ગ્રીષ્માના પિતાએ દર્દ ઠાલવતાં કહ્યુ, ‘પોલીસ કેસથી આબરું જશે તે ડરે દીકરી પિતાને કશું કહી શકતી નથી’

સુરતના ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ મામલે તેના પિતાએ વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારી ડાયમંડ કંપની તરફથી મને ઓફર થતાં હું 7 મહિના પહેલા જ આફ્રિકા ગયો હતો. નાના માણસ પાસે કોઈ ઓપ્શન હોતો નથી. આફ્રિકા ગયો તે દિવસથી માંડીને ઘટના બની તે દિવસ સુધી રોજ મારી દીકરી ગ્રીષ્મા સાથે સવાર-સાંજ વીડિયો કોલથી વાત થતી હતી. ઘટનાને દિવસે પણ વાત થઈ હતી. જ્યારે ગ્રીષ્માનો કોલ આવતો ત્યારે મને સૌથી પહેલાં પૂછતી કે, ‘પપ્પા તમે જમ્યા કે નહીં?, આજે જમવામાં શું હતું?’

‘ગીષ્માએ કરાટેની ટ્રેનિંગ લીધી હતી’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘મારી દિકરીને PSI બનવું હતું. આ માટે NCCના 2 વર્ષ ક્લાસ પણ કર્યા હતા. કરાટેની પ્રોફેશનલ ટ્રેઈનિંગ પણ લીધી હતી. પરંતુ તે દિવસે તે ખૂબ જ ગભરાઈ ગઈ હશે એવું મને લાગે છે. કારણ કે ફેનિલે આવીને સૌથી પહેલાં તો મોટા-પપ્પાને અને પછી ભાઈને છરો માર્યો હતો. ત્યારબાદ તે ગ્રીષ્માને ઘસડીને ગેટ પાસે લઈ ગયો હતો. એટલે ગ્રીષ્મા સ્વબચાવ ન કરી શકી. જેનું મને સૌથી વધું દુ:ખ છે. બીજી તરફ તે છોકરાએ ગ્રીષ્માના ગળા પર છરો રાખી દીધો હોવાથી કોઈ મદદરૂપ થઈ ન શક્યા.’

સોસાયટીનો પુરુષ હોત તો બચાવવાને પ્રયાસ કરતોઃ પિતા
સોસાયટીમાં મોટાભાગના લોકો હીરાના વ્યવસાયમાં હોવાથી કામ પર જાય છે. જે પબ્લિક હતી તે રોડની હતી. સોસાયટીમાં 5 વર્ષ પ્રમુખ રહ્યો છું. મને વિશ્વાસ છે કે, સોસાયટીનો કોઈ પણ પુરુષ હોત તો મારી દીકરીને બચાવવા માટે પુરતા પ્રયાસ કરત. આ બનાવ બાદ યુવાનોને મેસેજ આપીશ કે, સોસાયટીના નાકે બેસી રહેનારા લોકોની ગંદકી વહેલી તકે નાબૂદ થવી જોઈએ. કોઈ હેરાન કરતું હોય તો પોલિસ કેસ કરવાથી બાપની ઈજ્જત જશે તેવો ડર દીકરીઓને સતાવતો હોય છે. મારા લગ્ન થશે ત્યારે લોકો ખરાબ વાતો કરશે તેવો ડર પણ હોય છે. જેથી દીકરી તેના બાપને કહી નથી શકતી. પરંતુ આવા તત્ત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, જે માટે નવા કાનૂન બનાવવા જોઈએ.

‘બાળકો પર નજર રાખો’
મારે માતા-પિતાઓને સલાહ આપવી છે કે, તેમના સંતાનોના મિત્રો કોણ છે?, કોની સાથે રહે છે ?, કોલેજમાં શું કરે છે? એની જાણ રાખો. રાત્રે જમીને ઘરેથી નિકળ્યા પછી તમારો દીકરો કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે તેવી મીઠી નજર પણ રાખો. વ્યસ્ત હોવ તો પણ થોડો સમય કાઢીને સંતાનો સાથે વાતો કરો, સમય પસાર કરો. જેથી આવી કલંકરૂપ ઘટનાઓ ન બને.” (જલ્પેશ કાળેણા સાથેની વાતચીતના આધારે)

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો