માતા વેચતી હતી દારૂ, બધા કહેતા કે છોકરો પણ દારૂ જ વેચશે, પરંતુ મા કહેતી કે કલેક્ટર બનશે અને આજે ખરેખર જ દીકરો કલેકટર બની ગયો

હું ગર્ભમાં જ હતો ત્યારે પિતાજીનું અવસાન થયું હતું. પિતાજીનો ફોટો પણ જોઈ ન શકયો. ફોટા માટે પણ પૈસા હતાં નહીં. એક સમયે ખાવાનાં વાંધા હતાં. મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં આદિવાસી ભીલ સમાજમાં મારો જન્મ. ચારેકોર અજ્ઞાન, અંધશ્રદ્ધા, ગરીબી, વ્યસન, બેરોજગારી. મારી માતા મજૂરી કરવા જતી ત્યારે 10 રૂપિયા મળતા. મારી માનું નામ કમલાબેન છે. મારી માએ પારંપરિક વ્યવસાય દારૂનું કામ શરૂ કર્યું. હું 2-3 વર્ષનો હતો ત્યારે ભૂખ લાગે તો રડતો. મારા રડવાના અવાજને કારણે દારૂ પીતા લોકોની મજા બગડતી. અમુક ગ્રાહકો અવાજ બંધ કરવા મારા મોંઢામાં દારૂના ટીપાં નાખતા જતા. દાદી દૂધના બદલે એક -બે ચમચી દારૂ આપી દેતી. નશાના કારણે હું ભૂખ્યો સૂઈ જતો. ધીરે ધીરે દારૂની ટેવ પડી ગઈ હતી. જો ખાંસી આવે તો દવાના બદલે દારૂ મળે.

આજે હું વ્યસનથી દૂર છું. ડોક્ટર બન્યો એટલે દારૂની લતના પરિણામો સમજાવી ઘણાની આદત છોડાવી. નંદુરબાર જિલ્લો મહારાષ્ટ્રનો આદિવાસી જિલ્લો ગણાય છે. જિલ્લાના ઇતિહાસમાં આદિવાસી ભીલ સમાજમાં પહેલો આદિવાસી કલેક્ટર બન્યો હતો. છ મહિનામાં નંદુરબાર જિલ્લાને મહારાષ્ટ્રના ટોપ 5 જિલ્લામાં લાવી દીધો છે. આદિવાસી સમાજનો વિકાસ કરવાનો સંકલ્પ છે. ચોથા ધોરણમાં હતો ત્યારે ઘરનાં ઓટલા પર બેસી અભ્યાસ કરતો. અમારા ઘરે દારૂ પીવા આવતા લોકો કામ સોંપ્યા કરતા.

ધોરણ 10માં 95 % આવ્યા. 12માં 90 % મળ્યા. 2006માં મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી એમાં મને 200માંથી 194 માર્ક મળ્યા. પરીક્ષામાં મને કેટલા માર્ક આવતા તે ગામમાં કોઈને ખબર નહોતી. પાસ થયો એજ પરિવાર માટે ખાસ હતું. ઓપન મેરિટમાં મુંબઈ શેઠ જી.એસ. મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યા બાદ સતત સારા માર્ક આવ્યા. 2011માં મેડિકલ કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટનો એવાર્ડ મળ્યો. એજ વર્ષે યુપીએસસીનું ફાર્મ ભર્યું. 6 મહિના સુધી મેડિકલ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી. 2012માં યુપીએસસી પાસ કરી આઈ.એ.એસ. થઇ ગયો. ઇન્ટરવ્યૂ 45 મિનિટ ચાલ્યો. હું પાસ થઈ ગયો હતો. મને ખુશી થઈ કે મારી માના સંકલ્પને મેં પૂરો કર્યો. મારી માતાને ખબર પણ નહોતી પડીને ગામના લોકો, અધિકારી, નેતાઓ શુભેચ્છા માટે ઘરે આવવા લાગ્યા ત્યારે મારી માને ખબર પડી કે તારો રાજુ કલેક્ટરની પરીક્ષા પાસ થઈ ગયો છે. તે સાંભળી બસ રડી પડી. મહારાષ્ટ્ર કેડરમાં પહેલું પોસ્ટિંગ નાંદેડ જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર અને ટ્રાઈબેલ ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર તરીકે મળ્યું. શૌચાલય, ઘરકુલ યોજના, શિક્ષણ ક્ષેત્રમાં મારી કામગીરીની નોંધ લેવાઇ.

માતાએ સંકલ્પ કર્યો કે છોકરાને ડોક્ટર, કલેક્ટર બનાવીશ

એક ગ્રાહકે કહ્યું કે ભણ્યા શું કરે છે? કંઇક કામધંધો કર. ભણીને ડોક્ટર, કલેક્ટર બનવું છે? માતાને કહે કે તારો છોકરો તારી જેમ દારૂ જ વેચશે. ભીલનો છોકરો ભીલ જ રહેશે. ત્યારે માતાએ સંકલ્પ કર્યો કે છોકરાને ડોક્ટર, કલેક્ટર બનાવીશ.’’

શેરડીનાં પાનથી બનેલી નાની ઝૂંપડીમાં પરિવારના 10 સભ્યો રહેતાં હતાં. પરિવારના લોકો મારી માને કહેતા કે ગર્ભપાત કરી નાંખ. એક છોકરો અને એક છોકરી છે. ત્રીજા સંતાનની જરૂરત કેમ ? શું ખવડાવીશ?’’

જન્મ તારીખ પણ ખબર ન્હોતી

મારો જન્મ ક્યારે થયો એ વિશે કોઈને માહિતી નહોતી. માતાએ અનુમાન લગાવી કહ્યું કે ઉત્તરાયણના સાત દિવસ પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે મારી જન્મદિવસની નોંધ 7 જાન્યુઆરી 1988 તરીકે થઈ.’’

ઈન્ટરવ્યૂ માટે દિલ્હી જવા માતા પાસે ચાર હજાર રૂપિયા માંગ્યા હતાં

8 એપ્રિલ 2012ના રોજ મેં મારી માતાને ફોન કરીને યુપીએસસી માટે દિલ્હી જવું છે, ચાર હજાર રૂપિયા આપો ત્યારે તેમણે કહ્યું કે, મુંબઈ નજીક છે. ત્યાં ઈન્ટરવ્યૂ આપી દે. તેને ખબર નહોતી કે શેની માટે છે? તે કહે કે તુ નવા-નવા ધંધા લાવે છે.’’

ડૉ. રાજેન્દ્ર ભારૂડ, કલેક્ટર, નંદુરબાર (મહારાષ્ટ્ર)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો