વૃદ્ધા પોતે ભણી ન શક્યા પણ બાળકો ભણે તે માટે જીવનભરની પૂંજી નવસારીની મોલધરા પ્રાથમિક શાળાને દાન આપી દીધી

નવસારીના મોલધરા ગામે આવેલી પ્રાથમિક શાળાને રાઠોડ મહિલાએ રૂ.1 લાખનું માતબર દાન આપ્યું છે. આજીવન તેમણે મુંબઇમાં રહીને મહેનત-મજુરી કરી એકત્રીત કરેલા આ રૂપિયા થકી ગામના બાળકો અભ્યાસ કરી શકે અને તેમને સવલત મળે તેવા ઉમદા હેતુથી વૃદ્ધા તેમના સ્વર્ગસ્થ પતિની યાદમાં આ દાન કરીને હળપતિ સમાજમાં એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પોતે નિરક્ષર અને નિ:સંતાન હોવા છતા ગામના બાળકોના ભાવિ માટે દાન કરીને વૃદ્ધા કંકુબેન રાઠોડ ગામના બાળકો અને શાળા શિક્ષકો માટે લાકડવાયા “બા’ના હુલામણા નામથી જાણીતા બની ગયા છે.

મૂળ નવસારીના અડદા ગામના વતની એવા કંકુબેનના લગ્ન મોલઘરા ગામે ઝીણાભાઇ રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ મુંબઇમાં નોકરી કરતા હોય ત્યાં સ્થાયી થયા હતા. પતિ સાથે ખભેથી ખેભા મળાવી કંકુબેન મુંબઇમાં ત્રણથી ચાર પરિવારને ત્યાં ઘરકામ કરતા થયા. વર્ષો વિત્યા બાદ તેમને ગામમાં પણ પોતાનું પાકુ મકાન બને તેવો વિચાર આવ્યો અને પતિ સમક્ષ તે વિચાર મુક્યો. ઝીણાભાઇએ જો બચત થતી હોય તો ઘર બનાવવા અનુમતિ આપી. તે સમયે ટુકડે-ટુકડે રૂપિયા બચાવી ગામમાં પાકુ મકાન બનાવી સમયાંતરે તેઓ મુંબઇથી ગામ મોલધરા આવન-જાવન કરતા હતા. 8 વર્ષ પહેલા તેઓ ગામમાં ઉંમરના કારણે સ્થાયી થયા હતા.

આ દરમિયાન દોઢ વર્ષ પહેલા જ તેમના પતિ ઝીણાભાઇનું અવસાન થયું. પરિવારમાં સંતાન ન હોય તેઓ એકલવાયું જીવન જીવવા લાગ્યા, પરંતુ તેઓ ગામના બાળકોને પોતાના બાળકો જેટલો જ વ્હાલ કરતા રહ્યાં છે. એટલે એક વખત તેમને એ વિચાર આવેલો કે ગામના બાળકો માટે તેમના અભ્યાસ માટે કંઇક કરવું જોઇએ. શું કરવું તેનો ખ્યાલ ન હોય તેમણે ગામના યુવા એવા અહેમદભાઇનો સંપર્ક કર્યો.

બાદમાં મોલધરા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકોની મુશ્કેલીઓ અંગે ચિતાર મેળવી આખરે રૂપિયા એક લાખનું માતબર દાન શાળાને અર્પણ કર્યું. આદિવાસી સમાજ માટે આ એક અનોખી પહેલ હતી. હળપતિ સમાજ સહિત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે આ દાન કર્યું હતું. તે જાણીને શાળા શિક્ષકો પણ અચરજ પામ્યા હતા.

પતિની યાદમાં નક્કી કરેલી રકમ દાન કરીને આનંદ થયો

જ્યારે મોલધરા સ્થાયી થયા ત્યારે જ પતિ સાથે ચર્ચા કરી અમુક રકમ દાન આપવાનું કહ્યું હતું. ગામમાં જ બાળકો ભણતા હોય તેમને યોગ્ય સવલત મળી રહે તેવા હેતુ સાથે શાળામાં જ દાન આપવાનું નક્કી કર્યું. તેમાં પતિએ પણ સમ્મંતી આપી. તેમણે મને હંમેશા સપોર્ટ કર્યો હતો. તેમના નિધન બાદ અગાઉ નક્કી કરેલું તે મુજબ રૂ. 1 લાખનું શાળાને દાન કર્યું હતું. મારી મહેનત થકી જે પણ કમાણી થઇ તેનો હિસ્સો દાન કરીને મને અનેરો આનંદ મળ્યો છે. કુંકુબેન ઝીણાભાઇ રાઠોડ, દાતા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો