નડિયાદ શહેરમાં આવેલ વ્યાયામ શાળામાં કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં માત્ર સાડા ચાર અને પાંચ વર્ષની નાની ઉંમરે ગોલ્ડ મેડલ તથા 8 વર્ષે બ્લેક બેલ્ટ હાંસલ કરનાર બાળકીઓ છે. અહીં કરાટેની ટ્રેનિંગ લઇ રહેલ હિર પટેલની ઉંમર માત્ર સાડા ચાર વર્ષ છે અને તેણે નેશનલ લેવલની ગેમમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આવી જ રીતે પાંચ વર્ષની વૈશ્વિ લખમાણીએ પણ નેશનલ લેવલે બે સિલ્વર મેડલ હાંસલ કર્યા છે.
યાત્રિ 6 થી વધુ મેડલ જીતી ચૂકી છે
સામાન્ય રીતે એક પછી એક સ્ટેપ ક્લીયર કરી, બ્લેક બેલ્ટ 15 વર્ષની ઉંમરની આસપાસ મળે છે. જોકે યાત્રિ દેસાઇ નામની કરાટે ચેમ્પિયને માત્ર 8 વર્ષની ઉંમરે જ બ્લેક બેલ્ટ સુધીની પોતાની સફર પૂર્ણ કરી છે, અત્યાર સુધીમાં યાત્રિ 6 થી વધુ મેડલ જીતી ચૂકી છે અને હવે યાત્રિને ઇન્ટરનેશનલ લેવલે કરાટેમાં નામ કમાવું છે. 11 વર્ષની સાઇની ઉપાધ્યાય પણ હજી 11 વર્ષની જ છે અને તેણે પણ બ્લેક બેલ્ટ સુધીની સફર પૂર્ણ કરી છે.
આ ઉપરાંત 8 વર્ષની જ ધ્યાના મરાઠે અને 11 વર્ષની હેલી ઠક્કર પણ કરાટેમાં કેરિયાર બનાવવાના આશય સાથે ટ્રેનિંગ લઇ રહી છે. તાજેતરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સ્પર્ધામાં વૈશ્વિ લખમાણીએ ગોલ્ડ મેડલ, હિર પટેલે સિલ્વર મેડલ, ધ્યાના મરાઠેએ સિલ્વર મેડલ, સાઇની ઉપાધ્યાયે સિલ્વર મેડલ, હેલી ઠક્કરે અને યાત્રી દેસાઇએ બ્રોંઝ મેડલ હાંસલ કર્યા હતા.
ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન
વ્યાયામ શાળાની આ ખેલાડીઓએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે સિધ્ધિ હાંસલ કરી છે. કરાટેના નિયમોની સમજ આપવાની સાથે સાથે કોચ રાજુભાઇ દ્વારા તેમને યોગ્ય તાલિમ અપાતી હોઇ તેઓ ઇન્ટરનેશલ લેવલે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યા. જેના કારણે ઓલિમ્પિકમાં આ ખેલાડીઓ મેડલ જીતી દેશનું નામ રોશન કરશે તેવી આશા પણ બંધાઇ છે.