રાજસ્થાનના નાનકડા બુદાનીયા ગામમાં ખેતરમાં કામ કરતા-કરતા અને ગાય-ભેંસનું દૂધ દોહતા દોહતા IPS થયેલા વડોદરાના ડીસીપી સરોજ કુમારીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું કે, જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો પણ પોતાનો નક્કી કરેલો ધ્યેય છોડવો જોઇએ નહી. સફળતા ચોક્કસ મળે છે. અને આપનું સપનું સાકાર કરી શકો છો. તાજેતરમાં જ સરોજકુમારીને સમજ સ્પર્શની અભિયાન માટે વુમન આઇકોન એવોર્ડ એનાયત કરાયો હતો.
કિરણ બેદીની સ્ટોરી વાંચીને IPS બનવાની પ્રેરણા મળી
IPS બનવા માટે કરેલા સંઘર્ષને વર્ણવતા પોલીસ અધિકારી સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, તે દિવસ આજે પણ મને યાદ છે. હું ગામની પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. એક દિવસ ખેતરમાં મમ્મી-પપ્પા સાથે કામ કરતી હતી. તે સમયે પવનના સુસવાટે ઉડતું આવેલું ન્યૂઝ પેપરનું એક કટિંગ મારા હાથમાં આવી ગયું હતું. ન્યૂઝ પેપરમાં દેશની પ્રથમ મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીની સ્ટોરી છપાયેલી હતી. આ સ્ટોરી વાંચ્યા બાદ મને પણ પોલીસ અધિકારી બનવાની ઇચ્છા થઇ હતી. સહજ રીતે મેં મારા મોટા ભાઇને કિરણ બેદીની સ્ટોરી બતાવી. ત્યારે મારા મોટા ભાઇએ કહ્યું કે, તું પણ કિરણ બેદી બની જા. બસ તે દિવસથી મેં નક્કી કરી લીધું કે, જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલી આવે. પણ, હું IPS બનીને બતાવીશ. અને મેં મારું સપનું પૂરું કર્યું છે. જેનું આજે મને ગૌરવ છે.
મારો ભૂતકાળ યાદ કરું છું, ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે
વર્ષ-2011 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી સરોજ કુમારીએ વધુમાં જણાવ્યું હતું કે, હું જે ગામમાંથી આવુ છું અને જે સમાજમાંથી આવું છું. તેમાં IPS બનવું મુશ્કેલ હતું. મારા પિતા બનવારીલાલ ચોક્કસ આર્મીમાં હતા. પરંતુ તેઓ વર્ષ-1987માં નિવૃત્ત થઇ ગયા હતા. તે સમયે તેમના આવતા રૂપિયા 700 પેન્શન અને ખેતીમાંથી મળતી આવકમાં અમે 4 ભાઇ-બહેનોનું ગુજરાન ચલાવવાનું હતું. ત્યાં અમારા ભણવાનો ખર્ચ કાઢવો ખરેખર મુશ્કેલ હતો. આમ છતાં મારી મમ્મી સુવાદેવીએ પિતાને આપેલા મનોબળથી મારુ IPS થવાનું સપનું પૂરું થયું છે. આજે જ્યારે હું મારા ભૂતકાળના દિવસો યાદ કરું છું. ત્યારે આંખમાંથી ઝળઝળીયા આવી જાય છે.
IPS બનવાનું સ્વપ્ન પૂરું કરાવવા મારા માતા- પિતા મક્કમ હતા
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, મારી સાથે અભ્યાસ કરતી મારી સહેલીઓના તો ધોરણ-11 કે 12માં જ લગ્ન થવાની શરૂઆત થઇ ગઇ હતી. મારા માતા-પિતાને પણ લોકો મારા લગ્ન માટે સલાહો આપતા હતા. પરંતુ મારું IPS બનવાનું સ્વપ્ન પૂરું કરાવવા માટે મારા માતા- પિતા મક્કમ હતા. હું IPS થઇ ગઇ ત્યારે ગામ લોકો અને સમાજ વિચારમાં પડી ગયા.
ધ્યેય નક્કી કરો તો કોઇ પણ કાર્ય મુશ્કેલ નથી
સરોજ કુમારીએ જણાવ્યું કે, ગરીબીના વાંકે અભ્યાસ ન થઇ શકે અને ધ્યેય પૂરો ન થાય. તે વાતથી હું બિલકુલ સહમત નથી. જો ધ્યેય નક્કી કરો તો કોઇ પણ કાર્ય મુશ્કેલ નથી. આથી આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓને મારી અપીલ છે કે, ધ્યેય નક્કી કરીને આગળ વધો. તમારો ધ્યેય ચોક્કસ પૂરો થશે.