અમદાવાદ, 24-04-2019
ડૉ. ધીરજ કાકડિયાએ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને રીજનલ આઉટરીચ બ્યૂરો (ROB), ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડીશનલ ડાયરેક્ટર જનરલ (ગુજરાત રીજિયન)નો પદભાર સંભાળી લીધો છે.
ગુજરાત સરકારમાં પ્રતિનિયુક્તિ પર મનોરંજન કર કમિશનર તરીકે ત્રણ વર્ષ ફરજ બજાવી મૂળ કેડરમાં પરત ફરતા ડૉ. કાકડીયાની ભારત સરકારે અમદાવાદમાં નિમણૂંક કરી છે. ગ્રામીણ વિકાસ વિભાગમાં સ્પે. કમિશનર તથા રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થામાં સ્પે. ડાયરેક્ટર તરીકે પણ શ્રી કાકડિયાએ પ્રતિનિયુક્તિ દરમિયાન રાજ્ય સરકારમાં સેવા આપી હતી.
‘મહાત્મા – એ ગ્રેટ કમ્યુનિકેટર’ નામે નવજીવન ટ્રસ્ટે ડૉ. ધીરજ કાકડિયાનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે લખી છે.
1991માં એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ઈ. ઈલેક્ટ્રોનિક્સ કર્યા બાદ તેમણે એલ.એલ.બી., એમબીએ અને પી.એચ.ડી.ની પણ પદવી પ્રાપ્ત કરી છે. તેઓ 1993 બેચના આઈઆઈએસ અધિકારી છે. અગાઉ તેઓ એક દસકા સુધી દૂરદર્શન કેન્દ્ર અમદાવાદમાં સમાચાર વિભાગના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.