સ્વસ્થ દેખાતા વ્યક્તિને પણ હોઈ શકે છે કોરોના, અમદાવાદમાં કોરોનાના કોઈ જ લક્ષણો ના હોય તેવા 30 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા

સ્વસ્થ દેખાતા વ્યક્તિને પણ હોઈ શકે છે કોરોના, અમદાવાદમાં કોરોનાના કોઈ જ લક્ષણો ના હોય તેવા 30 લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા

અમદાવાદ શહેરમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ખાસ કરીને દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિનો ચેપ 30ને લાગ્યો હતો. જો કે ચોંકાવનારી બાબત એ છે કે આ 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. 58 કેસમાંથી 30 કેસ સફી મંજિલ વિસ્તારના છે. અગાઉ અહીં એક પોઝિટિવ કેસ મળતા સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વૉરન્ટિન કરાયો હતો. તે પછી અહીં નાની નાની ચાલીઓમાં રહેતા 128 લોકોના સેમ્પલ લેવાયા હતા. 7 વર્ષની બાળકીથી લઈને 74 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય SVPમાં સારવાર લઈ રહેલા 48 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં મોત થયું હતું. જ્યારે સિવિલમાં દાખલ 50 વર્ષીય દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ 7નાં મોત થયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 142 થઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દરેક ઘરમાંથી એક-એક વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા

દાણીલીમડા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય અબ્દુલકૈયુમ શેખને 31 માર્ચે કોરોના પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ જ્યાં રહે છે તે અત્યંત ગીચ એરિયા અને ચાલી પ્રકારનો વિસ્તાર હોવાના કારણે હેલ્થ વિભાગે તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા સાત લોકો ઉપરાંત સંખ્યાબંધ લોકોને હોમ ક્વૉરન્ટિન કરી દીધા હતા અને ત્યારબાદ સફી મંજિલ વિસ્તારના 128 ઘરોને ક્લસ્ટર ક્વૉરન્ટિન કરી દેવામાં આવ્યા હતા. અને દરેક ઘરમાંથી એક-એક વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ગુરુવારે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ એક જ વ્યક્તિના સીધા સંપર્કમાં આવેલા અને પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા એક સાથે 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાની અમદાવાદની આ પહેલી ઘટના છે. દાણીલીમડાનો સફી મંજિલ વિસ્તાર કોરોનાનું એપી સેન્ટર બની ગયો હોવાનું હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવુ છે. હજુ જેમના સેમ્પલ લેવામાં આવ્યા છે તે ઘણા લોકોના રિપોર્ટ પણ બાકી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટ આવ્યા ત્યાં સુધી એક પણ વ્યક્તિને કોરોનાનાં લક્ષણો દેખાયા નથી

હેલ્થ અધિકારીનું કહેવું છે કે, જ્યારે એક વ્યક્તિને ચેપ લાગ્યો હતો ત્યારે અમે અહીં ક્લસ્ટર ક્વૉરન્ટિનન કરી દીધું હતું. ખાસ કરીને, સફી મંજિલ એરિયામાં આવેલા માઝ કોમ્પ્લેકસ, શાહરૂખ કોમ્પ્લેકસ, ઝુબેર ડુપ્લકેસ, ધોબીની ચાલી સહિતના એરીયાનો સમાવેશ થાય છે. 31 માર્ચ પછી સતત અહીં લોકોના સેમ્પલ લેવાની અને તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. પણ રિપોર્ટ આવ્યા ત્યાં સુધી એક પણ વ્યક્તિને કોરાનાના એક પણ લક્ષણો હજુ સુધી દેખાયા નથી પરંતુ તમામ 30 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સ્થિતિ જોતા અમે જ ચિંતામાં છીએ કે આવા અન્ય કેસ કેટલા હશે જેમને કોઈ પણ લક્ષણો નથી છતાં તેઓ કોરોનાના વાહક છે. કાલુપુરના કુત્બી મહોલ્લા, દરિયાપુરની માતાવાળી પોળ, જમાલપુરની ખજૂરાવની પોળ અને શાહપુરના ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ મળ્યા છે.

જોધપુરમાં મહિલામાં કોરોનાનાં કોઈ લક્ષણ ન દેખાયાં, રિપોર્ટ કઢાવતાં પોઝિટિવ

અમદાવાદમાં પોઝિટિવ ત્રીજો કેસ જોધુપુર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિગન્સમાં રહેતી વ્યક્તિનો આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા. જો કે, તેમનો ચેપ તેમની 40 વર્ષની દીકરીને લાગ્યો હતો. જોકે, તેનામાં શંકાસ્પદ લક્ષણો જણાયાં ન હતા. પરંતુ મ્યુનિ.એ તેમનો રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવતા એસવીપીમાં દાખલ કરાયાં છે.

એલજી પાસે મેડિકલ સ્ટોર ધરાવનારનો રિપોર્ટ પોઝિટિવ

મણિનગરના ગિરિવા એપાર્ટમેન્ટમાં રહેતી 47 વર્ષીય વ્યક્તિ એલજી હોસ્પિટલ નજીક મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમને ચેપ ક્યાંથી લાગ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ દર્દી દવા લેવા આવ્યું હોય અને ચેપ લાગ્યો હોય તેમ મનાય છે.

થલતેજમાં રહેતાં તબીબ પુત્રવધૂનો ચેપ 92 વર્ષીય સસરાને લાગ્યો

બાપુનગરની સરકારી હોસ્પિટલમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરતાં મહિલા તબીબને કોરોના પોઝિટિવ આવતા 26 માર્ચે તેમને દાખલ કરાયાં હતાં. તેમના પતિને પણ કવોરન્ટાઇન કરી દેવાયા હતા. આ પછી તેમના સસરામાં કોરોનાના લક્ષણો દેખાતા તેમનો રિપોર્ટ કઢાવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હજુ તેમના પુત્રવધૂ પણ હોસ્પિટલમાં છે.

LGમાં દાખલ 75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

ઘોડાસરની વૈભવપાર્ક સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધને પહેલા ત્રણ દિવસ તાવ આવ્યો હતો. જોકે, આ દિવસોમાં તેઓ ઘરે રહ્યાં હતા પરંતુ પછી શ્વાસની તકલીફ શરૂ થતા તેમને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમને ઈન્ટીબેટ કરવામાં આવ્યું હતું અને પછી તકલીફ વધતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જલ્દી ખબર પડે તો સારવાર પણ સરળ બને છે

કોરોનાનું ઈન્ફેક્શન લાગી ગયું છે તો જલ્દી ખબર પડી જાય તો દર્દીની સારવાર સરળ રહે છે અને તે જલ્દી સાજો પણ થઈ જાય છે. તેનાથી પણ મહત્વનું એ છે કે, લક્ષણો દેખાવાના શરુ થાય તે પહેલા તે વ્યક્તિને પોતાને જ ખબર નથી હોતી કે તેને કોરોના થયો છે. આવા લોકો અજાણતા જ બીજા પણ અનેક લોકોને તેનો ચેપ લગાડી શકે છે.

ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો

આ જ કારણે કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન ઝડપથી વધી રહ્યું છે, અને તેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે જ અમદાવાદમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ટેસ્ટની સંખ્યામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ આ જ બાબતનો ઉલ્લેખ કરતાં ગઈકાલે કહ્યું હતું કે ટેસ્ટની સંખ્યા વધારાઈ હોવાથી આગામી બે-ચાર દિવસ નવા કેસની સંખ્યા પણ વધારે રહેશે.

પિતાનો ચેપ પુત્રને લાગ્યો, ફ્લેટના પાડોશી પણ ઝપેટમાં

આં બાવાડીના નીલમ એપાર્ટમેન્ટમાં પહેલા એક આધેડને કોરોના પોઝિટિવ ડિટેક્ટ થતાં એસવીપીમાં દાખલ કરાયા હતા. તેમનો ચેપ તેમના દીકરાને લાગ્યો હતો અને રઠી ફલેટમાં જ રહેતી મહિલાને તેમનો ચેપ લાગ્યાનું મનાય છે.

જમાલપુરમાં એક મહિલાનો ચેપ ઘરના 4 સભ્યાેને લાગ્યો

જમાલપુર ખજુરાવની પોળ ખાતે એક મહિલાને કોરોના ડિટેકટ થયો હતો. તેઓ સુરતથી 20 માર્ચે અહીં આવ્યાં હતાં. તેમના જ પરિવારના 8 વર્ષીય કિશોર, 48 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવક અને 72 વર્ષીય આધેડને ચેપ લાગ્યો.

કાલુપુરમાં એક પરિવારનો ચેપ ત્રણ પાડોશીને લાગ્યો

કાલપુરની માતાવાળી પોળમાં એક રહીશનો ચેપ પહેલા તેમના જ પત્ની, દીકરા, પુત્રવધૂ અને પૌત્રીને લાગ્યો હતો. આ તમામ લોકો હજુ પણ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પોળના લોકોના મ્યુનિ.એ સેમ્પલ લીધાં હતાં, જેમાં વધુ ત્રણ 45, 70 અને 33 વર્ષીય પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ વ્યક્તિના ચેપથી વધુ ત્રણ ઝપેટમાં આવ્યા હતા.

કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવના સંપર્કમાં, રિપોર્ટ નેગેટિવ આવ્યો

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ થોડા દિવસ પહેલા તેમના વિસ્તારમાં આવેલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. બુધવારે તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓ એસવીપી હોસ્પિટલમાં ટેસ્ટ માટે ગયા હતા. તેમના સેમ્પલ લેવાયા હતા. જો કે, તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક તબક્કે કોન્સ્ટેબલ કોને કોને મળ્યો તે શોધવા હેલ્થ વિભાગની ટીમો કામે લાગી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો