‘ધરતી રત્ન’ આ ડોક્ટરે કરાવી છે 25 હજાર નોર્મલ ડિલિવરી, બચાવ્યા અનેક સગર્ભાઓના જીવ

આદિવાસી વિસ્તારોમાં 36 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપનારા 66 વર્ષીય ડો.જયંતીભાઈ પટેલે ભૂત-ભૂવા,તાંત્રિક અને અજ્ઞાનતાથી પીડિત સેંકડો સગર્ભા બહેનોના જીવ બચાવીને માનવ સેવા કરી રહ્યા છે. આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં જ્યાં 8 ટકા હોસ્પિટલ ડિલિવરીનો રેશિયો હતો તેને પાંચ વર્ષમાં 90 ટકા સુધી પહોંચાડતાં સરકારે પણ ડો.જયંતીભાઈ પટેલને ‘ધરતી રત્ન’ તરીકે નવાજ્યા છે. ઉલ્લેખનીય છે કે,ડો. જયંતીભાઈએ પોતાની 36 વર્ષની કેરિયરમાં આદિવાસી વિસ્તારોમાં 25 હજારથી વધુ નોર્મલ ડિલિવરી કરાવી છે.

ડો.જયંતીભાઈ પટેલે જણાવ્યું કે, મહેસાણાનું લાડોલ ગામ મારું મૂળ વતન છે. નાનપણમાં ગામની સરકારી હોસ્પિટલમાં દૂર-દૂરનાં ગામડાંઓમાંથી દર્દીઓ ચાલતાં આવે, ડોક્ટર તેમને મફતની સારવાર આપવાની જગ્યાએ રૂપિયા માંગે. ગરીબો પાસે ભોજન ખરીદવાના રૂપિયા ન હોય ત્યાં દવાના તો ક્યાંથી હોય? આ લોકોને હું પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દવાઓ કરાવી મદદ કરી દેતો.

નાનપણથી આ ભાવના અને મારાં માતાની મહેનતના કારણે હું 1982માં એમ.ડી બન્યો. આ પહેલાં જનરલ પ્રેક્ટિસ કરવા 1976માં હું કાયાવરોહણ ગયો, જ્યાંના સરપંચ રમણભાઈ શેઠે પોતાના ગામમાં દાક્તરી પ્રેક્ટિસ શરૂ કરવાની સગવડ કરી આપી. પહેલાં સર્જન બનવું હતું પરંતુ ગામમાં જોયું કે ગર્ભવતી મહિલાઓની હાલત ખૂબ ખરાબ હતી. જેથી આખરે ગાયનેકોલોજિસ્ટ બનવાનું નક્કી કર્યું. એમ ડી (ગાયનેકોલોજિસ્ટ) બન્યા બાદ હું બોરસદની મિશન હોસ્પિટલ, ગોરજ મુનિ સેવા આશ્રમ, જબુગામના દીપક ફાઉન્ડેશન, ડભોઈની દશાલાડ હોસ્પિટલ, સંખેડાની મહાપ્રભુજી વામન ટ્રસ્ટ હોસ્પિટલમાં સેવા આપી.

ડેડિયાપાડામાં 2009થી 20014 આમ 5 વર્ષમાં 15000 નોર્મલ ડિલિવરી કરાવી રેકોર્ડ સર્જ્યો, સરકારે ‘ધરતી રત્ન’ તરીકે નવાજ્યા

નોર્મલ ડિલિવરીમાં 1લી સુવાવડમાં 16 થી 18 કલાક અને બીજી સુવાવડમાં 6 થી 8 કલાક બાળકનું મોનિટર કરવું પડે છે. આજે શહેરમાં નવા ડોક્ટરો આટલી મહેનત કરતા નથી. જેથી શહેરમાં 90 ટકા સિઝેરિયન ઓપરેશન થકી બાળકો જન્મે છે. જોકે સંપૂર્ણ વાંક ડોક્ટરોનો પણ નથી. ગર્ભવતી મહિલાઓ પણ પેઇન સહન કરવા માંગતી નથી, તેમની ધીરજ ખૂટી ગઈ છે. એક વખત સિઝેરિયન કર્યું તો બીજી વખત સિઝેરિયન જ કરવું પડે છે. ટેક્નોલોજીના કારણે કોઈ રિસ્ક નથી રહ્યું. નોર્મલ ડિલિવરીમાં ટાંકા નથી આવતા, એટલું છે.

આદિવાસી વિસ્તારમાં દાયણોએ વિરોધ કર્યો: ડોક્ટરે સરકારી સહાય અપાવી હોસ્પિટલ ડિલિવરી કરાવી

ડો.જયંતીભાઈ પટેલે જણાવ્યું કે, મારે તો સેવા જ કરવી હતી. થેલો ઉપાડીને ડેડિયાપાડા,નેત્રંગ,સાતબારા,સેલંબા સહિતના આદિવાસી વિસ્તારોમાં ગર્ભવતી મહિલાઓની સારવાર કરતો રહ્યો. આ દરમિયાન ડેડિયાપાડામાં જોયું કે હોસ્પિટલમાં ડિલિવરીની ટકાવારી 8 ટકાથી પણ ઓછી હતી. આદિવાસી મહિલાઓ દાયણો થકી ઘરે જ ડિલિવરી કરાવતી. મેં પ્રયત્નો ચાલુ કર્યા તો દાયણોએ વિરોધ કર્યો. સરકાર થકી દાયણોને રૂપિયા અપાવવાનું ચાલુ કરાવ્યું. આખરે ડેડિયાપાડામાં રોજની 10 અને મહિનાની 300 મળી 2009થી 20014 આમ 5 વર્ષમાં 15000 નોર્મલ ડિલિવરી કરાવી રેકોર્ડ સર્જ્યો, જેના માટે સરકારે મને 2017માં ધરતી રત્ન એવોર્ડ આપ્યો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો