ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના એક ખેડૂતે સાત વિઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વિઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ દુબઇવાસીઓને ડીસાની ટેટી મીઠી લાગી રહી છે.
ખેડૂતે કર્યો માત્ર ધોરણ 7 સુધીનો અભ્યાસ
ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના ખેતાજી સોનાજી સોલંકીએ માત્ર સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પરંતુ તેમ છતાં આટલા અભ્યાસમાં પણ ખેતાજી સોલંકીએ બાગાયત ખેતીમાં મહારથ હાંસલ કરી દીધી છે.
પરંપરાગત ખેતી કરી
ખેતાજી સોલંકીએ ડીસા તાલુકાના ચંદાજી ગોળીયાના નદીના પટમાં વસેલા ગામમાં પરંપરાગત રીતે શક્કર ટેટીની ખેતી કરી છે. તેમણે ન માત્ર આવા વિસ્તારમાં ટેટી જેવી ખેતી કરી છે, પરંતુ સાથે સાથે ટેટીની સફળ ખેતી કરીને મબલખ ઉત્પાદન પણ મેળવ્યું છે.
પ્રતિ વિઘા 20 ટન ટેટીનું ઉત્પાદન
આ અંગે ખેતાજી સોલંકીએ જણાવ્યું હતું કે, ‘7 વિઘા જમીનમાં રૂ. 1 લાખ 7 હજાર રૂપિયાના ખર્ચે ટેટીની ખેતી કરી હતી અને પ્રતિ વિઘામાં અંદાજે 20 ટન ટેટીનું ઉત્પાદન મેળવ્યું છે. જેથી માત્ર 7 વિઘા જમીનમાં અંદાજીત 140 ટન જેટલી શક્કર ટેટીનું ઉત્પાદન કર્યું છે. આ ટેટીને દુબઇ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.
દુબઈ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યમાં વેચાણ
આ ઉપરાંત ભાવનગર, શ્રીનગર, જમ્મુ, કાશ્મીરમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે.’ ટેટીની ખેતી 75 દિવસની હોય છે. ત્યારે આ ખેડૂતે રૂ. 1.7 લાખના ખર્ચ સામે રૂ. 21 લાખનું ઉત્પાદન મેળવી લીધું છે અને હજુ 2 થી 3 લાખનું ઉત્પાદન મેળવશે આમ આ ખેડૂત 75 દિવસમાં 22 લાખ ઉપરાંતનો નફો મેળવશે.’
ટેટીનું સોલાર સિસ્ટમથી પિયત કરાયું
સરકાર દ્વારા ખેતાજી સોલંકીને સોલાર સિસ્ટમમાં 95 ટકા સબસિડી અપાઇ છે. જેમાં આઠથી દસ લાખના પ્રોજેક્ટમાં માત્ર રૂ. 37,500 ભરવાના થયા. સરકારી સબસિડીનો ઉપયોગ કરીને સોલાર સંચાલિત બોરવેલ થકી તેમણે આ ઉત્પાદન મેળવ્યું છે.