યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આાગામી સમયને ધ્યાનમાં રાખી બાયોલોજિકલ વૉર અને કોરોના જેવી મહામારીમાં ભારતીય સેનાના જવાનો માટે વડોદરાની કંપનીએ વિશેષ સૂટ તૈયાર કર્યો છે. ‘ઇવેક્યુએશન બેગ’ તરીકે ઓળખાતા આ સૂટ અગાઉ રૂ. એક લાખના ભાવે વિદેશથી મંગાવાતા હતા, પરંતુ આ સ્વદેશી સૂટની કિંમત ફક્ત રૂ. 25 હજાર છે. અત્યાર સુધી ભારતીય સેનાને આવા 500 સૂટ સપ્લાય કરાયા છે.
વડોદરાના છાણી અને રણોલી ખાતે કાર્યરત સ્યોર સેફ્ટી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 2020માં મહામારી વખતે આ ઈવેક્યુએશન બેગ ડિઝાઈન કરાઈ હતી. સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝમાં તૈયાર થયેલી આ બેગ કોરોના સંક્રમિત ભારતીય જવાનોને સિયાચેન ગ્લેશિયર અને જેસલમેર જેવા રેતાળ પ્રદેશમાંથી એરલિફ્ટ કરવા પણ કારગર સાબિત થઈ હતી. ઈવેક્યુએશન બેગની ખાસિયત છે કે, આગામી સમયમાં બાયોલોજિકલ વૉરમાં પણ તેનો ઉપયોગ થઈ શકે એમ છે. અહીં ડીઆરડીઓની મદદથી ટેન્ટ તેમજ ડૉક્ટરો માટેના સૂટ પણ તૈયાર કરાયા છે, જે કોરોના મહામારીમાં ખૂબ ઉપયોગી સાબિત થયા છે.
કંપનીના સંચાલક નિશિત દાંડના જણાવ્યા પ્રમાણે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની મંજૂરી બાદ અમે ઈવેક્યુએશન બેગનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આ સૂટ ખાસ કાપડ અને રબરમાંથી તૈયાર કરાયો છે. તેના કારણે દર્દીનો ચેપ બીજાને નથી લાગતો. ડૉક્ટરો પણ તેનો ઉપયોગ કરીને સુરક્ષિત રહી શકે છે. હાલ આ કંપની માત્ર સુરક્ષા સંબંધિત ચીજવસ્તુઓનું જ ઉત્પાદન કરે છે. જોકે, અહીં ઉત્પાદિત ચીજો ડિફેન્સ સિવાય અન્ય કોઈને વેચાતી નથી, પરંતુ ડીઆરડીઓ મંજૂરી આપે તો તે વિદેશમાં નિકાસ કરી શકાય છે. જો ઈવેક્યુએશન સૂટ પણ નિકાસ કરવાની મંજૂરી મળશે, તો કંપનીને અને સરકારને પણ આવક થશે. ૉ
ડિફેન્સના તબીબો માટે પંખાવાળો સૂટ તૈયાર કર્યો,
કોરોના જેવી મહામારી અથવા જૈવિક હથિયારોના હુમલાને ધ્યાનમાં રાખી ડૉક્ટરો માટે સામાન્ય પીપીઇ કિટ કરતાં વધુ આધુનિક સૂટ તૈયાર કરાયો છે. બે કિલો વજનનો આ સૂટ 4 કલાક પહેરી શકાય છે, જેમાં પંખાની સુવિધા હોવાથી ડૉક્ટરોને ગરમી લાગતી નથી. જોકે, સૂટમાં 10 કલાક બાદ 4 બેટરી બદલવી પડે છે. કંપનીએ ડીઆરડીઓની મદદ વિના આ સૂટ તૈયાર કર્યો છે. સ્પેસસૂટ જેવા આ સૂટમાં હવાના પ્રેશરના કારણે અંદર ઇન્ફેક્શન જતું નથી તેમજ તે બહારની સ્વચ્છ હવા શુદ્ધ કરી અંદર મોકલે છે.
સ્પેસ સૂટ ટેસ્ટિંગ થઇ રહ્યું છે, જે ચંદ્રયાન મિશનમાં વપરાશે
આ કંપનીએ ઈસરો માટે સ્પેશિયલ સૂટ ડિઝાઈન કર્યો છે, જેનું ટેસ્ટિંગ હાલ ચાલુ છે. ઇસરો આગામી સમયમાં ચંદ્રયાન માટે રશિયન કેપ્સ્યુલને બદલે ભારતીય કેપ્સ્યુલનો ઉપયોગ કરે તો આ સૂટનો ઉપયોગ થઇ શકે છે. આ સૂટની કિંમત આશરે રૂ. 1.25 કરોડ છે.
ડિફેન્સ માટે 15 મિનિટમાં 10 બેડની પોર્ટેબલ હોસ્પિટલ વિકસાવી
આ કંપનીએ ડિફેન્સ માટે ડીઆરડીઓની મદદથી પહેલી સ્વદેશી સ્પેશિયલ પોર્ટેબલ હોસ્પિટલ પણ વિકસાવી છે. યુદ્ધના સમયે 15 મિનિટમાં આ 10 બેડની હોસ્પિટલ ઊભી કરી શકાય છે. આ હોસ્પિટલ એક એરપ્રેશર ટેન્ટ છે, જેમાં ટોઇલેટ, કપડાં બદલવાનો રૂમ વગેરે સુવિધા હોય છે. અગાઉ અમેરિકા કે યુરોપથી રૂ. એક કરોડ ખર્ચીને આવા ટેન્ટ મંગાવાતા હતા જે દેશમાં ફક્ત રૂ. 20 લાખમાં તૈયાર થઈ જાય છે. કુદરતી હોનારત અને બાયોલોજિકલ વૉરમાં આ પોર્ટેબલ હોસ્પિટલ ઉપયોગી સાબિત થાય છે. તેમાં ફક્ત 100 સ્ક્વેર મીટર જગ્યામાં હવાના પ્રેશરથી એક ટેન્ટ બને છે, જેમાં કોઈ પણ ઇન્ફેક્શન પ્રવેશી શકતું નથી. કંપનીએ એનડીઆરએફને આવા બે યુનિટ આપ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..