30થી વધુ વિદ્યાર્થીઓ હોય તો ક્લાસ રૂમમાં બે દરવાજા ફરજિયાત

અમદાવાદઃ 30 કે તેથી વધુ વિદ્યાર્થીઓ હોય તે કલાસરૂમમાં બે દરવાજા રાખવા ફરજિયાત છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા યોજાયેલા ફાયર એનઓસી અંગેના સેમિનારમાં પૂછાયેલા સંચાલકોના પ્રશ્નના જવાબમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ દસ્તુરે જણાવ્યું હતું. 1100ની ક્ષમતાવાળા ટાઉનહોલમાં દસ્તુરનુ લેકચર સાંભળવા 3500થી વધુ સંચાલકો હાજર રહ્યાં હતા.

ટાઉન હોલમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા ફાયર એનઓસી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હોલ ખીચોખીચ ભરાઈ જતાં લોકોએ નીચે બેસવું પડ્યું હતું.

દર 30 વિદ્યાર્થીએ અગ્નિશામકની એક બોટલ રાખવી પડશે

સવાલઃ મારા કોમર્શિયલ કોમ્પ્લેક્સની ફાયર એનઓસી હોય તો ક્લાસીસની અલગ લેવી પડશે?

જવાબઃ કોમ્પ્લેક્સની એનઓસી હોય તો પણ ક્લાસીસની ફાયર એનઓસી વિદ્યાર્થીઓની સેફ્ટી માટે લેવી જરૂરી છે.

સવાલઃફાયર એનઓસી ક્યાંથી મેળવવાની રહેશે?

જવાબઃ તમારી નજીકના સિવિક સેન્ટર પર અરજી આપીને ફાયર એનઓસીની પ્રક્રિયા કરી શકો છો.

સવાલઃશું એનઓસી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ થઇ શકે?

જવાબઃ ના, સિંગલ વિન્ડો સિસ્ટમ ન થઇ શકે, પોલીસ અને કોર્પોરેશનને પણ ક્લાસીસ સંચાલકોએ જાણ કરવી પડશે.

સવાલઃશું ફાયર વિભાગ પ્રોવિઝનલ એનઓસી આપી શકે?

જવાબઃ ના, પ્રોવિઝનલ ફાયર એનઓસીની કોઇ સિસ્ટમ જ નથી, ઇન્સ્પેક્શન વગર એનઓસી શક્ય જ નથી

સવાલઃક્લાસીસ બેઝમેન્ટમાં હોય અને ફાયર એનઓસી હોય તો ફરી લેવાની રહેશે?

જવાબઃ બેઝમેન્ટમાં કોઇપણ પ્રકારની એક્ટિવિટીને મંજૂરી મળશે નહીં, ભૂલથી કદાચ એનઓસી ઇશ્યૂ થઇ હશે, પરંતુ હવેથી એનઓસી મ‌ળશે નહીં.

સવાલઃકેટલા વિદ્યાર્થીએ એક અગ્નિશામક બોટલ રાખવી?

જવાબઃ દર 30 વિદ્યાર્થીએ એક અગ્નિશામક બોટલ રાખવી.

સવાલઃફાયર એનઓસીની કોપી ક્યાં આપવાની રહેશે?

જવાબઃ ફાયર એનઓસીની એક કોપી કોર્પોરેશન અને બીજી પોલીસને આપવાની રહેશે.

સવાલઃસરકાર માન્ય ક્લાસીસે પણ ફાયર એનઓસી લેવી પડશે?

જવાબઃ સરકારી અને ખાનગી દરેક પ્રકારના ક્લાસીસે ફાયર એનઓસી લેવી પડશે

સવાલઃપોળમાં સાંકડા મકાનોમાં ક્લાસીસ ચાલતા હશે તો ફાયર એનઓસી મળશે?

જવાબઃ પોળમાં આગને પ્રબળ બનાવે તેવા સાધનો દૂર કરવા પડશે, જેમ કે લાકડાની સીડી.

સવાલઃશું ઘરમાં ચાર-પાંચ બાળકોનું ટ્યૂશન ચાલતું હોય તો તેમણે ફાયર એનઓસી લેવી પડશે?

જવાબઃ માત્ર ત્રણ ચાર બાળકોનું ટ્યૂશન ચાલતું હોય તો ફાયર એનઓસી લેવાની કોઇ જરૂર નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો