સુરત: ‘મંદીનો માહોલ છે, કારીગર ભાઈઓએ પૈસા ગમે ત્યાં વાપરવા નહીં અને આવનાર સમયમાં તૈયાર હીરાનું વેચાણ ન થવાથી મંદી રહેશે તો 2-3 મહિનાનું વેકેશન રાખવામાં આવશે’. આવા પ્રકારના મેસેજથી સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. જોકે, આગેવાનોના મતાનુસાર, આ ફક્ત અફવા છે. આવનારા દિવસમાં ખરીદી નીકળશે. મંદીની સ્થિતિ સુધરશે.
હીરા ઉદ્યોગમાં ફરી ચિંતાનું વાતાવરણ
ડોલરની વધતી કિંમતની સાથો-સાથ રફ ડાયમંડના ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉંચા દર પરંતુ લોકલ માર્કેટમાં ડાયમંડની ખરીદીમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ ચાલી રહી છે. બીજી તરફ પોલિશ્ડ ડાયમંડની વૈશ્વિક બજારમાં માંગ ઘટી જવાના કારણે મેન્યુફેકચરર દ્વારા સીધું 30-40 ટકા પ્રોડક્શન લોસ કરવામાં આવી રહ્યું છે .એવામાં છેલ્લાં 3 માસથી ડાયમંડની નાની-મોટી પેઢીઓમાંથી 13 હજારથી વધુ રત્નકલાકારોને છુટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર બે દિવસથી ફરી રહેલા મેસેજે હીરાઉદ્યોગમાં ફરી ચિંતાનું વાતાવરણ સર્જ્યુ છે.
ફરતા થયેલા મેસેજમાં શું છે?
ફરી રહેલા મેસેજમાં એક ફેકટરીનો ફોટો છે, જેમાં નોટીસ પર લખ્યું છે કે, હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે. કારીગર ભાઈઓ તેમના રૂપિયા સાચવીને વાપરવા આવનારા દિવસમાં મંદીની સ્થિતિ વધશે, તો 2-3 મહિનાનું વેકેશન પણ રાખવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રત્નકલાકાર સંઘમાં નોંધાયેલા આંક પ્રમાણે, સુરતમાં નાની-મોટી લગભગ 149 જેટલી કંપનીઓમાંથી 1000થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દીધા છે. જ્યારે ડાયમંડ વર્કર યુનિયનના આંક પ્રમાણે 13 હજારથી વધુ રત્નકલાકારોને છુટા કરી દેવાયા છે.
જલ્દી જ મંદીનો સમય પૂર્ણ થશે: ડાયમંડ એસોસિએશન
સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર, ઉદ્યોગકાર અને રત્નકલાકાર બંને માટે ઘણો કપરો સમય હતો. પણ ખૂબ જલ્દી જ મંદીનો સમય પૂર્ણ થવાનો છે. ઓગષ્ટથી તહેવારોની ખરીદીની સિઝન શરૂ થઈ જશે. ત્યારે મોટાભાગની સમસ્યાઓનો જલ્દી જ નિકાલ આવશે. વેકેશનના ફોટાવાળા મેસેજ ફરી રહ્યા છે, તે ક્યાંના છે તે કોઈને ખબર નથી, પણ તે ચોક્કસ છે કે વેકેશનનું વાતાવરણ સર્જાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.