓને કાં તો મુંબઇ, દિલ્હી કે અમદાવાદ ઉતરવું પડે અને ફરી સામાન ફેરવવાની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કોલસાની રાખમાંથી બનેલી ઇંટો વપરાઇ
વડાપ્રધાન મોદીએ તે સમયે ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, વીજળી ઉત્પન્ન કરવાના કોલસાની રાખમાંથી બનેલી ઇંટોનો ઉપયોગ વડોદરાના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલને બનાવવા માટે કરવામાં આવ્યો છે. એક અંદાજ અનુસાર આગામી પાંચ વર્ષમાં અમેરિકાની જનસંખ્યા જેટલા લોકો દર વર્ષે ભારતના એરપોર્ટ્સ પર હશે.

રૂપાણી અને નીતિન પટેલ પણ ઉદઘાટનમાં આવ્યા હતા
વડાપ્રધાન મોદીની સાથે આ ટર્મિનલના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આવ્યા હતા. એ સમયે પણ વડોદરાના સાંસદપદે રંજનબેન ભટ્ટ હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો