ગુજરાતમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂ લાગૂ કરાયો છે. રાજ્યના મહાનગરો સહિત 19 શહેરોમાં રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની કડક અમલવારી શરૂ થઈ ચૂકી છે. એવામાં રાત્રિ કરફ્યૂના પાલન માટે પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે વલસાડ પોલીસનું એક અમાનવીય વર્તન સામે આવ્યું છે. જેમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરનાર વર-કન્યાને લગ્નની પ્રથમ રાત પોલીસ ચોકીમાં વીતાવવાની નોબત આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડ જિલ્લામાં રાત્રિ કરફ્યૂના સમયે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે લગ્ન સમારોહમાં પોલીસ ત્રાટકી હતી. રાત્રિ કરફ્યૂના ભંગના કેસમાં વર-કન્યા સહિત જાનૈયાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં 35 જણાં વિરુદ્ધ કાર્યવાહીના નામે હેરાનગતિ કરવામાં આવી હતી.
વર-કન્યા સહિત જાનૈયાઓ જઈ રહ્યાં હતા. આ દરમિયાન પોલીસે તેમને અટકાવીને પૂછપરછ કર્યા બાદ તેઓને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહીના પગલે વર-કન્યા સહિત જાનૈયાઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.
પોલીસના વર્તન અંગે વરરાજા પિયુષ પટેલે જણાવ્યું કે, અમે મોડી રાત્રે જાન લઈને આવી રહ્યાં હતા, ત્યારે પોલીસે અમને અટકાવ્યા હતા. અમને પોલીસે પૂછ્યું હતું કે, ક્યાંથી આવો છો? અમે જણાવ્યું પણ ખરું કે, અમે લગ્ન પતાવીને આવી રહ્યા છીએ અને થોડું મોડું થઈ ગયું છે તો અમને જવા દો. અમે રિક્વેસ્ટ કરી તો પોલીસે કહ્યું કે, શું તમે ગધેડા છો? કાયદાનો ભંગ કરો છો. અમારા પરિવારજનોએ વિનંતી પણ કરી હતી કે, આ નવું જોડું છે, તો તેમને જવા દો અને કાર્યવાહી કરવી હોય તો અમારા પર કરો. જો કે પોલીસ કર્મચારીઓ માન્યા નહતા અને ગાડીને ફટકો માર્યો હતો. પોલીસના ઉદ્ધત વર્તનથી ડઘાઈને મારી પત્નીને તાવ આવી ગયો છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ સુરતના જાણીતા બિલ્ડરની પુત્રીના ભવ્ય લગ્નનો પ્રસંગ 4 દિવસ સુધી ઉજવાયો હતો. જેમાં 400થી વધુ લોકોએ હાજરી આપી હતી. સામાન્ય નાગરિકોને કાયદાનું પાલન કરાવનારી પોલીસ ખુદ આ પ્રસંગમાં બંદોબસ્તમાં ગોઠવાઈ હતી. આટલું જ નહીં, સુરત ભાજપના નેતાઓ પણ આ લગ્નમાં હાજર રહ્યાં હતા.
અગાઉ પણ નેતાઓ દ્વારા લગ્ન પ્રસંગ સહિતના અનેક રાજકીય કાર્યક્રમોમાં કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાના વીડિયો સામે આવી ચૂક્યા હોવા છતાં પોલીસ આંખઆડા કાન કરી રહી છે. બીજી તરફ વલસાડમાં વર-કન્યા સહિત જાનૈયાઓને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતા પોલીસની નિયત પર સવાલ ઉઠ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..