ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાથી પંજાબ ઘણા લાંબા સમયથી લડી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાંના સેક્સ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. તેમાં ડોક્ટર હરશિંદર કૌર જેવી મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ છેલ્લા 25 વર્ષથી મહિલા શક્તિકરણ અને ભ્રૂણ હત્યા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે. તેમના કામના દેશ અને વિદેશમાં વખાણ થયા છે અને ઘણા એવોર્ડ પણ મળ્યા છે, પરંતુ આ કામ જેટલું લાગે એટલું સરળ નથી.
અહીંથી થઈ શરૂઆત
ડો. હરશિંદર કૌર અને તેમના પતિ એક દિવસ પંજાબ અને હરિયાણાની બોર્ડર પર આવેલા એક ગામમાં જઈ રહ્યા હતા. તેમના પતિ ગુરપાલ સિંહ પણ એક ડોક્ટર છે અને બન્નેએ દૂરના ગામડાઓમાં જઈને લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો. એટલા માટે તેઓ ઘણીવાર પંજાબના દૂરના વિસ્તારમાં જઈને લોકો સુધી ફ્રીમાં મેડિકલ સર્વિસ પહોંચાડે છે.
ભ્રૂણ હત્યા વિરુદ્ધ શરૂ કરી જંગ
એક ગામની બહાર તેમને વિચિત્ર વાસ અને કોઈની ચીસો સંભળાઈ. આ સાંભળીને તેઓ તેમની કાર કચરાના એક ઢગલા પાસે લઈ ગયા, જ્યાંથી આ અવાજ આવી રહ્યો હતો. અહીંયા ડો. હરશિંદરે જોયું કે, અમુક રખડતા કૂતરાઓ નવજાત બાળકને ઉઝરડવામાં લાગેલા છે. આ ઘટના પછી તેઓ ગામમાં પહોંચ્યા અને આવું કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. અહીં એક ગ્રામજને કહ્યું કે, આ કોઈ ગરીબ ઘરની દીકરી હશે, જેને કદાચ એ દંપત્તિ ઉછેરવા માંગતું નહીં હોય.
આ સાંભળીને ડો. હરશિંદરને આઘાત લાગ્યો. તેમણે એ જ સમયે ભ્રૂણ હત્યા રોકવા અને બાળકીઓનાં અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવાનું નક્કી કરી લીધું. આ મુશ્કેલી ઘણું વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી હતી. પંજાબ સરકાર વર્ષ 1994માં Pre-Conception And Pre-Natal Diagnostic Techniques Act (PCPNDT) પસાર કરી ચૂકી હતી. જેના હેઠળ જન્મ પહેલા બાળકના લિંગની જાણકારી લેવી ગુનો હતો, તે છતાં પણ આવા કેસ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. એક આંકડા પ્રમાણે, 1996-98 સુધી પંજાબમાં ભ્રૂણ હત્યાના 60 બજાર મામલા સામે આવી ચૂક્યા હતા.
લોકો ઈચ્છતા નહોતા કે તેમના ઘરે છોકરી જન્મે
ડો. હરશિંદર કૌરે એક મીડિયા સાથે વાત કરતા કહ્યું- ‘લોકો નથી ઈચ્છતા ન હતા કે તેમના ઘરે છોકરી જન્મે. છોકરી જન્મતા જ ઘરના લોકો તેને અને તેની માને અવગણવાનું શરૂ કરી દેતા હતા. બાળકી બીમાર થાય તો પણ પરિવારજનો તેની સારવાર કરાવતા નહોતા. ઉપરાંત ફ્રીમાં આપવામાં આવતી રસી માટે પણ આવતા ન હતા. આના કરતા ડરામણું એ હતું કે, લોકો એ પણ નહોતા જાણતા કે બાળકનું લિંગ નિર્ધારણ પતિના શુક્રાણુ દ્વારા થાય છે, ન કે મહિલાઓના અંડાશય દ્વારા. આ વાત ક્લીનિકલી પ્રૂવ પણ થઈ ચૂકી હતી, પરંતુ માહિતીના અભાવમાં લોકો મહિલાઓને જ ત્રાસ આપતા હતા.’
ગામેગામ જઈને લોકોને કર્યા જાગૃત
ડો. હરશિંદરએ લોકોને આ બાબતે જાગૃત કર્યા અને ગામેગામ જઈને લોકોને આ અંગે સમજાવ્યા. તેમને સફળ થવામાં લગભગ 5 વર્ષ લાગ્યા. સેક્સ રેશિયો, જે પટિયાલાના ગ્રામીણ વિસ્તારમાં 845/1000 હતો એ વધીને 1005/1000 થઈ ગયો. ખુદ ડોક્ટરે 415 જેટલી છોકરીઓના જીવ બચાવ્યા છે. ડો. હરશિંદરને ઘણા લોકોનો વિરોધ પણ સહન કરવો પડ્યો. આ એક એવી મુશ્કેલી હતી, જે આપણા સમાજમાં જગ્યા બનાવી ચૂકી હતી. એટલા માટે મહિલાઓને તેમનો હક અપાવવા માટે ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો. આ માટે તેમણે લોકોને પ્રજનન સંબંધિત બેઝિક વાતો જણાવી અને સાથે જ ભ્રૂણ હત્યા સામે બનેલા કાયદાની પણ મદદ લીધી.
ગરીબ પરિવારની છોકરીઓને ફ્રીમાં ભણાવે છે
હરશિંદર કૌર આ ઉપરાંત પટિયાલામાં એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવે છે. આ ટ્રસ્ટનું નામ ડો. હર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટના માધ્યમથી તે એક સ્કૂલ પણ ચલાવે છે, જેમાં ગરીબ પરિવારની બાળકીઓને ફ્રીમાં ભણાવે છે. તે અત્યાર સુધી 500થી વધારે બાળકીઓનાં શિક્ષણની જવાબદારી ઉઠાવી ચૂકી છે.
દેશ ઉપરાંત તે વિદેશી સ્તરે પણ ભ્રૂણ હત્યા વિરુદ્ધ જંગ લડી રહી છે. જિનેવામાં થયેલા હ્યુમન રાઈટ્સ કોન્ફરન્સમાં પણ ભ્રૂણ હત્યા વિરુદ્ધ આપેલા તેમના ભાષણ અને યોગદાનના વખાણ કરાયા હતા. વર્ષ 2016માં તેમનું નામ દેશની 100 Women Achieversની યાદીમાં સામેલ થયું હતું. તેને મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે બહાર પાડે છે.
52 વર્ષની ઉંમરે પણ લોકોને જાગૃત કરવામાં લાગેલી છે
ભ્રૂણ હત્યા સાથે જ તે લોકોને દહેજ ન લેવા પ્રત્યે પણ જાગૃત કરી રહી છે. અત્યાર સુધી કેનેડા, યુરોપ, યુએસએ, મલેશિયા અને ભારત જેવા દેશોનાં લગભગ 55 હજાર વિદ્યાર્થીઓ દહેજ ન લેવાના સોગંધ લઈ ચૂક્યા છે. 52 વર્ષની ઉંમરે પણ તે લોકોને જાગૃત કરવામાં લાગેલી છે. તેમનું કહેવું છે કે, તેમને પંજાબમાં ભ્રૂણ હત્યાની સમસ્યા પ્રત્યે લોકોને જાગૃત કરવામાં 25 વર્ષ લાગ્યા છે. પહેલા લોકો ભ્રૂણ હત્યા કરતા સહેજ પણ ડરતા નહોતા, પરંતુ હવે તેઓ આ વિશે વાત કરતા પણ ડરે છે.