નર્મદાની કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા પોલીસ કર્મીએ કૂદકો માર્યો, રેસ્ક્યૂ કરીને પરિવારને સોંપ્યો

વડોદરાના અંકોડિયાની કેનાલમાં ડૂબતા શ્રમિક પરિવારના 10 વર્ષના વિદ્યાર્થીને બચાવવા માટે લક્ષ્મીપુરા પીસીઆરના કોન્સ્ટેબલે યુનિફોર્મ સાથે જ પાણીમાં કૂદકો મારી તેને બચાવી લીધો હતો. લીલના કારણે લપસી પડાતું હોવાથી કોન્સ્ટેબલે ૧૦ મિનિટ કિનારે પાણીમાં જ બાળક સાથે ઉભા રહી દોરડું મંગાવી તેને રેસક્યુ કર્યો હતો.

મૂળ દાહોદ નવજીવન કોલેજ પાસેના ટીંડોલિયા ફળિયામાં રહેતો અને ધો. ૪માં અભ્યાસ કરતો ૧૦ વર્ષીય વિપુલ સોમાભાઇ બારિયા હાલ અંકોડિયાની સીમમાં રહે છે. શ્રમજીવી પરિવારનો વિપુલ તેના બે મિત્રો સાથે અંકોડિયા સ્થિત નર્મદા કેનાલ પાસે રમતો હતો. ત્યારે વિપુલ અચાનક કેનાલમાં પડી જતાં પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેના બે મિત્રોએ બચાવવા માટે બૂમરાણ મચાવી હતી.

પોલીસ કર્મીઓ પહોંચ્યા ન હોત તો બાળક બચી શક્યો ન હોત.

આ સમયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પીસીઆરના ડ્રાઇવર ડાહ્યાભાઇ , લોકરક્ષક અશોકભાઇ અને ભગીરથભાઇ ત્યાંથી પસાર થતા હોઇ ડાહ્યાભાઇ તુરંત જ પીસીઆર ઉભી રાખી કેનાલમાં કૂદી પડ્યા હતાં. તેમણે 8 થી 9 ફૂટ ઉંડા પાણીમાં ડૂબતા બાળકને બચાવી લીધો હતો. બાળકે પાણી પી લીધું હતું પણ કેનાલના કિનારે લીલ હોવાથી બહાર નીકળવા જતાં લપસી પડતા હતાં. તેઓ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કિનારે બાળકને પકડીને ઉભા રહ્યા હતાં. ત્યાર બાદ દોરડું મંગાવીને બાળક સાથે બહાર નીકળ્યા હતા.

બાળકને રેસક્યુ કરનાર કોન્સ્ટેબલનું સન્માન કરાયું

કેનાલમાં ડૂબતા બાળકને બચાવનાર કોન્સ્ટેબલ ડાહ્યાભાઇ અને અશોકભાઇનું એસીપી બી.એ.ચૌધરીએ સન્માન કર્યું હતું. કેનાલના પાણીમાં કૂદકો મારાનાર ડાહ્યાભાઇને ઇનામ આપાવમાં આવે તે માટે પોલીસ કમિશ્નરને ભલામણ પણ કરવામાં આવશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો