ડૉક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોર્સથી આડેધડ દવાઓ લઈને ચલાવી લેનારા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો! વલસાડમાં સગા ભાઈ-બહેનનું થયું મોત

આપણામાં અનેક લોકો એવા હોય છે, જેઓ ઘણી વખત શરદી, તાવ, ઝાડા-ઉલ્ટી કે સામાન્ય તાવ જેવી બીમારીઓ વખતે ડોક્ટરની સલાહ લેવાની જગ્યાએ નજીકની દવાની દુકાનમાંથી દવાઓ લાવીને ચલાવી લેતા હોય છે. અનેક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ વાળા વેચાતી આપી દેતા હોય છે. જેના કારણે ઘણી વખત દર્દીની તબીયત વધારે કથળી જતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. કંઈક આવો જ કિસ્સો વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીના વાપીમાં ઝાડા-ઉલ્ટી બાદ આપવામાં આવેલી દવા લીધા બાદ સગા ભાઈ-બહેનનું શંકાસ્પદ મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાપીમાં રહીને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અખિલેશ રાજવંશીને સંતાનમાં બે બાળકો છે. 20 વર્ષીય ગોલ્ડન કુમાર અને 13 વર્ષની પુત્રી સંગીતાને થોડા દિવસોથી ઝાડા-ઉલ્ટીની સમસ્યા હતી. આથી પિતા અખિલેશે સ્થાનિક મેડિકલ સ્ટોર્સમાં જઈને ઝાડા-ઉલ્ટી માટેની કામચલાઉ દવા લઈને સંતાનોને આપી હતી.

જો કે આ દવા લીધા બાદ બન્ને ભાઈ-બહેનની તબીયત વધારે બગડવા લાગી હતી. જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્ને ભાઈ-બહેન મોતને ભેટ્યા છે.

એકસાથે બે સંતાનોના મોતથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. હાલ પોલીસે અકસ્માતથી મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાઈ-બહેનનું મોત ખરેખર દવાની આડઅસરના કારણે જ થયું છે કે કેમ? તે તો પોસ્ટ મોર્ટમના વિગતવાર રિપોર્ટના અંતે જ જાણી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો