લંડનની 55 વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાની પહેલી એવી દર્દી બની ગઈ છે જેના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઈસની મદદથી હટાવાયા હતા. હવે તેના જીવનને કોઈ ખતરો નથી. આ જીવનરક્ષક ડિવાઈસ બનાવવાનો શ્રેય બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડોક્ટરો અને સંશોધકોને જાય છે.
જેકીને ડીપ વેન થ્રમ્બોસિસની સમસ્યા હતી. તેમાં વ્યક્તિને નીચેનાં અંગોની નસોમાં લોહીની ગાંઠો બની જાય છે. તેનાથી પગમાં સોજા આવી જાય છે. ચાલવું ભારે મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અડધાથી વધુ મામલામાં આ રોગની વહેલી ખબર જ નથી પડતી. જ્યારે હૃદય અને ફેફસાંમાં લોહીના પરિભ્રમણમાં બાધા આવે છે અને જિંદગીમાં જોખમ વધી જાય છે ત્યારે આ બીમારીની જાણકારી મળે છે.
બ્રિટનમાં છ લાખ લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. દર વર્ષે 25 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. જેકીએ કહ્યું હતું કે, ગયા વર્ષે નવેમ્બરમાં રાત્રે તેમને અચાનક પગના પાછલા ભાગમાં ભયંકર દર્દ થયું. એ દર્દથી તેઓ ફસડાઈ પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડાયાં. સેન્ટ થોમસ હોસ્પિટલના ડોક્ટરોને આ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે આ તક યોગ્ય લાગી. ડોક્ટરોનું કહેવું છે કે, જેકીનો ઈલાજ પરંપરાગત પદ્ધતિથી શક્ય ન હતો એટલે તેમણે આ ડિવાઈસનો ઉપયોગ કર્યો.
સ્ટેન્ટની મદદથી લોહીના ગઠ્ઠા હટાવાય છે
1. કેથેટરને ગઠ્ઠા ધરાવતી નસમાં મોકલાય છે. ત્યાર પછી ચોક્કસ જગ્યાએ તેને સ્થિર કરાય છે.
2. તેની મદદથી લોહીના ગઠ્ઠાની બિલકુલ વચ્ચે સ્ટેન્ટ પહોંચાડાય છે. ગઠ્ઠામાં જઈને તે ફેલાઈ જાય છે.
3. ફેલાયેલું સ્ટેન્ટ નસની દીવાલો પરથી ગઠ્ઠા હટાવી દે છે. ડિવાઈસ તેનો બગાડ પણ બહાર ખેંચી લે છે.