વિદાય ટાણે… એક દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા,

નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે.

મૂળ એટલે મા અને કુળ એટલે બાપ.

મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે.

મમ્મી-પપ્પા,

કાલે હું પરણી ને સાસરે જઈશ….
આ ઘર માં આજે મારી છેલ્લી રાત.

આજ રાત સુધી જ હું તમારી દીકરી રહીશ, કાલ થી મારા સ્રી ધર્મ માં પરિવર્તન થશે,પુત્રવધુ તરીકે ની મારી સફર શરુ થશે.

મા, તારા ગર્ભ માં થી સિંચાયેલા મારા દેહ માં રુધિર બની ને નસેનસ માં વ્યાપ્ત તારા ગુણો ને જગત સામે દીપાવવા ની મારી યાત્રા કાલ થી શરુ થશે.

પિતાજી, તમારા કુળ માં થી મારા માં ઉતરી આવેલી ખાનદાની આગળ ની પેઢી માં સિંચવા નું મારું કાર્ય કાલ થી શરુ થશે.

મા, મારે તો ફકત તારા જેવા જ થવું છે કારણ કે હું જન્મી ત્યાર થી તારા જેવી જ થવા તો મથું છું.

પિતાજી, તમે મારા આદર્શ છો, મેં દુનિયા તમારી નજરે જોઈ છે.દરેક પુરુષ ની પહેલી સરખામણી મેં તમારી સાથે તો કરી છે.મારા માથા પર હેતાળ હાથ ફેરવનાર પ્રથમ પુરુષ તમે જ છો.

કાલે તમે મને ઘર ના ખૂણેખૂણે ગોતશો. સદેહે તો તમને નહી મળું, પણ આ ધર માં ઠેકઠેકાણે હું સંતાયેલી જોવા મળીશ.

એ પા પા પગલી માં,

એ રુપાળી ઢીંગલી માં,

એ પાટી અને પેન માં ,

એ મારી નાનકડી બેન માં,

મારી સાયકલ ની ઉતરેલી ચેન માં,

નોટબુક ના કાલાઘેલા અક્ષર માં,

ઘર ઘર રમતાં ખોવાયેલા મારા બચપણ માં,

બળી ગયેલી રોટલી ના કાળા પડ માં,

તમારા કપાળ માં ઉપસી આવેલા સળ માં,

હ્રદય ની ગમગીની માં,

આંખો ના ખાલીપા માં,

તમારા આંસુ લૂછવા લંબાયેલા તમારા જ હાથ માં,

ઘર ના દરવાજે કરેલા કંકુ ના થાપા માં,

હું ઠેકઠેકાણે વેરાયેલી હોઈશ.

મમ્મી-પપ્પા,

તમે મને ભૌતિક સ્વરુપે તો ઘણું આપ્યું જ છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્વરુપે જે આપ્યું છે એના માટે હું અને મારી આવનારી પેઢી ઓ સદૈવ તમારી ઋણી રહેશે.

પપ્પા, તમે મારી સહેજ પણ ચિંતા ના કરતા,

હું તો દીકરી છું, એક ખળખળ વહેતી નદી.

મારો રસ્તો હું કંડારી જ લઈશ. મારો સાગર મને મળી ગયો છે. હું એમાં ભળી જઈશ.

મારું ભાગ્ય અને તમારા આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે.

વિદાય ટાણે,

હું તો ખૂબ રડીશ પપ્પા. એ તો મારો અધિકાર છે. કારણ હું નદી હવે પાછી વળવા ની નથી. મને ખબર છે મમ્મી-પપ્પા તમે પણ રડ્યા વગર રહી નહી શકો. પણ એ રુદન માંય મારા સુખી થવા ના આશીર્વાદ ઉભરાતા હશે.

બસ, આજ નો દિવસ અને રાત, ફકત તમારી દીકરી થઈ ને ભરપૂર જીવી લેવું છે. કાલ થી મારા સવાયા મા-બાપ ની લાડકવાયી પુત્રવધુ થઈ ને મળીશ.

હા , હું આવીશ. ચોક્કસ આવીશ. પિયર તો મારી વડલા વાળી પરબ છે.

જયારે જયારે જીવનપથ માં થાકીશ, વડલા ની નીચે વિસામો ખાવા અને પરબ પર મારી તરસ છીપાવવા માટે જરુર થી આવીશ.

લિ. એક દિકરી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી