પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે કરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, જૂનાગઢ, કેશોદ, ભેંસાણ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર બંધ પાળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.
1 હજારથી વધુ સોનીઓએ વેપાર બંધ રાખ્યો
રાજકોટની સોની બજાર, પેલેસ રોડ સહિતની બજારો બંધ છે. આજે 1 હજારથી વધુ સોનીએ પોતાનો વેપાર બંધ રાખી બંધ પાળ્યો છે. વેપારીઓ સાથે કારીગરોએ પણ બંધ પાળ્યો છે અને શહિદોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં છે. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ આજના દિવસે બંધ રાખને નહિં. પરંતુ આજનાદિવસે જે પણ આવક થશે તે શહીદોના પરિવાને આપશે તેવો નિર્ણય કર્યો છે. માર્કેટીંગ યાર્ડની અંદાજીત 8થી 10 લાખ જેટલી આવક શહીદોના પરિવારજનોનેઆપવામાં આવશે.
રીક્ષામાં કપડા વેચનાર નફો શહિદોના પરિવારને આપશે
જામનગરમાં એક રીક્ષાવાળો પોતાના રીક્ષામાં કપડા વેચીને જે નફો મળશે તે શહિદોના પરિવારને આપશે. એ માટે તેને પોતાની રીક્ષામાં પેમ્પલેટ પણ લગાવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે ‘કાશ્મીર(પુલવા)માં થયેલા આંતકવાદી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી.. ત્રણ દિવસ સુધીનો નફો શહિદોના નામે વંદે માતરમ્’
રિસેપ્શનમાં એકત્ર થનાર ભંડોળ શહિદોના પરિવારને અપાશે
માર્કેટિંગ યાર્ડના ડાયરેકટર જમનભાઈ ધામેલીયાના દીકરા કેયુર ધામેલીયાનું આજે રિસેપશન છે. ત્યારે જમનભાઈએ નિર્ણય કર્યો છે કે રિસેપશન પહેલા જમ્મુ કાશ્મીરમાં CRPF જવાન શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને મહેમાનો તરફથી આવતા તમામ વ્યવહાર શહિદોના પરિવારોને આપવામાં આવશે.
મોરબી સીરામીક એસો. વતી શહીદો માટેનો ફાળો 1 કરોડને પાર
મોરબી સીરામીક એસોસિએશન વતી શહીદો માટેનો ફાળો 1 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે સાથે દરેક શહીદોના પરિવારને મોરબીનાં ઓરપેટ ગ્રુપ તરફથી વ્યક્તિગત રૂપિયા 1 લાખ અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સાથે જ બસ પાછળ પાકિસ્તાન મુરદાબાદના બેનર મારી વિરોધ નોંધાવ્યો હતો.
આજે ઊના, કેશોદ, ભેંસાણ બંધ, રાષ્ટ્રીય શોક પાળશે
ઉના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઉના નગરપાલીકા દ્વારા આજે બપોરે ચાર વાગ્યા બાદ સર્વે વેપારીઓને પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉનાના પોસ્ટ ઓફિસ ચોક ખાતે સાંજના પાંચ કલાકે સૌ નગરજનોને હાજર રહેવા જણાવ્યું છે. જ્યારે કેશોદમાં વ્યાપારી મહામંડળ દ્વારા તમામ વેપારીઓને દિવસભર શહેર બંધ રાખવા અપીલ કરી છે. ભેંસાણ શહેરને બપોર સુધી સજ્જડ બંધ પાડી રાષ્ટ્રીય શોક પાડશે તેવું એલાન કરાયું છે.