બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત

અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું.

અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે મળી આવી હતી. આ ઘટનાને પગલે બહેન અમેરિકા જઇ શકી ન હતી.

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરત નજીકના કામરેજના ડુંગર-ચીખલી ગામે રહેતા નિતીનભાઇ મંગુભાઇ લેઉવા પટેલ (ઉ.વ.૪૮) અમેરિકા (ઓકલાહોમાં) થી આવેલી પોતાની બહેન હિનાબેન પટેલને બારડોલી તાલુકાના નિઝર ગામેથી લઇને ગતરોજ મુંબઇ એરપોર્ટ પર મુકવા જઇ રહ્યા હતા.

મુંબઇ એરપોર્ટ જવા ભાડે કરેલી ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર થઇ નીકળ્યા હતા. વલસાડ નજીક હાઇવે પર તેમની ટેમ્પો ટ્રાવેલ્સને અક કન્ટેઇનરે ટક્કર મારી હતી.

પણ ચાલકે કન્ટેઇનર થોભાવ્યું ન હતું. જેથી ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક શ્યામલાલ યાદવે પીછો કરી કન્ટેઇનરને આંતરવા ઓવરટેક કરી વલસાડની પાર નદીના બ્રીજ પર ટેમ્પો ટ્રાવેલ્સ ઉભી રાખી હતી અને કન્ટેઇનરને થોભવા માટે બુમ પાડી હતી. દરમિયાન નિતીનભાઇ પટેલ પણ નીચે ઉતર્યા હતા.

અને કન્ટેઇનરને અટકાવવા માટે રોડ પર ઉભા રહી ગયા હતા. જોકે, ચાલકે કન્ટેઇનર નહીં થોભાવતા ગભરાઇ ગયેલા નિતીનભાઇ નદીના પુલના કઠેરા પર ચઢી ગયા હતા. ત્યારે તેમનું બેલેન્સ ન રહેતાં તેઓ રાત્રીના અંધારામાં નીચે પડી ગયા હતા. આ દરમિયાન કન્ટેઇનર ચાલક ભાગી જતાં શ્યામલાલ યાદવે પોલીસને જાણ કરી દેતાં પોલીસે બગવાડા ટોલનાકા પર કન્ટેઇનર અટકાવી પકડી પાડયું હતું.

બનાવની જાણ થતાં ડુંગર-ચીખલી ગામના રહીશો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને રાત્રી દરમિયાન ચંદ્રપુર ગામના તરવૈયાની સાથે નિતીનભાઇને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જેમની લાશ મંગળવારે બપોરે ૧૨ વાગ્યે પાર નદીના કિનારેથી મળી આવી હતી. આ ઘટનાને લઇ નિતીનભાઇનો પરિવાર આઘાતમાં સરી પડયો હતો.

તેમના બહેન હિનાબેન પટેલે અમેરિકા જવાનું કેન્સલ કર્યું હતું. આ દુર્ઘટના બાદ પોલીસે માત્ર જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કન્ટેઇનરે તેમને ટક્કર મારી નહીં હોવાની વાત વચ્ચે હાલ કન્ટેઇનર ચાલક વિરૃધ્ધ કોઇ ફરિયાદ નોંધાઇ નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર