ગુજરાત તરફ આગળ વધેલા વાવાઝોડાએ માર્ગ બદલ્યો અને કિનારાને સમાંતર દરિયામાં આગળ વધી રહ્યું છે. જોકે નજીકથી પસાર થવાને કારણે કિનારા પર લગભગ 60 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા અને દરિયામાં મોટાં મોટાં મોઝાં ઉછળ્યાં હતાં. પવન અને દરિયાના મોજાંના કારણે પોરબંદર અને વેરાવળમાં કિનારા પાસે નુકસાન વેરાયું હતું, જ્યારે કિનારાથી અંદરના વિસ્તારોમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયાં હતાં. જોકે તંત્ર પહેલાંથી જ તૈયાર હોવાથી તાત્કાલિક રસ્તા ખુલ્લા કરાયા હતા અને વીજ પુરવઠો રાબેતા મુજબ કરાયો હતો. કિનારે લાંગરેલી બોટને નુકસાન થવાની ચિંતામાં માછીમારો આખો દિવસ બંદર પર જ રહ્યા હતા.
વેરાવળ બંદર: મેરિટાઈમ બોર્ડની આ જગ્યામાં 4200 જેટલી મોટી અને અસંખ્ય નાની બોટ લાંગરી દેવાઈ હતી. ભારે પવન અને દરિયાના મોજાંથી આ બોટોને બચાવવા માટે એકબીજાની સાથે કસોકસ બાંધી દેવામાં આવી હતી. જોકે કેટલીક જગ્યાએ કિનારો ધોવાઈ જતાં ત્યાં મૂકી રાખેલી બોટોનું રેસક્યૂ કરાયું હતું. મોટી ક્રેન દ્વારા આવી બોટોને ઊંચકીને સલામત સ્થળે લઈ જવામાં આવી હતી. લગભગ 50 લાખની કિંમતની આ બોટો બચાવવા માટે માછીમારો આખો દિવસ મથામણ કરતા રહ્યા હતા. માછીમારોનું કહેવું છે કે વાવાઝોડાના કારણે તેઓને 15થી 20 કરોડનું નુકસાન થયું છે.
પોરબંદર: નીલકંઠ મહાદેવના મંદિરની દીવાલ ધસી
ભારે પવનના કારણે દરિયામાં મોટા મોજાં ઊછળ્યાં હતાં જેના કારણે પોરબંદરના દરિયાકિનારે ભૂતેશ્વર મહાદેવ અને કાલભૈરવના મંદિરની દિવાલ તૂટતાં મંદિરને નુકસાન થયું હતું. આ ઉપરાંંત પોરબંદર ચોપાટી પર પણ દરિયાના પાણી ફરી વળ્યાં હતાં. મોજાંની સાથે મોટા મોટા પથ્થર પણ ઊડીને રસ્તા પર આવી ગયા હતા.
માંગરોળ: કેશોદ-માંગરોળ રોડ પર વૃક્ષ ધરાશાયી, જેસીબી દ્વારા રસ્તાે ખુલ્લો કરાયો
જૂનાગઢ જિલ્લાનાં કેશોદ-માંગરોળ રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના પગલે રસ્તો સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. તંત્ર દ્વારા જેસીબીની મદદથી તાત્કાલીક વૃક્ષ દુર કરવામાં આવ્યું હતું. બાદ માર્ગ રાબેતા મુજબ શરૂ થયો હતો. માંગરોળ અને માળિયા તાલુકાનાં અનેક વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાઇ હતી. જોકે, ખાસ કરીને માંગરોળ, માળિયાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પરિણામે ઠેર-ઠેર રસ્તાઓ બંધ થઇ ગયા હતા.
દીવ: દીવમાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં, અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા
વાયુ વાવાઝોડાને કેન્દ્ર શાસિત દીવમાં પણ ભારે અસર થઇ હતી. દીવનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. દીવનાં દરિયા કિનારે 20 ફૂટથી વધુ ઉંચા મોજા ઉછળ્યા હતા.
નવસારી: માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસી ગયા
નવસારી જિલ્લાના બોરસી માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. લગભગ 20 ફૂટ ઊંચા મોજાં ઊછળતાં સંરક્ષણ દીવાલને પાર કરી ગયા હતા. ઘરમાં દરિયાના પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
શિયાળબેટ: ટાપુ પરથી પ્રસૂતાનું રેસક્યૂ
જાફરાબાદ નજીક દરિયા વચ્ચે બેટ પર આવેલા શિયાળબેટ ગામની હંસાબેન બાલધિયા નામની મહિલાને પ્રસૂતા પીડા ઊપડતા વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન પોલીસ અને એનડીઆરએફની ટીમની મદદથી મહિલાને બોટ મારફત કિનારે લાવવામાં આવી હતી જ્યાં પહેલાંથી જ તૈયાર 108 એમ્બુલન્સમાં હોસ્પિટલ લઈ જવાઈ હતી.
પોરબંદર: G-SWAN ટાવર તૂટતાં કનેક્ટિવિટી ખોરવાઈ
60થી 65 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે જૂની એસ.પી. કચેરીની છત પર લાગેલા જી-સ્વાન ટાવર તૂટી પડતા કનેક્ટિવિટી ખોરવાઈ હતી.
સોમનાથ: ચોપાટી પરના 300થી વધુ સ્ટોલ ધરાશાયી
દરિયાકિનારે ખાણીપીણીના 300થી 500 સ્ટોલ હતા જેમાંથી નીચાણ પર રહેલા તમામ સ્ટોલ દરિયામાં તણાઈ ગયા જ્યારે ઉપરના ભાગના બધા સ્ટોલ તૂટી ગયા હતા.
ગાંધીનગર: રાજ્યમાં અનેક વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ
વાવાઝોડાના પગલે વાતાવરણમાં પલટો આવ્યા બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહી હતી. વાદળછાયા વાતાવરણની વચ્ચે લગભગ તમામ વિસ્તારોમાં ઝાપટાંથી લઈને એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે આખો દિવસ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં પણ સાંજે જોરદાર ઝાપટું પડી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને જલાલપોરમાં લગભગ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે તાપી જિલ્લાના ડોલવણ અને ઉચ્છલમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
અમદાવાદ: કિનારાથી 50 કિમી સુધી એસટી બસો બંધ રહી
વાયુ વાવાઝોડાને પગલે ગુજરાત એસટી નિગમ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં બસ સેવા સ્થગિત કરી દીધી છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં ઘોઘાથી નારાયણ સરોવર સુધીના કોસ્ટલ લાઈનથી 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં બસોનું સંચાલન સંપૂર્ણ ઠપ રહ્યું હતું. અન્ય વિસ્તારોમાં બસોનું સંચાલન રાબેતા મુજબ રહ્યું હતું. આકસ્મિક સમયમાં બસોનું સંચાલન સરળતાથી થઈ શકે તે માટે તમામ ડેપો ખાતે ડીઝલનો પુરતો સ્ટોક રાખવામાં આવ્યો છે. શુક્રવારે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરિયાકાંઠાના વિસ્તારોમાં બસોનું સંચાલન શરૂ કરવું કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.
ભાવનગર: વાવાઝોડું છતાં GMBએ શિપને દરિયામાં ધકેલી!
વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારો અને બંદરો પર સરકાર દ્વારા સાવચેતીના પગલા લેવાયા હતા, અને બીજી તરફ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા 32 ભારતીય ક્રૂ મેમ્બરો સાથે દરિયામાં પરાણે ધકેલી દેતા વિવાદે જન્મ લીધો છે. મુંબઇની મર્કેટર લિમિટેડનું ડ્રેજર શિપ ઓમકારા પ્રેમમાં લાઇફ સેવિંગ સીસ્ટમ નિયમ પ્રમાણે નહીં હોવાથી, સીગ્નલિંગ લેમ્પ, મશિનરીઓ દરિયાઇ મુસાફરીને લાયક નહીં હોવાથી મર્કન્ટાઇલ મરિન ડિપાર્ટમેન્ટ જામનગર દ્વારા આ જહાજને ડીટેન કરી પોરબંદર રખાયું હતુ. મહત્ત્વની વાત તો એ છે કે આ જહાજમાં લાઈફ સેવિંગના પુરતી સુવિધાઓ ન હતી.