ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી બતાવ્યાનો કિસ્સો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ચંદ્રાલા ગામમાં ખેતીકામ કરતા અનિશ અશોકભાઇ પટેલ બપોરના સુમારે નિત્યક્રમ મુજબ તેમના અઢારીયા ફાર્મ હાઉસના ખેતરમાં ખાટલા ઉપર ભોજન લઇ રહ્યા હતા. ત્યારે ફોન આવતા તેઓનું ધ્યાન વાતમાં જ હતું. તે દરમિયાન પાછળ સાતેક ફુટ લાંબો ઝેરી સાપ ખાટલા ઉપર ચડી ગયો હતો. સાપ ઉપર કુતરા(માઇકલ)ની નજર પડતા તેણે સાપ ઉપર હુમલો કરી દીધો હતો. કુતરાએ ખાટલા ઉપર હુમલો કરતા અનિશભાઇ ચોંકી ઉઠ્યા હતા. થોડી મિનીટ ચાલેલા સાપ અને કુતરા વચ્ચેના જંગમાં માઇકલે સાપના બે કટકા કરી નાંખ્યા હતા.
માઇકલની શાસ્ત્રોક્ત રીતે અંતિમવિધિ કરી
ઝેરી સાપે મારેલા ડંખથી માઇકલનું મોત નીપજ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ખેતરમાં જ તેની અંતિમવિધિ કરાઇ હતી, જ્યારે મૃત સાપને ઘી નાંખીને સળગાવી દીધો હતો.
શ્વાનના માલિક સેક્ટર-8ના રહેવાસી
અનિશ પટેલ હાલ તેમની માતા સાથે ગાંધીનગર શહેરમાં પ્લોટનં.804/1, સેક્ટર-8માં રહે છે.
માઈકલ 7 વર્ષથી પટેલ પરિવારની સાથે રહેતો હતો
પાલતુ શ્વાન માઇકલના માતા-પિતા રાજા-રાણી પણ ફાર્મ હાઉસમાં જ રહેતા હતા. માઇકલનો ઉછેર જ ફાર્મ હાઉસમાં થયો હતો. અને તે છેલ્લા 7 વર્ષથી પટેલ પરિવાર સાથે રહેતો હતો.
આ પણ વાંચજો..
- એવું તો શું લખ્યું હતું માએ એ લેટરમાં કે દીકરો સ્તબ્ધ રહી ગયો, આ કિસ્સો દરેક વ્યક્તિ એ જાણવા જેવો છે
- રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા ધો.1 થી આ બાળકોને પ્રાઇવેટ શાળામાં મળે છે વિનામૂલ્યે પ્રવેશ