સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી.
સ્લીપર કોચમાં લાગી આગ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસ રાજધાની સ્લીપર કોચમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની જહેમત બાદ થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જવાબદારો વિરુદ્ધ આકરા પગલા લેવાશે
આ ગોઝારી દૂર્ઘટના અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતુ કે, આ ઘટના કઈ રીતે બની તેની ચોક્કસ તપાસ કરવામાં આવશે. આ ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હશે તેની વિરુદ્ધ આકરા પગલા લેવામાં આવશે.
બસમાં કુલ 15 મુસાફરો હતા
આગ લાગી તે સમયે આ બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા. બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુરતના સાંસદ દર્શના જરદોશે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
એક વાહન ચાલકે ઓવરટેક કરીને ડ્રાઇવરને કરી જાણ
આ અંગે લકઝરી બસના ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે, યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો હતો. જેમણે કહ્યું કે, તમારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે. એટલે મેં તરત બસ ઉભી રાખી અને પાછળ જઈને જોયું. તેટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી.
ડબલ બેડવાળા બોક્સમાં લાગી આગ
મળતી માહિતી પ્રમાણે, આ બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ કોચમાં એસીની વ્યવસ્થા હતા. બસની પાછળના ભાગમાં બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. ત્યાં અચાનક આગ લાગી હતી. આ બોક્સમાં બેઠેલી મહિલા થોડી જ વારમાં જીવતી સળગી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..