સુરતમાં જાહેરમાં બર્થ ડે ઉજવ્યો તો થશે જેલ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

જન્મ દિવસ નિમિત્તે મિત્રો દ્વારા બર્થ-ડે બોયને માર મારવાને કારણે તેનું મૃત્યુ થયા હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનરે જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે.

ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા

આ વિશે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શહેરના અમુક વિસ્તારમાં ખાસ કરીને સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે અન્ય વ્યક્તિ કે એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવી છે. આ પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા રહેલી છે.

સુરત પોલિસ કમિશનરે જોખમી રીતે બર્થ ડે ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો.

12મી જુલાઈ 2019 સુધી જાહેનામુ લાગુ

આ બાબતને ધ્યાને લઈને રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન આજથી તા.14-5-19થી આગામી તારીખ 12મી જુલાઈ 2019 સુધી રહેશે.

‘લોકોમાં જાગરૂકતા આવે તેવો હેતુ’

સતિષ શર્માએ કહ્યું કે, ‘આ જાહેરનામું એક સ્પષ્ટ મેસેજ અને લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે’.

પોલીસની ટીમ કરશે પેટ્રોલિંગ

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો