રવિવારે મધ્યપ્રદેશમાં એક અનોખો અકસ્માત થયો. જેમાં બ્રેક ફેલ થવાને કારણે બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી, પરંતુ સદભાગ્યે બસ 140 ફૂટ નીચે એક વૃક્ષમાં ફસાઇ જવાને કારણે અટકી ગઇ. આ ઘટનાને નજરે જોનારાનુસાર, બસે લગભગ 23 પલટીઓ ખાધી, પરંતુ તેમાં છતાં બધા જ પેસેન્જર્સ બચી ગયા.
અકસ્માત દરમિયાન ડ્રાઈવર બસમાંથી કૂદી ગયો
60 યાત્રાળુઓ ભરેલી બસ મધ્ય પ્રદેશના મંડુથી મહેશ્વર જઈ રહી હતી અને અકસ્માત નાગદા-ગુજરી હાઈવે પર થયો. પોલીસે જણાવ્યું કે, બસમાં 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 55 લોકોને નાની મોટી ઈજા થઈ છે. તેમાં 33 પુરુષ, 5 બાળકો, 17 મહિલા સામેલ છે. તમામ યાત્રાળુઓ મંદસૌર જિલ્લાના છે અને તેઓ ભૂતડી અમાસ પર ઓમકારેશ્વર, મહેશ્વર, મંડુ અને જિરાપુરાની તીર્થ યાત્રા પર નીકળ્યા હતા. યાત્રાળુઓએ જણાવ્યું કે, અકસ્માત દરમિયાન ડ્રાઈવર શ્યામલાલ(40) બસમાંથી કૂદી ગયો.
અમે દર વર્ષે એક વૃક્ષ વાવીશું: યાત્રાળુઓ
આ અકસ્માતમાં બચી ગયેલા યાત્રાળુઓએ કહ્યું કે, અમે બધા આકસ્મિક રીતે બચી ગયા છીએ. ભગવાને અમારો જીવ બચાવી લીધો છે. એક વૃક્ષ અમારો સહારો બન્યું. આ વૃક્ષ ન હોત તો કદાચ અમારામાંથી કોઈ બચ્યું ન હોત. એટલા માટે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે દર વર્ષે એક વૃક્ષ વાવીશું અને તેની દેખરેખ પણ કરીશું.
અમને લાગ્યું કોઈ નહીં બચે
રાજગઢમાં રહેતા પ્રત્યક્ષદર્શી બલરામે જણાવ્યું કે, હું રસ્તા પર કેબલની લાઈન ખોદાવી રહ્યો હતો. આ દરમિયાન એક બસને પૂરપાટ ઝડપે આવતી જોઈ અમારી આખી ટીમ ઘટના સ્થળેથી ભાગી ગઈ. થોડી જ વારમાં બસ તારાપુર ખીણમાં ખાબકી. બલરામે જણાવ્યું કે, બસ ચાલકે એકદમ બ્રેક મારી પણ તે રોકવામાં નિષ્ફળ રહ્યો. જેથી બસ ખીણમાં પલટીઓ મારવા લાગી. ઘણા વૃક્ષ તૂટી પણ ગયા, અમને લાગ્યું કે અકસ્માતમાં કોઈ નહીં બચે. જોકે, સારી વાત રહી કે બસ એક વૃક્ષના કારણે અટકી ગઈ નહીંતર ઘણા લોકો જીવ ગુમાવી બેસતા.