આ ગરમી તો જુઓ! પંખો તો અડતો જ નથી! ઉનાળો ચાલુ થાય એટલે આ વાત બધાના મોઢે સાંભળવા મળે. ગુજરાતમાં 40-45 ડીગ્રી તાપમાન હવે તો સામાન્ય થઈ ગયું છે. આવામાં પંખાના બદલે ઘેર ઘેર એસી ચાલતા થઈ ગયા છે. જો આવામાં કોઈ તમને એવા ઘર વિષે કહે કે જ્યાં આવા બળબળતા ઉનાળામાં પણ પંખાની જરૂર નથી પડતી તો તમને કેટલી નવાઈ લાગે? આ મજાક નથી, કેરળમાં એક પર્યાવરણ કપલે એવું ઈકોફ્રેન્ડલી ઘર ઊભું કર્યું છે જેમાં બહાર 40 ડીગ્રી ગરમી હોય તો પણ પંખો કરવાની જરૂર નથી પડતી, એસી તો દૂરની વાત છે. આટલું જ નહિ, તેમની જીવનશૈલી એવી છે કે છેલ્લા 17 વર્ષમાં તેમને દવા સુદ્ધાં લેવાની જરૂર નથી પડી.
હરિ અને આશાનું ઘર નનાઉઃ
હરિ અને આશાને પર્યાવરણ પ્રેમ જ એકબીજાની નજીક લઈ આવ્યો હતો. તેમના લગ્નમાં મહેમાનોને પકવાનો નહિ, ફ્રૂટ્સ અને કેરળની મીઠાઈ પાયાસમ જમાડવામાં આવ્યા હતા. હરિ કન્નુરની સ્થાનિક જળ સંસ્થા સાથે જોડાયેલા છે જ્યારે આશા ખેડૂતોને જૈવિક ખેતી કરતા શીખવાડે છે. બંને પર્યાવરણપ્રેમી છે અને તેમની રોજીંદી જીવનચર્યામાં આ વાત ડોકાય છે. તેમણે જ્યારે ઘર બનાવવાનો નિર્ણય કર્યો તો તેમણે એવું ઈકોફ્રેન્ડલી ઘર બનાવવાનું વિચાર્યું જેમાં ઉર્જાનો ખૂબ જ માપમાં ઉપયોગ થતો હોય.
આ રીતે બનાવ્યું ઘરઃ
કેરળના કન્નુરમાં તેમનું ઘર 960 સ્ક્વેર ફીટમાં વસેલુ છે. તેની દિવાલો માટીની બનેલી છે. તેમણે આ ઘર બનાવવાની પ્રેરણા કેરળના આદિવાસીઓ પાસેથી લીધી હતી. હરિ અને આશા માને છે કે પંખીઓ જેમ માળો બાંધે, તેમ આપણે ઘર બાંધવું જોઈએ. આપણે જે સિમેન્ટના ઘરમાં રહીએ છીએ તે પર્યાવરણની વિરુદ્ધ અને આપણી માટે પણ હાનિકારક છે. તેમની માટીની દિવાલો સવારે હળવે હળવે સૂર્યના તાપથી ગરમ થાય છે. સાંજ પડે તો પણ ઘર તપતુ નથી, માત્ર હૂંફાળુ થાય છે. રાત્રે 11 સુધી દિવાલો હૂંફાળી રહે છે. ઘરમાં હવાની અવરજવર એ રીતે થાય છે કે બહાર ગમે તેટલી ગરમી હોય, ઘરમાં પંખાની જરૂર જ નથી પડતી. ઘરનું છાપરુ ટાઈલ્સ અને કોન્ક્રિટના મિશ્રણથી બનાવાયુ છે જેથી વરસાદમાં ઘરને રક્ષણ મળે.
વીજળીનો લઘુત્તમ વપરાશઃ
તમને જાણીને નવાઈ લાગશે પણ હરિ અને આશાનો આખા મહિનાનો વીજળીનો વપરાશ 4 યુનિટ જેટલો છે. શહેરમાં તો એક જ દિવસમાં ઘરમાં 4 યુનિટ કરતા વધુ વીજળી વપરાઈ જાય છે. ઘરમાં લાઈટ માટે પોઈન્ટ્સ પણ ઘણા ઓછા છે. ઘર એવી રીતે બનાવાયું છે કે તેમાં વધુને વધુ કુદરતી પ્રકાશ આવી શકે અને એક જ લાઈટ કરવાથી વધુ વિસ્તાર પ્રકાશિત કરી શકાય.
અનોખુ કુદરતી ફ્રીઝઃ
આ ઘરમાં કોઈ ફ્રીઝ નથી. તે મોટા ભાગે પોતાની જમીન પર ઉગાડેલું જ ખાય છે. પરંતુ તેમના ઘરે ફ્રીઝ જેવો જ એક સ્ટોરેજ એરિયા છે જેમાં અઠવાડિયા સુધી કોઈ ચીજ બગડતી નથી. તેમણે રસોડામાં એક ખાડો ખોદ્યો છે અને તેમાં આજુ બાજુ ઈંટની નાની પાળી બનાવી છે. તેની અંદર તેમણે માટલાનો ઘડો મૂક્યો છે અને તેને રેતીથી કવર કર્યો છે. તેમણે ક્યારે કંઈ સ્ટોર કરવું હોય તો આ રેતી પર પાણી નાંખી દે છે. આથી માટલુ ઠંડુ લે છે અને અંદર મૂકેલી વસ્તુઓ અઠવાડિયા સુધી કોઈ ચીજો બગડતી નથી. તેમણે રસોડામાં કોઈ ગેસ પાઈપલાઈન લીધી નથી. તેમના ઘરમાં શૌચ સહિત જે કચરો ઉત્પન્ન થાય તેને તે બાયોગેસમાં પરિવર્તિત કરી નાંખે છે. આ જ ગેસથી તેમની રસોઈ બને છે. બાકીના કચરાનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે.
બધા જ આધુનિક ઉપકરણો છેઃ
ઈકો ફ્રેન્ડલી હોમનો એ અર્થ નહિ કે કોઈ આધુનિક ઉપકરણો નથી વાપરતા. તેમના ઘરે ટીવી, મિક્સર, કોમ્પ્યુટર-લેપટોપ અને આધુનિક ઘર જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તે આ ઉપકરણો સોલાર એનર્જીથી ચલાવે છે. તેમનું ઘર માત્ર તેમનું જ નહિ, અનેક પ્રાણી-પક્ષીઓનું પણ ઘરે છે. તેમની જમીન પર ફળ, શાકભાજી પણ ઊગે છે.
17 વર્ષથી માંદા નથી પડ્યાઃ
કુદરતના સાંનિધ્યમાં જીવવાની તેમના સ્વાસ્થ્ય પર પણ ઘણી સારી અસર પડી છે. છેલ્લા 17 વર્ષથી તેમને દવા લેવાની જરૂર નથી પડી. તે સારુ, સાત્વિક ભોજન લે છે, શરીર સાથે ખોટા ચેડા નથી કરતા જેને કારણે રોગ તેમનાથી દૂર જ ભાગે છે. સામાન્ય શરદી કે તાવમાં તે આરામ કરે છે, લિક્વિડ વધુ લે છે અને તેમનું શરીર રિકવર થઈ જાય છે. આજે શહેરોના હાઈરાઈઝ બિલ્ડિંગ્સમાં કરોડોના ફ્લેટમાં રહેતા લોકો કરતા વધુ સુખી, શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવે છે કેરળના હરિ અને આશા..