જન્મેલું બાળક મૂક-બધિર હોવાની માતાપિતાને બેથી ત્રણ વર્ષ બાદ જાણ થતી હોય છે. જોકે હવે બાળકમાં જન્મની સાથે જ બહેરાશનું નિદાન થઈ શકે તેવી ટેક્નોલોજી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવાઈ છે. સોલા સિવિલમાં ઉપલબ્ધ થયેલાં બે અદ્યતન મશીનથી થતાં 5થી 10 મિનિટના ટેસ્ટથી જન્મતાની સાથે બાળકમાં બહેરાશનું નિદાન કરી શકાય છે તથા તાત્કાલિક દવા, કાનના મશીન અને કોકિલિયર ઇમ્પલાન્ટ સર્જરીથી બાળક એક વર્ષમાં નોર્મલ બાળકની જેમ બોલી અને સાંભળી શકે છે.
સોલા સિવિલના ઇએનટી વિભાગનાં વડાં ડો. નીના ભાલોડિયાના જણાવ્યાનુસાર, માતાપિતામાં જાગૃતિને અભાવે મૂક-બધિર બાળકની સારવાર માટે તેઓ જન્મના બે-ત્રણ વર્ષ બાદ આવતા હોય છે, જેથી તકલીફના નિદાન-સારવારમાં મોડું થાય છે.
જોકે હોસ્પિટલમાં હવે ઓએઈ અને બેરા નામના બે અદ્યતન મશીન ઉપલબ્ધ થયાં છે, જેને કારણે બાળક જન્મે તેની સાથે જ બહેરાશનું નિદાન કરી શકાય છે અને ચોક્કસ નિદાન બાદ દવા, કાનનું મશીન અને કોકિલિયર ઇમ્પલાન્ટની સર્જરી પછી ટ્રેનિંગ આપીને બાળકને 1 વર્ષમાં બોલતું અને સાંભળતું કરી શકાય છે.
આ રીતે ટેસ્ટથી બહેરાશ હોવાનું જાણી શકાય છે
ઓટો એકાઉસ્ટિક એમિશન ટેસ્ટ (ઓએઈ) મશીનથી કાનમાં સાંભળવાનું કાર્ય કરતા ભાગની સાંભળવાની ક્ષમતા જાણી શકાય છે. ટેસ્ટ સાઉન્ડ પ્રૂફ રૂમમાં અથવા બાળક સૂતું હોય ત્યારે થાય છે.
આ સાધનના માઇક્રોફોન દ્વારા કાનમાં જે અવાજનું સ્ટીમ્યુલસ આપવામાં આવે છે, તેના જવાબમાં નોર્મલ કામ કરતો કાન એક અવાજ પાછો મોકલે છે, જે ગ્રાફિકલી રેકોર્ડ થાય છે. જો બહેરાશ હોય તો અંદરનો કાન પાછો અવાજ મોકલતો નથી અને આ રીતે બાળક સાંભળે છે કે નહિ તે નક્કી થાય.
5થી 10 મિનિટના આ ટેસ્ટમાં દવા કે ઇન્જેક્શનની જરૂર પડતી નથી.
જ્યારે બ્રેઇનસ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઑડિયોમેટ્રી (બેરા) ટેસ્ટથી કાન, કાનનો પ્રથમ, મધ્ય અને મૂળ ભાગ અને મગજ સુધી નસમાં ક્યાં તકલીફ છે તે શોધીને ચોક્કસ નિદાનને આધારે સારવાર કરી શકાય છે.