ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામે રહેતો અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતને કર્મ ભૂમિ બનાવનાર લેઉવા પટેલ પરિવારમાં ચાર દીકરીઓના પિતાનું કેન્સરની બીમારી નિધન થતા દીકરીઓએ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિસંસ્કાર આપતા સ્મશાન યાત્રામાં હાજર લોકોની પણ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.
નાનું એવું ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ગોંડલના ખાંડાધાર ગામે કેન્સરની બિમારીથી મોત થતા પિતાની અર્થીને ચાર દીકરીઓએ કાંધ આપી.
પ્રાપ્ત વિગતો મુજબ કુદરત જ્યારે પરીક્ષા કરતો હોય ત્યારે કાળા માથાના માનવીની સમજની બહારની વસ્તુ બની જતી હોય છે. તાલુકાના ખાંડાધાર ગામે રહેતા પ્રવીણભાઈ લાધાભાઇ આસોદરિયા (ઉ.વ. 45)નું કેન્સરની બીમારી થી નિધન થતા સંતાનોમાં રહેલ ચાર દીકરી હીના, દીબીશા, મયુરી અને શ્રદ્ધાએ દીકરાની ફરજ નિભાવી પિતાની અર્થીને કાંધ આપી અગ્નિ સંસ્કાર કર્યા હતા.
પ્રવિણભાઇએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી હતી
પ્રવીણભાઈના કૌટુંબિક ભાઈ જયનેશભાઈ આસોદરિયાએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઈએ સુરતને કર્મભૂમિ બનાવી હતી અને ત્યાં રહી હીરા ઘસવાનું કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીએ તેઓને ઘેરી લેતા આ કીલકીલાટ કરતા પરિવારને નજર લાગી જવા પામી હતી. મોટી દીકરી હીના અને દીબીશાએ ઘરની જવાબદારી શિરે લઇ સાડીના કારખાનામાં કામ શરૂ કર્યું હતું અને ઘરની જવાબદારી સંભાળી લીધી હતી અને પિતાને જરા પણ દીકરાની કમી થવા દીધી ન હતી. પિતાના નિધન બાદ પણ સંપૂર્ણ વિધિ દીકરીઓ દ્વારા પૂરી કરવામાં આવી હતી જે સમાજને નવી રાહ ચીંધવા સમાન હતી.