ભારત માટે ઐતિહાસિક ક્ષણ: ચંદ્રયાન-2નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું, 17 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું

ચંદ્રયાન-2 આજે બપોરે 2:43 વાગ્યે શ્રીહરિકોટા (આંધ્રપ્રદેશ)ના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું. પ્રક્ષેપણ પછી રોકેટની સ્પીડ અને સ્થિતિ સામાન્ય છે. આ પહેલાં ઈસરોએ શનિવારે ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કર્યું હતું.ઈસરોએ ગુરૂવારે ટ્વીટ કર્યું હતું કે ચંદ્રયાન-2નું લોન્ચિંગ 15 જુલાઈની રાત્રે 2:51 થવાનું હતું જે ટેકનિકલ ખરાબીને કારણે રદ કરાયું હતું. ઈસરોએ એક અઠવાડીયાની અંદર તમામ ટેકનિકલ ખામીઓને ઠીક કરી દીધી છે.

15 જુલાઈની રાત્રે મિશનની શરૂઆતથી લગભગ 56 મિનિટ પહેલાં ઈસરોને ટ્વીટ કરી લોન્ચિંગની તારીખ બદલવાની જાહેરાત કરી હતી. ઈસરોએ એસોસિએટ ડાયરેક્ટર (પબ્લિક રિલેશન) બીઆર ગુરુપ્રસાદે જણાવ્યું હતું કે લોન્ચિંગ પહેલાં લોન્ચિંગ વ્હીકલ સિસ્ટમમાં ખરાબી આવી હતી. આ કારણે ચંદ્રયાન-2ની લોન્ચિંગ ટાળવામાં આવી. જે બાદ શનિવારે ઈસરોએ ટ્વીટ કર્યું કે જીએસએલવી એમકે 3-એમ1/ ચંદ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે. જેનું પ્રદર્શન સામાન્ય છે.

ચંદ્રયાન-2 પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશેઃ

લોન્ચિંગની તારીખ એક અઠવાડીયું આગળ વધાર્યું હોવા છતાં ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર નિર્ધારીત તારીખ 7 સપ્ટેમ્બરે જ પહોંચશે. આ સમયે પહોંચવાનો હેતુ એ જ છે કે લેન્ડર અને રોવર નિર્ધારીત શિડ્યુલ મુજબ કામ કરી શકે. સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશે. પહેલાં 5 ચક્કર લગાવવાનું હતું, પણ હવે 4 જ ચક્કર લગાવશે. તેનું લેન્ડિંગ એવી જગ્યાએ નક્કી છે જ્યાં સુરજનો પ્રકાશ વધુ છે. પ્રકાશ 21 સપ્ટેમ્બર બાદ ઓછો થવાનું શરૂ થશે. લેન્ડર-રોવરને 15 દિવસ કામ કરવાનું છે તેથી નિર્ધારીત સમયે પહોંચવું જરૂરી છે.

ચંદ્રયાન-2નું વજન 3,877 કિલોઃ 

ચંદ્રયાન-2ને ભારતના સૌથી તાકાતવર GSLV-3 રોકેટથી લોન્ચ કરાશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર(પ્રજ્ઞાન) છે. આ મિશન અંતર્ગત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડરને ઉતારવામાં આવશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3,877 કિલો છે. આ ચંદ્રયાન-1 મિશન (1,380 કિલો)થી લગભગ ત્રણ ગણું વધુ વજન ધરાવે છે. લેન્ડરની અંદર રહેલાં રોવરની સ્પીડ 1 સેમી પ્રતિ સેકન્ડ રહેશે.

ચંદ્રયાન-2નું લોન્ચિંગ પહેલી વખત ઓક્ટોબર 2018માં ટાળ્યું હતું: 

ઈસરો ચંદ્રયાન-2ને પહેલાં ઓક્ટોબર 2018માં લોન્ચ કરવાના હતા. બાદમાં આ તારીખમાં ફેરફાર કરીને 3 જાન્યુઆરી અને જે બાદ 31 જાન્યુઆરી કરવામાં આવી હતી. જો કે કોઈ કારણોસર આ તારીખમાં ફેરફાર થયા અને લોન્ચિંગ 15 જુલાઈ સુધી ટાળી દીધું હતું. આ દરમિયાન ફેરફારને કારણે ચંદ્રયાન-2નો ખર્ચ પણ પહેલાંથી વધી ગયો. એવામાં જીએસએલવી માર્ક 3માં પણ કેટલાંક ફેરફારો થયા હતા.

ચંદ્રયાન 2 મિશન શું છે? ચંદ્રયાન 1થી કેટલું અલગ છે?: 

નવી તારીખ નક્કી થયા બાદ શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરમાં ચંદ્રયાન-2ને ભારતના સૌથી તાકાતવર જીએસએલવી માર્ક-3 રોકેટથી લોન્ચ કરાશે. ચંદ્રયાન-2 હકિકતમાં ચંદ્રયાન-1 મિશનનું જ નવું સંસ્કરણ છે. જેમાં ઓર્બિટર, લેન્ડર(વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતું, જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું. ચંદ્રયાન-2ની મદદથી ભારત પહેલી વખત ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર થશે. જેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર યાન ઉતારનાર પહેલો દેશ બની જશે.

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?:

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. જેનો મુખ્ય હેતુ પૃથ્વી અને લેન્ડર વચ્ચે કોમ્યુનિકેશન કરવાનું છે. ઓર્બિટર ચંદ્રની સપાટી પર નકશા તૈયાર કરશે, કે જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની માહિતી મળી શકે. તો લેન્ડર અને રોવર ચંદ્ર પર એક દિવસ (પૃથ્વીના 14 દિવસ બરાબર) કામ કરશે. લેન્ડર તે તપાસ કરશે કે ચંદ્ર પર ભૂકંપ આવે છે કે નહીં. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરીની પણ તપાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો